ઉછાંછળું

ચરમનુંયે સાતમું આસમાન!

કંઇક લખવું અનિવાર્ય હતું કેમકે મારી પેનની સાહી મારી અંદરનાં ઉકળાટને
બહાર ઠલવતી હતી અને મારી અંદરનો ઉકળાટ કોઇ પણ ભોગે બહાર આવવાનું મન મનાવીને બેઠો હતો,
પછી એ મારી આંગળીઓ વાટે પેનની સાહી થકી હોય કે પછી મારી નસોને ધડાકાભેર ફાડીને
ત્યાંથી પોતાનો રસ્તો કરી લે એમ હોય.
આજે એ ઉકળાટ એનાં ચરમ પર હતો, આંગળીઓને ખબર નહોતી કે એ શું લખે છે. આમ
પણ આંગળીઓને ઉલ્લૂ બનાવી એ કંઇ અઘરું કામ ન હતું, ઉકળાટે એ પહેલાં પર કરી લીધેલું
જ છે. ઉકળાટે આ વખતે પૂરા પ્લાનીંગથી એટેક કરેલો. મગજ સુધી ઉકળાટે એનાં ઉપરીની સહી
વાળો રજા સેંગશન કરેલો ફેક લેટર પહોંચતો કરી દીધો હતો, એટલે મગજ રજા પર હતું.
હજું સુધી એ પાક્કે પાયે માહિતી મળી શકી નથી કે એણે હ્રદયને કેવી રીતે
મનાવ્યું કે પછી બ્લેકમેલ કર્યું પણ હ્રદયની મદદ વિના એણે જે કર્યું એ શક્ય ન
હતું.
એણે શરીરની એક-એક નશમાં પોતાના વાળું એટલે ઉકળાટ વાળું લોહી ભેળવી અને
એક-એક નશમાં એને ફરતું કરી દીધું. હવે અત્યારની પોઝીશન હોસ્ટેજ સીચુએશન જેવી છે, કાં
તો એ ભારોભારનો મારી અંદર દબાયેલો, પૂરાયેલો, મુંજાયેલો ઉકળાટ પૂરે પૂરો મારી બહાર
નીકળી જાય અને કાં તો મારી નશો ધડાકાભેર ફાટી પડે અને એ ઉકળાટનો ગરમાવો મારા
લોહીને પ્રવાહીમાંથી વાયુમાં ફેરવીને ત્યાંથી કોઇ જ ટ્રેસ છોડ્યા વિના હવામાં ફૂફ
છૂં થઇ જાય..
પણ સૌનાં આશ્ચર્ય વચ્ચે કોઇક નાનું પત્તું હુકમનું કામ કરી
ગયું…આંગળીઓનાં ટેરવાં… એ મારી આંગળીનાં ટેરવાં કે જેને સૌ કોઇએ અન્ડએસ્ટીમેટ
કર્યા, ઇવન અંદરનાં ઉકળાટે પણ!
એ અન્ડર ડોગ આંગળીનાં ટેરવાંઓ એ એવો તો જાદું કર્યો કે પોતે છોલાતાં
ગયા અને અંદરનાં ઉકળાટને એવો ભાસ કરાવતાં ગયા કે એ કાગળ પર લખાતાં અક્ષરોની સાહી
વાટે ખૂલી હવામાં જઇને પોતાનો મોટીવ એચીવ કરી રહ્યા છે.
પણ જ્યારે એ છોલાયેલાં ટેરવાંનાં લોહીના પહેલાં ટીપાં અને પેનની ખાલી
થતી રીફીલનાં સાહીનાં છેલ્લાં ટીપાંનાં સંપર્ક જ્યારે ઉકળાટને અનુભવાયો અને ત્યારે
જ્યારે એણે એક પછી એક ભરાઇને આમથી પડેલાં કાગળનાં પાનાંઓ પર નજર ફેરવી તો એણે
જોયું કે કાગળનાં પાનાઓ પર તો માત્ર આમથી તેમ લીટા જ દોરાયેલાં હતાં, કાળી સાહીનાં
આડેધડ ચીતરેલાં લીટા માત્ર!
આ જોઇને ઉકળાટનો ઉકળાટ સાતમે આસમાને પહોંચી ગયો અને એણે એની ત્રાસી
આંખથી લોહીની ખરડાયેલાં પેલા ટેરવાને જોયા તો એ કંઇક ગર્વમાં પેલાં બહાર પડેલા
લોહીનાં એક ટીપાને ચૂંસીને અંદર ભરતાં દેખાયાં.
તો ફરી એકવાર એક નાકામયાબ કોશિષ સાથે ઉકળાટ એનાં ચરમનાં સાતમે આસમાને
મારી અંદર ધૂંધવાય છે, જોઇએ હવે કોણ એનાં આનાં પછીનાં આનાથી પણ તાકાતવાર વાર ને
ખાળે છે..!