Uncategorized

‘કોઇક મળી હતી’

મને ખૂબ જ ગમતી મારી આ રચના, ‘કોઇક મળી હતી’
ક્યાંકથી એક આવી મારી પાસે, મને કહે-
ચાલ, પેલા અને પછી પેલાના પર ગુસ્સે થઇએ;
અમે થયા, પછી મને પૂછ્યું- ગમ્યું?
મેં કહ્યું, ‘કંઇ ખાસ નહિ.’
પાછી એ બોલી, ચાલ પેલાનું કરેલું બગાડીએ;
અમે બગાડ્યું, ફરી મને પૂછ્યું- ગમ્યું?
મેં કહ્યું, ‘કંઇ ખાસ નહિ.’
એને કંઇક સૂઝ્યું, મને કહે- ચાલ પેલીની
આગળ થઈ જઇએ;
અમે થયા, મને પૂછે છે- ગમ્યું?
મારો એ જ જવાબ, ‘કંઇ ખાસ નહિ.’
પછી કહે, ઠીક તો ચાલ ત્યાં બેઠેલાને થોડા
પજવીએ;
અમે પજવ્યા, ફરી મને પૂછે છે- ગમ્યું?
મને તો કંઇ મજા નહોતી પડી; મેં કહ્યું, ‘કંઇ
ખાસ નહિ.’
હવે એ જરાક હસી, મને કહે- ચાલ ધીમે ધીમે
ઘૂમીએ;
અમે ઘૂમ્યા, મને પૂછ્યું- ગમ્યું?
મેં કહ્યું, ‘કંઇક કંઇક.’
મને કહે- ચાલ પેલા લોકોને હસાવીએ;
અમે હસાવ્યા- મને પૂછે છે- ગમ્યું?
મારાથી તરત કહેવાય ગયું, ‘હા!’
હવે એના મોં પર ચમક આવી, મને કહે-
ચાલ ત્યાં કિનારે જઇને બેસીએ;
ત્યાં બેસી મને પૂછ્યું- ગમ્યું?
હું એની સામે જોઇને બસ જરાક અમસ્તું
મલક્યો.
મારો હાથ પકડી એ ખૂલ્લા સાંકડા રસ્તા પર
ચાલવા લાગી- મને કહે,
ચાલને થોડું જીવીએ!, ગમશે?
કંઇ જ બોલ્યા વિના હું એની સાથે ચાલ્યો
ગયો.
એ કોણ હતી એતો કોને ખબર પણ,
મેં એનું નામ શું પાડ્યું ખબર
છે??…..જિંદગી……