જુદું કંઇક

આ વળી કઇ!?

“એનાં
એક હાથ પર ગાંધીજીનાં મોંનું ટેટું હતું અને બીજા હાથ પર અજીબ રેંડમ નંબરની સીરીઝ
ગુંદાવેલી હતી. નાકમાં, કાનમાં, ડાબા નેણ પર પછી મારું ધ્યાન પડ્યું તો એનાં બેલી
બટન પર પણ પીઅર્સીંગ કરાવેલું હતું.
એનાં જે કાંડાનાં પાછળનાં ભાગમાં ગાંધીજીનાં મોંનું ટેટું હતું એ
હાથનાં એટલે કે જમણા હાથનાં નખને શાઇની બ્લેક કલરથી રંગેલા હતાં, જો કે પાર્ડન મી,
એ જ હાથની બીજી આંગળીનો નેઇલ પેઇંટ બ્લેક હતો પણ રફ ડલ બ્લેક હતો બાકીની આંગળીઓથી
અલગ. અને બીજા હાથની દરેક આંગળીઓનાં નેઇલ્સ અલગ-અલગ શાઇની ફ્લોરોશેંટ કલરથી રંગેલા
હતાં.
એનાં ફૂલ લેંથ ક્રીમ સ્કર્ટ પર કેપ સ્લીવ બ્લેક શોર્ટ ટીશર્ટનું કોઇ જ
કોમ્બીનેશન ન હતું પણ એ પોતે એને ઠીક રીતે કેરી કરતી હતી. માથા પર વાળને થોડા
ખેંચીને ઉપર બાંધેલા બન પરથી લાગતું હતું એમની લંબાઇ એના ખભ્ભાથી કદાચ થોડીક વધારે
હશે. બન થોડો ઉંચો હતો એટલે બાકીના ટૂંકા વાળ બંને કાનથી આમ તેમ વિખરાઇને એની ઘઉં
વર્ણી, ચમકતી સ્કીન પર જાણે પાણીવાળા માટીનાં ખેતરમાં આમથી તેમ લહેરાતાં ચોખાનાં
પાક જેવું થોડું ઘણું પીક્ચર ઉભું કરતાં હતાં.
એ ટીકીટ કન્ફર્મેશનની લાઇનથી લઇને, પેસેન્જર બોર્ડીંગની લાઇન સુધી
મારી આગળ જ હતી, એનાં એ લેસવાળા હાઇ ફ્લેટ હીલ્સને બાદ કરતાં પણ એ મને મારાથી થોડી
ઉંચી લાગી, પાક્કું નહીં કદાચ એની પતલા બોડી સ્ટ્રક્ચરને લીધે પણ મને એવું લાગ્યું
હોય, નોટ સ્યોર!
એવું ન’તું કે એનાં સિવાય એરપોર્ટ પર કે ફ્લાઇટમાં કોઇ ઇન્ટ્રેસ્ટીંગ કેરેક્ટર
ન’તું પણ એનામાં કે એની પાસે કંઇક એવું હતું જે કોઇક ને અને કોઇક ને કોઇને કોઇ રીતે
એની તરફ કે એની સાથે સાંકળી જતું હતું!”
હવે જ્યારે મારી બાજુમાં બેઠેલાં અને ફ્લાઇટ ઓન એર થઇ ત્યારથી લોબીની સામે
અમારી રૉથી આગળની રૉમાં બેઠેલી 20-22 વર્ષની છોકરીની સામે જોઇને સતત જાણે હું કોઇ
એનો લંગોટીયો યાર હોઉં એમ બોલ્યે જતાં મારી બાજુનાં પેસેંજરની આવી બધી વાતો સાંભળીને
મેં પણ એ કેરેક્ટર તરફ એક ઉડતી નજર ફેંકી જ દીધી..ઇટ્સ ઓકે! કાનમાં હેડ ફોન હતાં,
શોલ્ડર પરનાં નેક રોલ પર એનું નેક મ્યુઝીકની બીટ પર રોલ થઇ રહ્યું હતું, નથીંગ
સ્પેશીયલ, નથીંગ વીઅર્ડ! મારી બાજુ વાળો છેલ્લી દસ મીનીટથી ભજ્યે જતો હતો એવું
કશું ન લાગ્યું મને!
બાજુ વાળા મારા પરાણે બની બેઠેલાં દોસ્તની બક-બક વધારે ન સાંભળવી પડે
એ માટે લેધીલા પોણી કલાકનાં નેપ પછી મને જરા વોશ રૂમની મુલાકાતની જરૂર લાગી. વોશ
રૂમ કદાચ ઓક્યુપાઇડ હશે એટલે ‘એ’ છોકરી પણ ત્યાં ઉભી હતી એનાં ક્રોસ બેગમાં કંઇક
ફાંફા મારી રહી હતી.
મારું ધ્યાન પડ્યું તો એણે પોતાનાં ડાબા હાથમાં એટલે કે જે હાથમાં
પાછળની બાજુએ રેંડમ નંબર છુંદાવેલા હતાં એમાં ત્રણ ઓરેંગ બેંગમ પહેરેલી હતી,
સ્ટ્રેંજ! એનાં બેગમાં અંદર બહાર થતાં હાથની સાથે એ જરા જરા ખન-ખની રહી હતી.
જેવું વોશ રૂમમાંથી કોઇ નીકળ્યું કે તરત જ ઝડપથી ત્યાં જતી રહી. મને
લાગ્યું કે ઉતાવળમાં એનાં હેન્ડ બેગમાંથી કંઇક નીચે પડ્યું, નીચું જોયું તો એનાં
પાસપોર્ટ અધખૂલ્લો ત્યાં પડેલો હતો.
હજી તો એ નીચેથી લઇને સીધો કરું ત્યાં તો એ બહાર આવી અને મારા તરફ હાથ
લાંબો કરીને કે છે, ‘ઇટ્સ લક્ષ્મી, એંડ ઇટ્સ માઇન.’ અવાજમાં જરાક અકળ હતી.
મેં કહ્યું, ‘આઇ એમ નોટ ઇવન ટ્રાયડ ટુ રીડ યોર નેમ, આઇ નો ઇટ્સ યોર્સ’
મારી બાજુમાંથી પાસ થઇને મારા હાથમાંથી પાસપોર્ટ લેતાં-લેતાં કોઇ તમીલ
મુવીનાં હીરોની જેમ મારી નજીક આવીને, આંખ જરાક મીચકારીને ડાયલોગ મારે છે પાછી, અને
એ પણ ગુજરાતીમાં, ‘મારા વિના પણ કોઇને ન ચાલે અને મને કોઇ સાચવી પણ ન જાણે!’
વોશ રૂમમાં મોં પર પાણીની છાલક છાંટતાં-છાંટતાં હું બધા સ્કેટૅર પીસીસ
ભેગા કરવા લાગ્યો..
ગાંધીજીનું મોં, રેંડમ નંબર સીરીઝ, એનું નામ, એ એટીટ્યુડ, બધાને
પોતાની તરફ ખેંચવાની ખૂબી, અને છેલ્લે ડાયલોગ!
મને થયું, આ વળી કઇ ‘લક્ષ્મી’!