દિલફેક

બાકી

એકાએક અજાણ્યા રસ્તે બે ફાટા
પડે તો ગમે તે એક પસંદ કરવામાં વધારે મજા છે
બાકી એક રસ્તોતો હતો જ અને રહેવાનો જ છે.
દબાવેલા લીવર છતાં 3..2..1 સિગ્નલની લાલ લાઇટ થઇ જાય અને પરાણે જોરથી
બ્રેક દબાવવામાં મજા છે
બાકી એક પછી એક ચોક તો આવે જ છે.
એકા એક ઝાપટાંમાં, વાહન ધીમું પાડીએ પહેલાં, ભીંજાય જવામાં મજા છે
બાકી રેઇન કોટ, છત્રીને તો બહાર આવવાની જ રાહ છે.
અલક-મલકની વાતો વચ્ચે જ અચાનક બેટરી લૉને લીધે ફોન કપાય જવાની મજા છે
બાકી વાતોને તો પૂરી થવાની બાધા છે.
મજાની લીંક બેઠી હોય, પાના પર પાના લખાતા જતા હોય અને બટ..ક; પેન્સીલની
અણી બટકવાની મજા છે.
બાકી ક્યારની અંદર મૂંજાય ગયેલી ગાળનું મોત નક્કી છે.
ઉપરથી નીચે અને નીચેથી ઉપર નાચતી-નચાવતી વાયોલીનની સૂરાવલીમાં એકાદી
સ્ટ્રીંગ તૂટવાનાં કરકસ કચડાટની મજા છે.
બાકી સંગીતને પણ નજર લાગવાનાં દાખલા છે.
લાંબો સેલ્લારો લઇને બિલકુલ ઉંચે હિંચકો પહોંચે ત્યારે ત્યાંથી હિંચકા
પરથી લસરી નીચે કુદી જવાની મજા છે
બાકી હિંચકાનું કિચૂડ-કિચૂડ ક્યારે એમ નહીં કહે કે, ‘મને થાક લાગે છે.’
સર્વ કરતાં ત્રણ કપમાંથી છેલ્લામાં ચાની એકાદ ઘૂંટ ઓછી હોય અને ઘરનાં
ત્રણે એ કપ લેવા ફટાક દઇને હાથ લંબાવે એ જોવાની મજા છે
બાકી દિવસમાં બાર ચા પીવાતી જોઇ છે.
કોઇ પર મરવામાં મજા છે
બાકી જીવાતું તો હોય જ છે.