ધક્કો મારશે

ચાલ, ઉલેચી.

મગજ ગેબી, અટપટી વસ્તું છે. ક્યારેક ટ્રાય
કરજે, એક જ પળમાં અહીં હોઇશ તો બીજી જ પળમાં ભૂતકાળની ગર્તામાં ઘૂસી ગયો હોઇશ, તો
વળી ત્રીજી જ પળમાં ભવિષ્યની પાંખે ઉડતો હોઇશ. આ તો કાળ સાથેની સાતતાળીની વાત થઇ
છે પણ મગજ તો ત્યાં સુધીની આવડત ધરાવે છે કે એ આપણી ખૂદની પર્સનાલીટી સાથે પણ
થપ્પો રમી શકે છે. હા…કેમ ન સમજાયું?!

જો હું ચંચળ છું, તું કદાચ શાંત હોઇશ, તો
વળી પેલો કદાચ ચીકણો હશે, તો વળી ત્યાં ઉભી એ વળી શાણી હશે, તો વળી પેલા બસ
સ્ટેન્ડ પાસે ઉભા એ દાદા નિખાલસ હશે, ત્યાં પેલી બાઇ સાથે કંઇક વાતો કરતા બા
પંચાતીયા પણ હોઇ શકે, પેલો બેટમેનનો જોકર બદલાની વૃતિ વાળો હતો, તો વળી કર્ણ
દાનવીર હતો, કોઇક ઉદાર હોઇ શકે, કોઇ નાદાન હોઇ શકે, કોઇ નાલાયક હોઇ શકે, કોઇ બેકાર
હોઇ શકે; આ જે-તે ની પર્સનાલીટી છે. પણ હું તને કંઇક કહું તો તું માનીશ?

આપણી આ પર્સનાલીટી આપણે બનાવેલી છે, એ એની
મેળે નથી હોતી. આપણે આપણા મગજને એ રીતે ઢાળીને એને એમ વર્તવા માટે ટ્રીટ કરેલું
છે. હવે જો આ ટ્રીટમેન્ટ બદલાવવામાં આવે તો હું ચીકણો પણ બની શકું, બેટમેનનો જોકર
ઉદાર પણ બની શકે, ઓસામા પરોપકારી પણ બની શકે, કર્ણ ચોર પણ બની શકે…

મગજને અપાતી ટ્રીટમેન્ટને બદલવાની પણ
ક્યારેક ટ્રાય કરી જોવાય. એનાથી ખાલી નવો પ્રયોગ જ નહીં થાય પણ તારામાં નવા
દ્રષ્ટિકોણો પણ વિકસસે, તારા માટે વસ્તુંને જોવા માટે, પ્રોબલેમ્સને સોલ્વ કરવા માટે
નવા રસ્તો ખૂલશે, એના માટેનાં તારા અભિપ્રાયો બદલશે. કેમકે પેલા તું દુનિયાને ફક્ત
તારી નજરથી જ જોતો હતો, એ નજર કે જેને તે તારી રીતે જ તારા મગજને તારા મુજબ ટ્રીટ
કરીને તારી જરૂરીયાત મુજબ વિકસાવેલી, પણ હવે તે એને અલગ-અલગ ચોકઠામાં ફીટ કરીને એ
ચોકઠા મુજબ દુનિયાને એક-એક વખત જોઇ લીધી છે એટલે હવેની તારી નજર કંઇક અલગ હશે.

દિમાગને કોઇ સીમા નથી દોસ્ત, એ કોઇ ભાંભરા
પાણી ભરેલા તળાવ જેવું છે, જેનું તળીયું બહારથી નહીં પણ અંદર ઘૂસ્યા પછી પણ જડે
એવું નથી. એમાં પથ્થર નાખીશ તો ક્યાંક છપ.. થઇને ઉંચે સુધી પાણીનાં છાંટા ઉડીને
ત્યાં છીછરું પાણી હોવાનો આભાસ કરાવશે તો વળી ક્યાં બૂડૂક.. થઇને જરાક અમસ્તા વમળો
દૂર સુધી ફેલાવીને ઉંડે સુધી ક્યાંય તળીયું જ ન હોવાનો આભાસ કરાવશે.

એને અવગણવા કરતાં કે પછી એનાથી ડરવા કરતા
એને થોડું-થોડું ઉલેચતાં જઇએ તો કેવું હેં?