Uncategorized

કંઇ પણ! ANYTHING!

મારું માને તો બીજે(કાઠીયાવાડી ફોર ‘ડરજે’) કેમ કે, ‘લખાણ’ એ એવી
વસ્તું છે કે જે પ્રત્યક્ષ છે. ના, એવું જરાય જરૂરી નથી કે એ ક્યાંય અમલ મૂકાયું જ
હોય કે એનાં પર ટેસ્ટેડ ઓકેનું સ્ટીકર લાગ્યું જ હોય; એ ત્યારથી જ સંપૂર્ણપણે
પ્રત્યક્ષ છે જ્યારથી શબ્દો કાગળ પર ઉતર્યા(આજકાલ, ‘છપાયા’!), so when its done, પૂરું!
એક લોતા અંડકોષનું, દોડતાં આવતાં, કરોડોમાંનાં કોઇ એક ‘લક્કી’ શુક્રકોષ દ્વારા ફલન
થઇ ગયું, ઓવર, કર્ટન ક્લોઝ્ડ!
લખાણ શું છે ખબર છે; એક વિચાર છે, છેડે શું હોય છે એની ખબર ન હોય એવાં
શેનાકની જગતી વાટ છે, બારસાંખ સાથે પગનાં અથડાવાથી અડધો નીકળી ગયેલો, ખેંચી પણ ન
શકાય અને એમને એમ રાખી પણ ન શકાય એવો અંગૂઠાનો નખ છે, ન એનાં વિશે તમને જેનાં પર
ક્રશ છે એને કહી કે ન એની મશ્કરી થતી જોઇ શકાય એવું તમારી ક્લાસમેટનું ખોંસતાં રહી
ગયેલું, શોર્ટ કૂર્તિને લીધે બહાર દેખાતું સલવારનું નાળું છે.
વૈજ્ઞાનિકો ગધનાઓ નીકળ્યા છે હોધવા, ભીખલો પૂછે શું? તો કે’, ‘વૉર્મહોલ’,
તો વળી ભીખલાને બીજો સવાલ થયો, આ ‘વૉર્મહોલ’ વળી કયા જેઠાની દયા? તો કે’, ‘આ બધા
ડાઘીયા માથાવાળા વૈજ્ઞાનિકો માને છે કે અવકાશમાં કંઇક એવી ઘાલમેલ છે કે જ્યાં
સમયની હિસાબી ગડબડની લીધે કોઇ વસ્તું કે વ્યક્તિ ત્યાંથી, બીજી કોઇ જગ્યાએ પલક જપકની
વારમાં પહોંચી જાય.’
આ સાંભળતાં ભીખલો તો તપી જ ગયો અને થઇ ગયો ચાલું, ‘એ ડોબાઓને કે’ કે, ‘કમઅક્કલો
આવી સીધી સાદી વસ્તુ ગોતવા ન્યાં  અવકાશ
લગી ક્યાં પૂગી ગ્યા?! આંયા આવી જાવને! મારા આ કપાટ(ઘણાંય એને કબાટ ય કે’તાં હોય
છે.)નાં ઉપલા માળે કેટલાય વોરમહોલો પઇડા છે’
‘ઇ કીડાઓને તો કે’વાની વાર હતી હોં, પૂગી ગ્યા ઇ તો મારા દિકરાવ’
‘ક્યાં? ક્યાં? વૉર્મહોલ ક્યાં?’, એક ભૂરીયો તો રઘવાયો થઇને સીધો મારી
બાને વળગ્યો બોલો.
‘એ કાન્યા આને તેં આંય બોલાઇવા છે?’
‘નારે બા, ઇ તો એની મેળે ધોઇદા આઇવા છે’
‘જટ રવાના કર તારા બાપુજી આવે ઇ પેલા આ બધાને હાલ’
‘એઇ…આંયા આઇ, આંયા આઇ’ ડાફોળીયા મારતાં બે-ચારને મેં મારી કોર બરકી
લીધાં.
ભીખલો લઇ ગયો ટોળાને એક ગારનાં તળીયાવાળી, વિના પ્લાસ્ટરની દિવાલોવાળી
એક ઓરડીમાં, લાકડાને એક ક્યારેય બંધ જ ન થઇ શકતાં ખખડધજ કબાટ તરફ ઇશારો કરીને કહે,
‘ઇ પઇડા જો ન્યાં ઉપડા માળે.’
ધક્કામુક્કી કરીને પેલું ટોળું તો તરત જ પહોંચી ત્યાં ગયું. ત્યાં
જઇને જોયું તો વ્યવસ્થિત રીતે અલગ-અલગ થપ્પી કરીને ગોઠવેલા, જરા પીળા પડી ગયેલા
પાનાવાળા, ‘ચંદન’, ‘વનમાળી’, ‘ચંપક’, ‘ચાંદામામા’ આવા બધાં મેગેઝીન પડેલા જોયાં.
પેલા વૈજ્ઞાનિકો પછીની જ ફ્લાઇટ પકડીને તરત પોતપોતાનાં ગામે રવાના થઇ ગયા.
હવે જો ભીખલા જેવો ભીખલોય સમજતો હોય કે લખાણ જ એવી વસ્તું છે જે તમને પલક
જપકની વારમાં બીજી દુનીયામાં પહોંચાડે શકે છે તો તારા-મારા જેવાઓએ કંઇ નહીં તો
એટલું તો સમજી જ લેવું જોઇએ કે  લખાણ કંઇ
પણ કરી શકે.