ચોખ્ખું ચટ્ટ

છોટે મીંયા–

હાથમાં ટચપેડ, ટેબલેટ, જીપીઆરએસ, 4જી ભલે આવી ગયા; કેસરની જાતો,
મીણબત્તીની વાટો, શ્વાસની વાસો જેવી દુનિયાની કોઇપણ જાણકારી ભલે બસ એક ટચ જેટલી જ
દૂર હોય; 1350 ઘોડા જેટલી તાકાત એક ડીઝલ મોટરમાં કેમ ન આવી ગઇ હોય, ચોકલેટ અને
સ્ટ્રોબરી ફ્લેવર્સનાં કોંડોમ ભલે આવી ગયા હોય, ધમની અને શીરાઓમાં લોહીનાં જામી
ગયેલા ગઠ્ઠાને લીધે થયેલા બ્લોકેજને લીધે રોકાઇ ગયેલા રસ્તા માટે ડાઇવર્ઝનનો રસ્તો
કોઇ સીન્થેટીક મટીરીયલનાં ફુગ્ગા(બબલ) ના ઉપયોગથી કેમ ન તૈયાર થઇ જતો હોય, એક વાત
યાદ રાખજે ગમે તે થઇ જાય, ગમે તેટલું નવું આવે, ગમે તેટલું બદલાય જાય પણ ‘અનુભવ’ નામનું
એક ટોનીક એવું છે જેનો સ્વાદ ક્યારેય બદલાતો નથી અને એ ટોનીકની અસર સુધ્ધા ક્યારેય
બદલાતી નથી!!
જ્યારે તારા બાપા તને એમ કહે કે, ‘બેટા આના કરતાં આમ કરી જો’; ત્યારે
તારે શું કરવાનું ખબર છે? તારે તારો બધી દિશામાં વેરણ-છેરણ પડેલો દિમાગ સાવરણીથી
એક સૂપડીમાં ભેગો કરી સૂપડીમાંથી એક સૌથી નાનું બટકું એની ઠેકાણે મૂકી બાકીનાં
ટૂકડાને સૂપડી સાથે ફ્રીઝમાં મૂકી દેવાનાં અને પછી એ નાનકડા ટૂકડા પર વધારે જોર
દીધાં વિના એટલું વિચારવાનું કે બાપા મને આવું કીધું શું કામ?
સીધીસટ્ટ અને ટૂંકીટચ્ વાત કરું ને તને તો એટલું તો પાક્કું જ ભલે એને
તારા આજનાં આ ‘ટેકી’(!) યુગ વિશે ખબર ન હોય, ભલે એણે કોઇ દિવસ છાતી શેવ ન કરાવી
હોય, ભલે એણે કોઇ દિવસ બીયર પીધા પછી વોડકાનાં પેગ ન ચડાવ્યા હોય પણ એક વાત એણે
કરી છે જે તે નથી કરી અને નથી જ કરી, અને એ છે એના જેટલાં દિવસો જોયા! હા, તેં એના
જેટલા દિવસો નથી જોયા. દિવસો એટલે ઉગતો સૂરજ અને ઢળતો ચાંદો નહીં ડફોળ, દિવસો એટલે
પરિસ્થિતિઓ, મુશ્કેલીઓ, છટકબારીઓ.
જો આ તારો ‘આજના સમય’નો પાવર ગડર છે તો એમનો અનુભવ નાડું છે.
વહેલું-મોડું ગડર લુઝ પડવાનું અને તારે ચડ્ડી પકડવી પડવાની જ્યારે નાડું એ તો
જેવું ઢીલું પડ્યું કે તરત ફરીથી ટાઇટ કરી લો અને ફરીથી ‘નો ટેન્શન’ ઝોનમાં તમારું
સ્વાગત છે.
હું નથી કહેતો કે મોટા કે’ એટલે બસ ડામરનો ડટ્ટો; પણ એને અંદર લે, એને
ટટોલ, એનાં પર તારી પોતાની બુધ્ધીથી પરે જઇને થોડો વિચાર કરી જો. આ વખતે નહીં તો
આવતે વખતે અપ્લાય કરવા જેવું કંઇક ને કંઇક તો મળશે જ.
અને ઓ મોટાઓ તમારે વધારે ફૂદકવાની કે ખૂશ થવાની કંઇ જરૂર નથી તમારા
માટે પણ મારી પાસે કંઇક છે. અનુભવની સાથે તમારામાંનાં અમુકમાં ફીશીયારી પણ વધતી
જતી હોય છે, એ વાત પણ નવી નથી હોં!
પણ તમે તો યાર ‘મોટા’ રહ્યા તમને થોડા ભાષણ દેવાય અમ ‘નાના’ઓથી!
તમારા માટે મારી પાસે એક વાર્તા છે જે મારા અગીયાર કે બારમાં ધોરણમાં
ભણવામાં આવતાં સંસ્કૃત વિષયનો એક પાઠ છે, પણ આજે નહીં કાલે..