પરે સાવ

ચિઠ્ઠી લખવાનો સમય થઇ ગયો છે-

હવા પાતળી થતી જતી હતી, ધૂમ્મસ વધારે ગાઢ બનતી જતી હતી, બે શ્વાસો
વચ્ચેનો અંતરાલ ઘટતો જતો હતો, બરફ વધારે લસરકો અને ઢીલો થતો જતો હતો, પગ હવે
ગોઠણને બદલે ક્યાંક-ક્યાંક સાથળ સુધી ખૂંચી જતા હતાં, દિવસોની સાથે બેક-પેકમાં ઘટતાં
જતાં રાશનનાં વજનની સાથે-સાથે વધારેને વધારે વિષમ થતા જતા વાતાવરણને લીધે ખૂદ પરનો
આત્મ વિશ્વાસ પણ ઘટતો જતો હતો.
ઘણી વખત એમ થતું કે જિંદગીનાં ચાલીસમાં વર્ષે આ હિમાલયનું આરોહણ
કરવાનો નિર્ણય ક્યાંક સાહસને બદલએ દુ:સાહસમાં તો નહી ખપે ને!
આમ તો છેલ્લા બાર વર્ષનાં મારા ડોક્ટરી કરીયરમાં હું ઘણા લોકોનાં
સંપર્કમાં આવેલો. ઘણા ઘણું ખમી જતાં, ઘણા એક ઇન્જેક્શનની સોય અડે તો પણ બરાડી
જતાં, ઘણાં પોતાનાં સ્વજન માટે કંઇ પણ કરી જતાં, ઘણા કહેવાતાં દિગ્ગજો જરા અમસ્તી
વાતમાં નાના છોકરાની જેમ રડતાં, ઘણાં હસતે મોઢે જતાં, ઘણા બેફામ લડતાં એવાં લોકોને
જોયા છે, પણ આજે હું ખૂદ એવી કસોટીની ક્ષણમાં અટવાયેલો છું જ્યાં મને ખૂદને પોતાને
માપવાની ફૂટપટ્ટી મળી ગઇ છે.
જેમ-જેમ અમે ઉપર ચડતાં જઇએ છીએ એમ-એમ અમને ક્યાંક-ક્યાંક હિમશીલા
પડવાનાં, એવેલાન્ચ થવાનાં અને મોસમ વધારે બગડતાં જવાનાં સમાચારો મળતાં જાય છે, મને
ખબર નથી કે મારી પાછળ આવતી ટીમમાંથી કોઇનાં હાથમાં હું મૂકું છું એ ચિઠ્ઠી આવશે કે
કેમ, અને જો આવશે તો એ વાંચનારને ગુજરાતી આવડે છે કે નહીં પણ હું આવું કશું
વિચાર્યા વિના અમુક અમુક અંતરે,
‘બસ હવે થોડુંક જ’
‘પહોંચી જવાશે, નહીં પહોંચાય?!’
‘મને લાગે છે કે આ સામે દેખાય છે એજ’
મારા દિમાગમાં ત્યારે જે ચાલતું એવું આવું કંઇક-કંઇક લખીને ચિઠ્ઠીને
એમ જ હવામાં છોડી દેતો જતો હતો. તો આમ જોવા જઇએ તો મારી મૂકેલી, આમથી તેમ હવામાં ઝોકા
લેતી એ કાગળની ચબરકી અને હું અમે બંને હવે હિમાલયનાં રખોપે હતાં. અમે બંને આમથી
તેમ ઝોકા ખાતા જતા હતાં, જોઇએ આ ઓલમાઇટી હિમાલય કોને કેટલે દૂર સૂધી ઉડાવીને લઇ
જાય છે.
લે ફરી એક વખત ચિઠ્ઠી લખવાનો સમય થઇ ગયો છે,
‘હા, ફરી મળીશું આપણે, જરૂર મળીશું’