ભેદી

‘9 + 4 = ?’

‘આવું શું કરવાની જરૂર હશે?, આના કરતાં આમ કરી નાખતાં હોય તો!’
તારી તો તને ખબર પણ મેં તો આવું ઘણી વખત બીજાનાં કરેલા કામો વિશે
વિચારી જોયું છે અને ઘણી વખત તો ઘણાઓને મોઢે પણ સંભળાવ્યું છે કે, ‘એલા આવા કંઇ
ગતકડા કરતાં હશે, હું તો આવા કશામાં માનતો જ નથી, આવું તે કંઇ હંબક હોતા હશે કોઇ
દિ’ હંહ..!’
પણ એક વસ્તું યાદ રાખજે, ‘તારે એને મારવાનાં જ છે, તારી જિદગીનો એક
લક્ષ્ય છે, એક વખત તારી જાતને સોંપી દે પછી જો ઉપર તને લેવા એ ખૂદ દરવાજા પર હાથ
પહોળા કરીને તને એમાં સમાવી લેવા માટે ઉભો હશે’ આ પણ એક વિચારસરણી છે.
ગોઠણીયે ચાલીને માતાનાં દર્શન કરવા સીડીઓની સીડીઓ ચડતા અને રસ્તા પર
રળતાં-રળતાં કોઇ બાપાનાં દર્શને જતાં લોકોને તો કોણે નહીં જોયા હોય, આ પણ એક
વિચારસરણી છે.
હમણાં જ છાપામાં ફોટા જોયેલા, કોઇ સાહસિકે જામેલા નાયેગ્રા ફોલ્સને
નીચેથી ઉપર ચડીને સર કર્યો પછી પેલો વિના કોઇ સેફ્ટીએ ઉંચી-ઉંચી જગ્યાઓ પર દોરડા
બાંધીને એના પર ચાલતો બજાણીયોનું નામ તો ક્યારેકને ક્યારેક સાંભળ્યું જ હશે તે,
આવું એ શું કામ કરતા હશે એ સવાલ જવા દે પણ આ પણ એક વિચારસરણી છે.
‘ધ બકેટ લીસ્ટ’માં જેક નિકોલ્સને ભજવેલા એડવર્ડનાં પાત્ર અને ‘દસવિદાનિયા’માં
વિનય પાઠકે ભજવેલા અમર કોલનાં પાત્ર જેવા મરવા પડીને પણ જીવી જતાં લોકોની પણ એક
વિચારસરણી છે.
બેફામ લોકપ્રિયતાં, અઢળક પૈસા, ચકાચૌંદ ઠાઠ વચ્ચે પણ કંઇક ખોઇ બેઠેલાં
અને એને પામવાની લાયમાં ખૂદને ખોઇ બેઠેલા ’27 club’નાં
સભ્યોને પણ પોતાની એક વિચારસરણી હતી
JFK ને વિચારસરણી હતી, મેરીલીન મોનરોને વિચારસરણી હતી, ગાંધીજીને
વિચારસરણી હતી, ગોડસેને વિચારસણી હતી, ઓસામાને હતી, બુશને હતી, દલાઇ લામને છે,
ચીની ડ્રેગનને છે, જોકરને છે, બેટમેન છે, તને છે, તારી સાસુને છે..
લાભ-ગેરલાભ-દ્રષ્ટીકોણ-અભિગમ-સમય-બીક-ઉંમર-દબાવ-આદત-મજબૂરી-દોરવણી-શોખ-સ્વભાવ–
આ બધામાંથી કંઇ પણ વ્યક્તિને એ જેવો છે એનાથી બિલકુલ અલગ બનાવી શકે છે
અથવા એમ કહીએ કે કોઇ વ્યક્તિ જેવો છે એ એવો એટલે જ છે કે આ બધામાંથી કંઇક ને કંઇક
એના પર હાવી છે.
એટલે જ્યારે પણ તું બીજી વખત કોઇને જજ કરે ત્યારે વિચારી જો જે એને જજ
કરવા માટે તારા પર આ બધામાંથી શું હાવી રહ્યું હતું?
કોઇ આપણને પૂછીલે કે, ‘9 + 4 = ?’ અને આપણે છલાંગ લગાવીને બરાડી દઇએ કે,
‘..13..’ અને આપણને એમ થાય કે આપણે બધું જ જાણીએ છીએ પણ એવું એટલે જ થાય કે આપણને
એજ નથી ખબર કે ટોટલ જાણવા જેવું કેટલું છે!!