દિલફેક

Aerial View(યસ, વન મોર ઇંગ્લીશ ટાઇટલ!)

ભીંડો સુધારવો એ, ચડ્ડી ચડાવવી એ,
નેઇલ પોલિશ કરવી એ, ખોટું બોલવું એ,
બોમ્બ ફોડવા એ, ઝાડ વાવવા એ,
ગાવું એ, ન નાહવું એ,
ગુસ્સેથી રાડો પાડવી એ, પાટી પર લખવાની
પેન ખાવી એ,
આત્મહત્યા કરવી એ, ખુરશી નીચે ગૂંગા
ચોંટાડવા એ,
તેલવાળું ખાવું એ, ટાલ હોવી એ,
અંધને રસ્તો ક્રોસ કરાવવો એ, નો
પાર્કીંગમાં ક્યારેય વાહન ન પાર્ક કરવું એ,
બેફામ ગાળો બોલવી એ, નાડું લટકતું રાખવું
એ,
થમ્સઅપમાં સીંગ નાખીને ખાવી એ, કી સ્ટેન્ડમાં
ચાવી લટકાવવી એ,
મોબાઇલ ચાર્જ રાખવો એ, ગંધાતા મોજા ઉંધા
કરીને ફરી પહેરી લેવા એ,
વારંવાર પેન્સીલની અણી ટોળી નાખવી એ,
સંસ્કૃત શ્લોકો આવડવાં એ,
લાઇટો ચાલુ રાખીને જતું રહેવું એ, કોઇને
દાદ ન દેવી એ,
નખ ખાવા એ, નાક ન વિંધાવવું એ,
નસબંધી કરાવવી એ, ફેસબુકને જ ચીપકેલા
રહેવું એ,
અડદીયા બહું જ ભાવવા એ, પેટ્રોલની સુગંધ ગમવી
એ…
જરાક ઉપરથી જો; મા કસમ, આમાંથી કંઇ જ
મહત્વનું નથી. જરાય કરતાં જરાયે નહીં. મહત્વનું છે, જે કરીએ એ અંદરથી, દિલથી કરીએ.
જિંદગી ગધેડી છે, ઉંધુ ઘાલીને બસ ચાલ્યે જ જાય છે, ઉંચું નથી જોતી.
જીવવું મહત્વનું છે, જીવતા રહેવું મહત્વનું
છે, પ્રેમ કરવું મહત્વનું છે, પ્રેમ કરતા રહેવું મહત્વનું છે, વહેંચવું મહત્વનું
છે, વહેંચતાં રહેવું મહત્વનું છે, હસવું મહત્વનું છે, હસતાં રહેવું મહત્વનું છે,
વહેવું મહત્વનું છે, વહેતાં રહેવું મહત્વનું છે….