જુદું કંઇક

દાદા, દરીયો અને વેંતની ચડ્ડી

હમણા દાદાએ બોલાવેલો; હવે દાદા બોલાવે એટલે જવું તો પડે જ. સોમનાથ ગયો હતો. દર્શન કર્યા મજા આવી ગઇ. થોડા સમયથી ત્યાં મંદીરની બાજુનો દરીયો વાળી લીધો છે. દરીયા કિનારે જવું હોય તો ચોપાટી પાસેથી જ જવું પડે ત્યાં મંદીરની બાજુમાંથી હવે નથી જવાતું. તો થયું ચોપાટી પાસે સ્પેશીયલ જવું એના કરતાં વેરાવળતો જવું છે બીરલા મંદીરનાં રાધા-કૃષ્ણનાં દર્શન કરવાં તો પછી ત્યાં નિરાંતે શાંતિમાં કિનારે બેસીશું. ત્યાં ઘણાં ઓછાં લોકો હોય છે અને કિનારો સરસ મજાનો ચોખ્ખો અને શાંત હોય છે.

ત્યાં મસ્ત-મજાનાં રાધા-કૃષ્ણની જાણે કે હમણાં બોલી પડશે એવી મૂર્તિનાં દર્શન કર્યા પછી ત્યાં બહાર નીકળતાં સામેની બાજુએ જ બીચ છે. થોડે દૂર અમૂક છોકરાઓ ક્રીકેટ રમતાં હતાં. સ્પેશીયલ દરીયાની મૂલાકાતે કોઇ આવ્યું હોય એવું તો કોઇ દેખાતું ન હતું. એકાદ-બે નાળીયેરવાળાનાં ઠેલાં પણ એમને એમ ઢાંકેલાં નાળીયેરનાં ઢગલા સાથે વીના કોઇ માલીકે પડ્યા હતાં. દરીયામાં ક્યાંક-ક્યાંક થોડે નજીક-દૂર નાના-મોટા હૂડકાં હાલક-ડોલક થતાં દેખાતાં હતાં. ભીનો-ખારો પવન વાતો હતો. બિલકુલ ધીમી, શાંત અને પોતાનામાં ગૂંથાયેલી એ વેરાવળનાં દરીયા કિનારાની સવાર ધીમે-ધીમે બપોર તરફ રવાનાં થતી જતી હતી.

પાંચ મીનીટથી જ હજું તો ત્યાં ઉભો હોઇશ હું ત્યાં એ સવાર, એ દરીયો મને પોતાનો એક ભાગ બનાવી લેવા માટે મને આમંત્રી રહ્યા હોય એમ મને સેન્ડ્લ્સ કાઢીને પગનાં પંજા એ લસરતી ભીની રેતીમાં મૂકવાનું મન થઇ ગયું. અને આવી મજાની ઇચ્છાને કોઇ કેટલો લાંબો સમય રોકી શકવાનું!

હું ઉભો હતો ત્યાં માંડ-માંડ સાત-આઠ મોજા પછી એકાદ મોજાનું જરા અમસ્તું પાણી મારી આંગળીઓ સુધી પહોંચતું હતું, મારી આંગળીઓ વચ્ચેથી એ પીળી રેતી હવે ઉપર આવવા લાગી હતે અને મારા પગને પોતાનામાં ઓગાળતી જતી હતી. મને મજા આવતી હતી, હું અદબ વાળીને બસ, એ વહેતી હવાને નાકનાં ટેરવાથી કપાઇને બંને ગાલ પરથી કાનને અડકીને મારામાંથી પસાર થતી અનુભવી રહ્યો હતો.

અત્યારે હું જ્યાં ઉભો હતો એ રેતીનો કિનારો હતો એમ ડાબા હાથ પર પચાસેક ડગલાં દૂર મોટા-મોટા ઉંચા-નીચાં પથ્થરોનો કિનારો હતો. ભરતી કંઇ ખાસ ન હતી એટલે મોજા બસ જરા-જરા અડગતાં હતાં પથ્થરોને અત્યારે તો, પણ મને લાગ્યું ભરતી કે સમયે જબ્બરદસ્ત ટક્કર થતી હશે અહીયાં અને એનાં નિશાન પથ્થર પર દેખાતાં પણ હતાં. પાણીની ખારાશ અને એકધારી પછડાટથી એ પથ્થરોમાં રીતસરનાં ખાંચાઓ, ખાડાઓ, તીરાડો, કોતરો પડી ગઇ હતી.

કૂદરતની કારીગરીનાં આ દરીયા નામનાં અસીમ નમૂનાને મનોમન નવાજતો હતો ત્યારે જ મને એક કોતર વચ્ચેથી, દસ-અગીયાર વર્ષનો એક ટેણીયો, વેંત એકની ચડ્ડી પહેરીને એક હાથમાં લાંબી ભાલા જેવી ધારદાર લાકડી અને બીજા હાથમાં વચ્ચે સોંસરવું કાણું પડેલી, એની કમર જેવડી માછલીને પકડીને દરીયામાંથી જાણે કે રસ્તો કરતો બહાર નીકળતો દેખાયો.

ત્યાં કિનારે પાથરેલા એક રૂમાલ જેવાના કપડા પર એ પકડેલી માછલીને રાખી એણે ફરીથી લાંબા ભાલ સાથે પોતાનાં ભીનાં, કાળા, ચમકતાં, પતલા અમસ્તા શરીરને ફરીથી દરીયાના હવાલે કરી દીધું અને એ ત્યાં ક્યાંક ઉંચા-નીચાં થતાં પાણીને વચ્ચે ગાયબ થઇ ગયો.

કીનારાથી પાછો ગાડી તરફ વળી, બારણું ખોલીને બેસવાં જતો હતો ત્યાં મને વિચાર અવ્યો કે, ‘જો પેલો અસીમ છે તો આનું ગાંડપણ ક્યાં અફાટથી ઓછું હતું!’