શેખચલ્લીનું એઠું

A ‘Bumpy’ Ride.

સવારનાં પહોરમાં થયું કંઇક નવીન
કરું; શું કરું? શું કરું? શું કરું? વિચારતો-વિચારતો જેવો બારણું ખોલીને બહાર
નીકળ્યો એવી એ એકીસાથે બધી મને ઘેરી વળી, ચારે બાજુથી. પહેલા તો મને એમ થયું કે આ
કોણ આવી ગયું, હું હેબતાઇ ગયો. એની ઓળખાણ હજી પડી-ન પડી ત્યાં તો એ બધી એકસાથે મને
એનાં ઝીણા-તીણા-મધુરા અવાજમાં આગ્રહ કરવા લાગી. એક આ બાજુથી કહે, ‘તમે મારી સાથે
ચાલો’ પેલી બીજી બાજુથી એનાથી મોટા અવાજે કહે, ‘ના, તમે મારી સાથે ચાલો’, તો વળી
ત્રીજી પેલી બાજુથી બરાડી, ‘ના હો,એ તો મારી સાથે આવશે, હેને! આવશો ને?!’

મને ખબર નહીં કે એ ઝાકળની ઝીણી-ઝીણી બુંદોને કેમ ખબર
પડી કે આજે મારે કંઇક નવું કરવાની ઇચ્છા હતી પણ જે હોય તે, એ બધી અહીં મારા
દરવાજે, મારી રાહ જોતી, મને એની સાથે લઇ જવા આવી પહોંચી હતી. મને ક્યાંથી વાંધો
હોવાનો, માથે મફલર અને ડીલે ફૂલ સ્લીવનાં ટીશર્ટ પર બાંડીયું સ્વેટર ઠઠાડી હું તો
તરત જ તૈયાર થઇ ગયો પણ ડખો એ થયો કે જવું આટલી બધીમાંથી કોની સાથે!!

તને તો બાપુના દિમાગની ખબર છે, ચિત્તાથી પણ તેજ! તરત
જ એક ઉપાય મળી ગયો, ‘અરે, તમે ઝઘડો ન કરો, આપણે બધા એકસાથે જ જઇએ. આમ પણ તમે કોઇ
એક-એક મને તમારી સાથે નહીં લઇ જઇ શકો, તમારે બધાએ એકસાથે મળીને જ મને લઇ જવો પડશે.’,
હવે એ બધીની બૂમરાડ શાંત થઇ અને એકબીજીની સામે જોઇને સર્વાનુમતિએ ખરડો પસાર કર્યો,
‘તો ચાલો!’

અને એ બધીઓએ હળવેકથી મને એમના પર લઇ લીધો અને જાણે કે
હું એમનામાંનો જ એક હોવ એમ હવા સાથે વહેવા લાગ્યો! આમથી તેમ અને તેમથી આમ! ધીમે-ધીમે
હું ખોવાવા લાગ્યો, એ ઝાકળની નાની-નાની ટીપકીઓની દુનિયામાં!

પહેલા અમે મારા ફળીયા પરથી જતાં ટેલીફોનનાં તાર પર
બેઠા, વધારે જગ્યા ન હતી એટલે અમે બધાં એક જ લાઇનમાં. પહેલાં બેલેન્સીંગમાં મને
તકલીફ પડી પણ પછી થોડું ઘણું ફાવ્યું પણ ત્યાં તો અચાનક અમારું સાઇટ-સીઇંગ આગળ વધી
ગયું. મારા આશ્ચર્ય વચ્ચે એ બધી ટીપકીઓ મને લઇ, ત્યાંથી ઉડતાં હોલાની પાંખ પર કૂદી
પડી, મારી તો રાડ જ ફાટી ગઇ, મને થયું, ‘એ…એ…એ… ગયા..!!’ પણ એ હોલું અમને
આરામથી હવામાં લહેરાવતું-લહેરાવતું નજીકની એક ઇમારતનાં બીજા માળની બારીનાં છજ્જા
પરનાં એના માળા પર લઇ ગયું. એણે અમને એના નનકા-નનકા બચડુંઓ સાથે ઇન્ટ્રો કરાવ્યો,
નાસ્તાની ઓફર કરી, પણ અમે એને કૃતજ્ઞતાથી નકારી, ત્યાંથી જવાની અનુમતિ માંગી. મને
એ હોલાની ‘હોલાઇ’ ગમી!

પણ હવે મારા મનમાં સવાલ અને મુખ પર ચિંતા એ હતી કે આ
બિલ્ડીંગનાં બીજા માળની બારીનાં છજ્જા પરથી ઉતરીશું કઇ રીતે?

પણ આ બધાની ફિકર પેલી મારી હાલત પર હસતી ખીખી-ખીખી હસતી,
ઝાકળની ટીપકીઓની ક્યાં જરાયે હતી જ! હું કંઇ વિચારું એ પહેલાં એ ‘ગર્લ્ઝ’ મને લઇને
બાજુનાં આસોપાલવનાં ઝાડની લંબાયેલી ડાળની કોર પર લપસી ગઇ. ‘અરે..અરે..અરે…જોજો..જોજો..’
વાક્ય પૂરું થાય એ પહેલા અમે એ ડાળની કોર પરથી સીધા ગયા નીચે… રસ્તામાં બે
આસોપાલવનાં પાનને ધોતાં-ધોતાં વધુંને વધું નીચે જવા લાગ્યા, એ બધીતો જાણે કે કોઇ
રોલર કોસ્ટર રાઇડમાં બેઠી હોય એમ નીચે પડતી ચીસો પાડતી હતી અને ત્યારે મને થયું આ
બધું ઘણું સરસ હતું પણ હવે હું મરવાનો છું…..પણ ત્યાં….

ભફફફ….હું એકદમ જ આરામથી મારા એક્સેસની સીટનાં પોચા
કવર પર એ બુંદો સાથે ખર્યો…સારો અનુભવ હતો…તું લેજે ક્યારેક…