Uncategorized

બોટમ લાઇન.

એક મજાની વાત કહું આજે તને! ‘જિંદગી ઘણી લાંબી છે.’
‘હમ-તુમ’, એક હિન્દી મુવી આવ્યું હતું, સૈફ અલી ખાન અને રાનીનું; એમાં
સૈફ ઘણી વખત બોલે છે કે ‘યે ઝીંદગી બહોત લંબી હૈ’ (મને ઝીંદગી કરતાં ‘જિંદગી’ બોલવું
જ વધારે ગમે છે, ખબર નહીં કેમ!) અને ખરેખર એવું જ છે. માર્ક કરજે તું, ક્યારેક
કંઇક દોડાદોડી કરવી પડી, ક્યારેક કંઇક ઉતાવળ ફાટી નીકળી; કામ પતી ગયું, બધું થાળે
પડી ગયું; હવે શું બચ્યું?- બિલકુલ શાંતિ!
ઉતાવળ હંમેશા બે-પાંચ-દસ ઘડીની જ હોય છે. શાંતિ સદાની હોય છે. અલગ
રીતે વાત કરીએ તો શાંતિ એ કોરો સફેદ કેનવાસ છે જ્યારે ઉતાવળ-ભાગાદોડ એ એના પર રંગો
છે. ઑફકોર્સ, રંગોથી જ ચીત્ર શોભે છે. પણ રંગોને ઝીલનાર, એને વધારે સુંદર લગાવડાવનાર,
એની વચ્ચેનો અવકાશ પૂરનાર એ કેનવાસ છે ત્યારે જ એ ચિત્ર બને છે અને બન્યા પછી શોભે
છે..
જિંદગીમાં પણ બસ કંઇક આવું જ છે; ઉતાવળા થઇને-ઘાંઘાવાંઘા થઇને-રઘવાયા
થઇને કામો કરીએ છીએ, શું કરવા?- તો કે, શાંતિને પામવા. છે ને બિલકુલ વિરોધાભાસ! એ
ફાસમ-ફાસ થતાં કામો વચ્ચે, પેલા ચિત્રનાં કલરનાં રંગો વચ્ચે-વચ્ચે જેમ કેનવાસનો
ધોળો રંગ દેખા દઇ જાય છે એમ જ આ કામો વચ્ચે આપણાં બાળકની કૂદાકૂદ, શ્રીમતિજીની
હલકી નોકજોક, દોસ્તોની બે-ચાર ગાળો આપણને શાંતિ આપી જાય છે. બાકી જો સતત કામો જ
કર્યા રાખીએ તો આ જિંદગી પતવી રહી! જેમ પેલા કેનવાસને ખૂણેખૂણાને રંગવામાં રહીએ તો
એ બની રહ્યું!
તો આ કામિનીની નુમાઇશ જેવું થયું, દિખાના ભી હૈ ઔર છુપાના ભી હૈ; સબ
દિખ ગયા તો ફીર ક્યા મઝા ઔર સબ ઢકા હુઆ તો ફિર દેખે ક્યાં?! ચિત્ર ત્યારે બનશે
જ્યારે એના પર રંગો ઝરશે, પણ જો રંગો જ રંગો હશે તો રંગોળી વધું અને ચિત્ર ઓછું
બની જશે. હવે આવી જિંદગી; તો જિંદગી ત્યારે બનશે જ્યારે એમાં દોડમ-દોડ પછી જરાક
શાંતિ અને શાંતિ પછી જરાક ભાગમ-ભાગ હશે!
આમાં હજી એક મજાની વાત હોય તો એ એ કે, પેલી સેક્સીની બિકીનીની સાઇઝ
હોય, કેનવાસ પર રંગવાળા અને રંગ વગરનાં ભાગનો રેશીયો હોય કે પછી જિંદગીમાં હડબડી
અને ટાઢકનું તોલમાપ હોય; આ કંઇ જ ફિક્સ નથી હોતું.
કોઇને મન ઢંકાયેલું એટલે ચાર આંગળનું માઇક્રો સ્કર્ટ, કોઇને મન ઉઘાડું
એટલે સાડી વચ્ચેની ચાર આંગળની ખૂલ્લી કમર, કોઇ મન રંગાયેલું એટલે લાલ-લીલા બે
છરકાં, કોઇને મન ખાલી એટલે પટોળાની ભાત, કોઇને મન શાંતિ એટલે શેર-બજારનાં ભાવોનું
બદલતું લીસ્ટ, કોઇને મન અફરા-તફરી એટલે બૂફે જમણવારની પાંચ માણસની લાઇન!
તો બોટમ લાઇન એ કે, બધું આવશે-જશે-ફરીથી આવશે-ફરીથી જશે…..જિંદગી ઘણી
લાંબી છે ને, એટલે..!