વિચારતું કરશે

આને શું સમજવું.

મારું નામ વંદન છે. હું 23 વર્ષનો છું હમણા જ મારા ડોક્ટરીનાં પાંચમાં
વર્ષનું રીઝલ્ટ આવ્યું છે હર વખતની જેમ આ વખતે પણ યુનિવર્સીટીમાં ટોપ કર્યું છે.
બે-ચાર પાર્ટીઓ પણ આપી અને બે-ચાર જીતેલી શરતોની વસૂલાત પણ કરી, અત્યારે હવે
ઇન્ટર્નશીપ ચાલુ છે. સાહેબોનો માનીતો છું એટલે ઘણું-ઘણું એવું શીખવા મળે છે, જોવા
મળે છે કે જે ચોપડીમાં દૂર સુધી ક્યાંય વાંચ્યું ન હતું, મજા આવે છે.

એક્ઝામ પત્યા પછી, કોઇ દિવસ ન સાંભળેલા ‘નવા’ મ્યુઝીકને સાંભળવાનો
ખૂદને આપેલો ટાસ્ક હજુ ઓનગોઇંગ જ છે. મેં ઘણા જાણીતા કંમ્પોઝરનાં કંમ્પોઝીશન
સાંભળ્યા, અમુક કંન્ટ્રી સોંગ સાંભળ્યા, બે-ચાર તો ઓપરા પણ સાંભળી લીધા, ઓનલાઇન
મ્યુઝીયમની સાઇટો પરથી ઘણા આર્ટીસ્ટનાં પેઇન્ટીંગ ઝૂમ કરી-કરીને જોયા, ગ્રેફીટી
કરી, ઢગલા મોઢે પીક્ચર જોયા, આ વખતે તો ભાષાની પણ એસી-તેસી કરીને ગ્રીક, ફ્રેન્ચ,
ઇટાલીયન, જર્મન, ચાઇનીઝ ભાષાના પીક્ચર પણ જોયા, મજા આવી.

હજી પણ ઓ.પી.ડીમાં પેશન્ટ ન હોય ત્યારે નવા-નવા સોંગ્ઝતો ચાલુ જ છે પણ
રૂમ પર આવીને બુક પણ વાંચવી ચાલુ કરી છે, પણ બુકની પસંદગીમાં થોડું હટકે વિચાર્યું
છે; કોઇજ જાતનાં ઓનલાઇન રીસર્ચ વિના, માત્ર પૂઠ્ઠાને જોઇને, ફૂટપાથ પર પડેલા
ઢગલામાંથી કોઇ પણ એક બુક લઇને વાંચવાનું ચાલું કર્યુ છે. અરે! એ જે કંઇ પણ કાગળ પર
છપાયું છે એ લખતી વખતે લેખકનાં મનમાં કંઇક તો ચાલતું હશે ને!! પછી ભલે એ ક્રીટીકલી
અક્લેઇન્મ્ડ હોઇ કે ન હોય અથવા બૂકર પ્રાઇઝ વિનર હોય કે ન હોય! વાંચવાની મજા આવે છે.

જ્યાં છેલ્લા બે વર્ષથી જમવા જાઉં છું ત્યાંનું જમવાનું ઠીક છે પણ બાજુની એન્જીનીયરીંગ કોલેજમાં ભણતી એ છોકરી એ જ સમયે ત્યાં જમવા પહોંચી જાય છે જ્યારે હું
ત્યાં જઉં છું. બે વર્ષથી એની એ સ્માઇલનો ટેસ્ટ લેવા હું પણ દરરોજ સેમ ટાઇમે ત્યાં
એ બડેલી દાળ અને અધકચરા બફાયેલા ભાત જમવા પહોંચી જાઉં છું પણ મજા આવે છે.

આમ પણ મારું તેજ ચાલે છે અને આમ પણ મને માણસનાં શરીરનું સૌથી વધારે
ગમતું અંગ મગજ છે એટલે નક્કી કર્યું છે કે ન્યુરોલોજીમાં માસ્ટર ડીગ્રી કરવી, લાગે
છે મજા આવશે.

સાલ્લું, બધ્ધું જ મજાનું છે, બધેથી મજા આવે છે. ના, ના! હું આ મજાથી
બિલકુલ નથી કંટાળ્યો, તને એવું લાગ્યું હોય તો એ વાતને કાઢી નાખજે મગજમાંથી. ઉલ્ટાનો
આ મજાનો ફેન બની ગયો છું, એનો હેવાયો થઇ ગયો છું, એની સાથે લગાવ થઇ ગયો છે; અરે
બાપ રે..! મજા જ મજા આવે છે…

23 વર્ષનાં એ છોકરાનાં હોસ્ટેલનાં રૂમમાં, મરકતાં હોઠ સાથેનાં ઠંડા
પડી ગયેલા પંખા સાથે લટકતા એનાં શરીરનાં ઉપવસ્ત્રનાં ખિસ્સામાંથી, અડધી બહાર-અડધી
અંદર રહે એવી રીતે વ્યવસ્થીત ઘડી કરીને મૂકેલી કાગળની હસ્તલિખીત ચબરકીમાં એમને આટલું લખેલું
મળેલું…

મને નથી ખબર, આને શું સમજવું.