બસ એમ જ

બાઘ-બાઘ

ઘણી જૂની વાત છે, એક નાનું અમસ્તું ગામ હતું, ખાસ વસ્તી નહીં, સાતસો-આઠસો કુટુંબ, પાંચેક હજાર જેવાં લોકો, કદાચ સો-બસો આ બાજું, સો-બસો પેલી બાજું હોય શકે.

નાના ટાબરીયાઓને વોટર કલર આપીને, ‘છોકરાઓ એક નાનકડું ગામ દોરો જોઇએ!’ એવું કહો અને જેવું ચિત્ર ઉપસી આવે તદ્દન એવું, આબેહુબ. એક બાજું ચાર-પાંચ ટેકરીઓ, એની વચ્ચે ક્યાંકથી એક થોડું મોટું નહીં એવું નદી જેવું ઉછળતું-કૂદતું એક ઝરણું જાય, ત્યાં કિનારે એક મંદિર અને મંદિરમાં લટકતો એ મોટો ઘંટ!

અમુક લોકો ખેતી કરે, અમુકનાં આંગણામાં ગુંદેલી માટી અને ફરતાં ચાકડા, અમુકનાં ઘરે ઢોર-ઢાખર, અમુક વળી ચરખા કાંતે, અમુકને મન ચોરે ગપ્પાં હાંકવામાં જ બધું આવી જાય!

ટૂંકમાં, બધું સ્ટીરીયો ટાઇપ, જેવું હોવું જોઇએ એવું, બીબાઢાળ, ઇન સાઇડ ધ બોક્સ.

એમાંનો જ એક ઘેંટા-બકરીઓનો પાલક. બકરીઓનું દૂધ અને ઘેંટાઓનાં ઉંનનાં બદલામાં પોતાને જોઇતી વસ્તુંઓની અદલા-બદલી કરી લેતો રંગીલા મીજાજનો જુવાન. કેમકે નાણાના ચલણનાં અસ્તિત્વમાં આવ્યાનાં ઘણા પહેલાની આ વાત.

એ..ને.. એક ખભ્ભા પર એકાદી બકરી-ઘેટાંનાં બચ્ચું અને બીજા ખભ્ભે પોતાની ડાંગ લઇને, કંઇકનું કંઇક લલકારતો-ગણગણાવતો, પોતાનાં ગાડરનાં ધણને પૂંચકારતો-હંકારતો એમને ચરાવતો જાય અને એમની સાથે કંઇકની કંઇક અજીબ લહેકામાં વાતો કરતો સવારની સાંજ કરતો જાય.

એનાં ટોળામાં એક નવું, નાનકડું, આંખો માંડ-માંડ દેખાય એવું, પોચું-પોચું રૂછ્છા-રૂછ્છાવાળું, મોટા-મોટા કાનવાળું એક મજાનું ઘેટું જનમ્યું. રોજની જેમ એ દિવસે જ્યારે એ મોજીલો ગોવાળ એનાં ધણને ચરાવવાં ટેકરી પાસે લઇ ગયો અને જેવું એ ટેણીયાને પોતાનાં ખભ્ભા પરથી નીચે મૂક્યું એવું એ બધા ઘેટાં જ્યાં જતાં હતાં ત્યાં જવાની બદલે ઉંચા ઢાળ પર ચડવા લાગ્યું.

પેલાં તો એનાં પગ એમ જ લથડતાં હતાં, એમાં પણ ટેકરીનાં ઢાળને લીધે એની ચાલમાં પેલાં મદારીનાં ડમરુંનાં તાલ પર નાચતી, ચૂન્ની-ચણીયો પહેરેલી વાંદરીની લચક આવી ગઇ હતી. એ જોઇને ગોવાળને તો ગમ્મત જ પડી એ ગઇ. એ તો જોર-જોરથી હસવા લાગ્યો.

ત્યાં જ પેલું નાનું-નાનું ઘેટું ઢાળ પરથી લથડીને પડી ગયું. ગોવાળને એમકે હમણાં ઉંધું ફરીને બીજા ઘેટાં-બકરાનાં ટોળા વચ્ચે આવી જશે, પણ એ તો ‘બાઘ-બાઘ’ એવાં કંઇક વિચિત્ર-રમતીયાળ અવાજો કરીને ફરીથી એ ઢાળ પર ચડવા લાગ્યું.

દિવસો વીતવાં લાગ્યાં, ગોવાળ માટે હવે એ કંઇ ખાસ મજાની વાત રહી નો’તી કેમ કે પેલું ઘેટું રોજે-રોજ એ જ કરે. આખું ટોળું અહીં મેદાનમાં આરામથી ચરે અને પેલું, ત્યાં ઢાળ પર લથડે-ગબડે, અને પેલાં કંઇક વિચિત્ર ‘બાઘ-બાઘ’નાં એનાં રમતીયાળ અવાજ સાથે વળી ચડે, વળી પડે. એમને એમ ગોવાળે એનું નામ ‘બાઘ-બાઘ’ જ પાડે દીધેલું.

પણ આજે એ સમય છે કે જ્યારે એ ટોળાનાં બધા ઘેટાં-બકરાં ટેકરીની તળેટીમાં, એકબીજાને અથડાઇ-ઘસડાઇને, ધક્કા-મૂક્કીમાં જે મળે તે ચરતાં હોય છે ત્યારે એ બાઘ-બાઘ ટેકરીને ટોચે નિરાંતે હવાની લહેરખીઓમાં આમથી તેમ લહેરાતું મજાનું લીલું ઘાસ એકલું આરોગતું હોય છે!

ઘણા એમ પણ માને છે કે, આ જ ‘બાઘ-બાઘ’નું અપભ્રંસ થતાં-થતાં આજનો બાઘ એટલે કે વાઘ શબ્દ આવ્યો છે.

“Rise and rise again until lambs become lions.” -Robin Hood

Inspired by and dedicated to,

Mr. Arpit Modi

MD, iNextrix Technologies Pvt. Ltd.