ચોખ્ખું ચટ્ટ

..અંશમાંથી

આવા રસ્તા વચ્ચે સ્ટેજ ખડકીને ટ્રાફીક જામ
કરવાથી, આવા કાનનાં પડદા ફાળી નાખતાં રાગડા તાણીને, આવા આભલા ટીકાના વજનદાર
ઘેરવાળા ઘાઘરા પહેરીને, આવા ડાંડીયાના એકબીજા સાથે તડકા લઇને-તાળીઓનાં આવા ટપાકા
લઇને કઇ માતાજી રાજી થતી હશે કોણ જાણે?

અરે, આધ્યશક્તિની આરાધનાનાં આ સૌથી મોટા
નવ દિવસો કહેવાય, દૈવી શક્તિનો આસૂરી શક્તિ પરનાં વિજયનો એક આદર્શ છે, નવરાત્રા
એટલે તો માતાજીની મન ભરીને યાદ કરીને એને પૂજી લેવાના દિવસો, ગરબે ઘૂમીને એની ફરતી
ફરાય એટલી પ્રદક્ષીણા ફરી લેવાના અવસરો..

મંગળ ઉપર નાસા પહોંચે-ઇસરો પહોંચે, સેલ્ફ
ગાઇડેડ એંટી મીસાઇલ બને, યુનોમાં ભારતને સ્થાન મળે, 40 મેગા પીક્સેલનાં કેમેરાવાળા
મોબાઇલ બને, વોટ્સ એપ ઓગણીસ બીલીયન ડોલરમાં વેંચાય…કે હજી આવું બીજું ઘણું…કંઇ
જ ફરક નથી પડતો, ગરબા વિશે, માતાજી-ભગવાન વિશે તું શું વિચારે છે, ગ્લોબલ
વોર્મિંગથી ઓઝોનમાં ગાબડા પડે છે, ન્યુઝીલેન્ડનું ડોડો પક્ષી લૂપ્ત થઇ ગયું, રાસાયણીક
ખાતરનાં માટીમાં થર જામતાં જાય છે..આ બધાથી કંઇ જ ફરક નથી પડતો..

‘લાં..બુ વિચારો’, ‘દૂ..રનું વિચારો’..ઘણા
ધૂરંધરોને આવું કહેતાં સાંભળ્યા હશે પણ જો ખરેખર દૂરનું વિચારીશ તો કંઇ જ કરવાની
ઇચ્છા નહીં થાય. કેમ? કેમ કે, પછીનાં એ દૂ..રમાં તું છે જ નહીં કે જેવી રીતે
પહેલાનાં એ દૂ..રમાં તું હતો જ નહીં.!

સમય પાસે ઘણો સમય છે, એણે ઘણાંને
ઘણું-ઘણું કરવાનું કરતા જોયા છે અને ઘણાંને ઘણું-ઘણું ન કરવાનું પણ કરતાં જોયા છે,
અરે એણે તો એ બધાને પોતાનાં કર્યાનું ભોગવતાં પણ જોયાં છે, ઉદરમાંથી નીકળતાં અને
ભૂગર્ભમાં સમાતાં પણ જોયાં છે, ભળતાં અને ભરમાવતાં જોયાં છે, સૂતાં અને સરમાવતાં
જોયાં છે. એણે બધે અને બધું કરતા બધાને જોયાં છે.

તો યાદ રાખજે, તારા કંઇ ન કરવાથી કંઇ ફરક
નહીં પડે; કે પછી તારા કંઇક કરવાથી પણ એટલો જ..એટલે કે કંઇ જ ફરક નહીં પડે. તો
જ્યારે પણ તું કંઇ કરે તો એ ફક્ત તારી આત્માની તૃપ્તિ માટે કરે છે એ વાત ગાંઠે
બાંધી લે જે, તો કંઇક કરીને કે પછી કોઇ વિચારને પોસ્ટમાં-બ્લોગમાં વહેતો કરીને,
ક્યાંય દાન કરીને, એકાદ એન.જી.ઓ.ની મુલાકાત લઇને કે પછી આવા નોરતાં વિશેનાં અભિપ્રાયો
આપીને તું કોઇજ ફરક નથી પાડી દેવાનો..

તો જ્યાં સુધી આ વસુંધરા પરનો વજન ઓછો ન
કરે ત્યાં સુધી ‘મેં’, ‘હું’, ‘મારું’ જેવા શબ્દ પ્રયોગ કરતી વખતે આ હમણા જે મેં
તને કહ્યું એ જરાક યાદ કરી લેજે.

—લાગે છે આ વખતે માતાજી ‘કોઇક’ની સાથે
ઝઘડો કરીને આવ્યા લાગે છે; ગરબામાં દિવો મૂકતી વખતે માતાજી સાથે થયેલી વાતોનાં
અંશમાંથી-જય માતાજી..