શેખચલ્લીનું એઠું

‘ચાલું’ દેડકો.

‘આમ એટલા બધા રૂપકડા નહીં ને એટલે કંઇ ખાસ વધારે ધ્યાન ન ખેંચી શકીએ
બાકી અમારી જાતી પણ ગાઇંજી જાય એવી નથી હો..!’
ગઇકાલે રાત્રે દોઢેક વાગ્યે કોડીંગ કરતાં-કરતાં કંટાળ્યો એટલે જરા
હાથ-પગ છૂટ્ટા કરવાં ફળીયામાં નીકળ્યો ત્યારે કૂંડાની પેલી બાજુથી આ લાઇન સંભળાય,
મને થયું આ અવાજ ક્યાંથી આવે છે. જરાક નમીને કૂંડાની પેલી તરફ દિવાલ બાજુ જોયું તો
સાંજે પાયેલા પાણીને લીધે કૂંડાની બાજુમાં બનેલા ના…ના અમસ્તા ખાબોચીયામાં
બેઠો-બેઠો એક દેડકો કોઇક સાથે વાતો કરતો દેખાયો, જોકે એણે મને નો’તો જોયો એટલે પછી
મને પણ ગમ્મત સૂજી, એને ન દેખાય એમ હું ત્યાંથી જરાક પાછળ ખસી ગયો. હવે મને થયું
કે આ દેડકો સાલ્લો વાતો કોની સાથે કરે છે?
એ જે બાજુ જોઇને વાતો કરતો હતો ત્યાં જરા ધીમેકથી જોયું તો ખબર પડી કે
સાંજે જુલા પર બેઠો’તો ત્યારે પેલું ઉડાઉડ કરતું હતું એ બ્લેક-યેલો પતંગીયું ત્યાં
પાણી પીને હળવા-હળવા ભીના થઇ ગયેલા કૂંડાનાં જરા અમસ્તા ઉખડી ગયેલા ગેરુંનાં
ભીંગડા પર પોતાનાં પગ જમાવીને બેઠું હતું. હવે તો મને પણ આ કનવર્ઝેશન ઇન્ટ્રેસ્ટીંગ
સાઉન્ડ કરવા લાગ્યું, હું બંધ બારણાનાં ઉંમરા પર છાનો-મૂનો બેસી ગયો.
અ ‘તને ખબર છે જેમ તું નાના અમસ્તા કોસેટોમાંથી નીકળેલી ઇયળમાંથી આવું
મસ્તમજાનું રૂપ મેળવવામાં જેવી તકલીફ ઉઠાવશ એની જેમજ અમે પણ જીવતાં રહેવા માટે ઘણી
મશક્કત કરીએ છીએ’
‘એમ?’, પતંગીયાને જાણે કે ગુફતેગું કંઇ વધારે રસ હોય એવું લાગતું ન
હતું.
પણ ખબર નહીં પેલો દેડકો કંઇક મુડમાં હતો, ‘હાસ્તો વળી, ઢગલાબંધ
ઇંડામાંથી માંડ એકાદ લેખે બચ્યાં પછી પણ અમારે શાંતી નથી હોતી.’ એક મોટું બધું
બગાસું ખાઇને પતંગીયાએ ‘મારી કંટાળાની ગાડીને તારી વાતો લીલી ઝંડી આપવાનું કામ કરે
છે’નો સંદેશો દેડકાને પહોંચાડવાનો પ્રયત્ન કર્યો પણ દેડકાનો મૂડ એટલે દેડકાનો મૂડ,
ઇનશોર્ટ આજે એ નક્કી કરીને આવેલો કે કોઇ મળી જાય એટલે આટલું બોલવું બસ..! એ સાંભળે
છે, નથી સાંભળતો, ડઝન્ટ મેટર..!
‘ન’તો અમે ઠંડી બરદાસ્ત કરી શકીએ કે ન’તો અમે ગરમી બરદાસ્ત કરી શકીએ.
અમારે જીવવા માટે પાણી જોઇએ. અત્યારે પણ હું બસ છૂપાવાની જગ્યા જ શોધું છું કેમકે
હવે શીયાળો શરૂ થવા લાગ્યો છે એટલે જલદી મારે શીતનીંદ્રામાં જતા રહેવું પડશે, તને
શીતનીંદ્રા અને ગ્રીષ્મનીંદાની તો ખબર છે ને?’
‘હા..હા!’, રીતસર ખબર જ પડતી હતી કે પતંગીયું દેડકાની ટાળતું જ હતું.
દેડકો તો ક્યાં કંઇ સાંભળતો જ હતો, ‘શીતનીંદ્રા અને ગ્રીષ્મનીંદ્રા
એટલે આગલા ચોમાસાની રાહમાં અમે જમીનની નીચે ઘૂસીને, શારીરીક ચક્રોમાં ફેરફાર કરીને
શીયાળા અને પછી ઉનાળા દરમીયાન લાંબી ઉંઘમાં જતાં રહીએ એ.’
પતંગીયું તો આંખો બંધ કરી ગયું હતું, તો દેડકાએ એને પણ પોઝીટીવ લઇ લીધું,
‘હા, બસ કંઇક આવી જ રીતે!’ પતંગીયાનાં નસકોરાં મને ત્યાં બારણા પાસે બેઠા-બેઠા સંભળાવા
લાગ્યાં પણ ત્યાં નીચે જ બેઠેલા દેડકાને કંઇ ફરક ન હતો, ‘…અને પછી જેવી દૂરથી માટીની
મહેક આવવી શરૂ થાય, એકાદ-બે ફોરા પડવાં ચાલું થાય કે…’ હું રૂમમાં આવી કાનમાં
દટ્ટા ભરાવી, લેપટોપને ખોળામાં લઇ કોડીંગ કરવા લાગ્યો. અડધા કલાક પછી મોઝાર્ટની Quarter No. 15(D major) K 421 વાયોલીન સીમ્ફની પતી અને સૂસૂ કરવા જવા મેં કાનમાંથી દટ્ટા કાઢ્યા
ત્યારે પણ એ દેડકો ચાલુ જ હતો બોલો…