ભેદી

બે દોરા વાર, વધું નહીં..

એવું નથી કે તને કે મને નથી ખબર હોતી કે
પછીના બે-ત્રણ દિવસ માટે આપણા ચાલ-ચલન ફરી જશે? આપણે જાણતાં જ હોઇએ છીએ કે ગરવા
ગીરનારની એ ઉંઉંઉંચી ટૂંક પરનો ઘંટો વગાળવા જતાં આપણી નાની અમસ્તી ટેટી પાકી જશે,
ઘરે બે-ત્રણ પેઇન કીલરની પણ વ્યવસ્થા કરીને જ આપણે નીકળતાં હોઇએ છીએ..
પણ એ બધું જે હોય તે, આપણે ત્યાં જઇએ છીએ.
એ પછી ગમે તે ‘ટૂંક’ હોય, મારા માટે પરીક્ષા પાસ કરવી એ ‘ટૂંક’  હોય કે પછી તારા માટે પેલીને પ્રપોઝ કરવું એ
‘ટૂંક’ હોય, મંગળામાસી માટે પાણી ભરવા સવારે સાડા પાંચે ઉંઠવું એ ‘ટૂંક’ હોય,
ટપુડા માટે મમ્મી પાસે ગોઠણનું છોલાયાનું છૂપાવવું એ ‘ટૂંક’ હોય, મૂળજીઅદા માટે
આટલા વર્ષો સૂધી અંગૂઠા માર્યા પછી આજે સાંજ શિક્ષણનાં ચાર મહિનાંનાં અભ્યાસ પછી
પહેલી વખત પોતાની સહી, પોતાના હાથે કરવાનું એ ‘ટૂંક’ હોય…ગમે તેનાં પોત-પોતાની આવી
ઉંચી-ઉંચી ટૂંકો ભલી ગમે તેટલી ઉંઉંઉંચી-ઉંઉંઉંચી હોય પણ એમાંથી ઘણા બધા ત્યાં
પહોંચીને પોતાનાં વિજયનો ઘંટ વગાડતાં હોય છે; અને ટૂંક પરના એ ઘંટનું વાગવું, that
matters.
બેસી રહેવામાં કંઇ વાંધો નથી, પણ ક્યાંક
પહોંચીને ત્યાં જઇને બેસવાની કંઇક અલગ મજા છે.
તો વળી કોઇ કહેશે કે, ‘અરે ભૈ! બેસવું જ તો
છે, ત્યાં જઇને પણ બેસવું અને અહિંયા પણ બેસવું તો પછી આ અહિંયા બેઠા શું ખોટા
છીએ?’ તો મારી પાસે આનો કંઇ જવાબ નથી પણ તારે આનો જવાબ જોઇતો હોય તો તું બસ એકાદ
વખત આવી કોઇ પોતાની ‘ટૂંક’ પર ચડી આવ અને ત્યાંનો ઘંટ વગાડી આવ પછી મને કહે..
દોસ્ત પહેલા એકાદ વખત પણ મેં આ શેર કર્યું
છે કે, શાંતિ તો છે જે..કંઇ ન કરીએ એટલે શાંતિ જ છે પણ બેફામ અંશાતિઓને પાર પણ એક
શાંતિ છે અને ફરીથી કહીં દઉં કે આ કોઇ બીજી શાંતિ નથી, અત્યારે કંઇ ન કરવાથી જે શાંતિ
અહીં પડી છે એ જ છે, the same one..
પણ સાથે એક બીજી વાત કહીં દઉં કે, બેફામ
અશાંતિને વટ્યા પછીની એ શાંતિને જ્યારે આપણે પામીશું, જ્યારે ઉંઉંઉંચી ટૂંક પરનો એ
ઘંટ વગાડીશું, જ્યારે અત્યારે બેઠા છીએ એનાં કરતાં થોડા વધારે આગળ જઇને બેસીશું એટલું
આપણે કંઇકને કંઇક તો પામ્યા જ હોઇશું કેમ કે રસ્તો સાલો પોતામાં ઘણું સાલવીને બેઠો
છે..
અશાંત રહીએ, ઉંઉંઉંચી ટૂંકોની ઉંચે જઇએ,
હજું જરાક અમસ્તાં આગળ ખસીએ, બસ વધું નહીં, છીએ એનાથી બે દોરા વાર જ…