સ્વાભાવિક

ડાંડલી ટાઇટ ન કરી દઉં તો કે’જે!

મારે ચશ્મા છે અને મને એ નાકની ડાંડી પરથી
લસરી-લસરીને વારે-ઘડીએ નીચે આવે એ પસંદ નથી એટલે કાન પાછળ જરા ટાઇટ હોય એવા
કરાવવાનાં જ પસંદ કરું, પણ વાત ખાલી આંયાથી જ અટકી જતી હોત તો કંઇ હું લખવા બેસત!?
આ વાત જરા ખેંચાણી..

હવે
થાય એવું કે ક્યાંક થોડો સામાજીક મેડાવળો ભેગો થયો હોય એટલે વારાફરતી બધા ‘કૂલ’
દેખાવા માટે પોતપોતાની બુધ્ધી મુજબની કોમેન્ટો મારે અને સાલ્લી આપણી હાલત કફોળી
થાય, ખોટે-ખોટા હાહા-હીહી કરી-કરીને! તું કહીશ, ‘એ તો હોય, એમા શું, કરવું પડે એ
તો!’, પણ વાત અહીંયા પૂરી નથી થતી, સાંભળ તો ખરા એ તો મારી બેટી હજુ ખેંચાણી..

હવે
જ્યારે તું હસેને ત્યારે માર્ક કરજે, તું હસીશ ત્યારે તારા ગાલનાં સ્નાયુથી લઇને
આંખ અને કાનની વચ્ચેનાં અને કાન પાછળનાં સ્નાયુંઓ કામે લાગેલા હશે, ખેંચાતા હશે.
જ્યારે સાચું હસતાં હોઇશું ને ત્યારે ક્યારેય આપણને આવો કોઇ ખ્યાલ નહીં આવે પણ
જ્યારે ખોટે-ખોટું હસવું પડે ત્યારે ચકડોળે ચડાય!

મારી
વાત કરું તો ચશ્માનાં પેલા કાન પાછળનાં ટાઇટ ડાંડલા મારા ખોટે-ખોટાં ખેંચાતા
સ્નાયુઓનાં કામને વધારે અઘરું કરી દે અને ભૈસાબ મને ત્યાં દુખવા મંડે બોલ, માનીશ!
મારે થોડી-થોડી વારે ચશ્મા ઉતારી કાન પાછળ ભીનો હાથ ફેરવવો પડે!

પછી એક
દિવસતો નક્કી જ કરી લીધું, કીધું હવેથી આવા કોઇ દેખાવનાં દંભી જમેલામાં જવું જ
નહીં, પછી વળી બીજું કંઇક સૂઝ્યું. ‘મોટા તું આવા દંભી જમેલામાં ન જવાની વાત કરે
છે, પણ તું જે વિશ્વમાં રહે છે એ શું આવા કોઇ વિશાળ જમેલાથી અલગ છે?’, કંઇ જવાબ ન
મળ્યો. પછી વળી બીજો સવાલ થયો, ‘જવાબ ક્યારે ન મળે?’, તો’કે એ ઑલરેડી આપણી પાસે
હોય જ ત્યારે!

મારે
કોઇ સાધૂ નથી થવું, મારે કોઇ હિપ્પી નથી થવું, તો મારી પાસે ઓપ્શન કયા બચ્યાં?

બચ્યાં
નથી પણ બચ્યો છે, બસ એક!

જેમ
મને લસરી-લસરીને નાકની ડાંડી પર આઇસ-સ્કેટીંગ કરતાં ચશ્મા પસંદ ન’તાં તો મેં
ડાંડલી ટાઇત કરાવી લીધી એમ જો મને આવી બેતૂકી ખાખા-ખીખી પસંદ નથી તો મારે એની પણ ‘ડાંડલી
ટાઇટ’ કરાવી લેવી જોઇએ, હેંને!

હું તો
મારી રીતે લાગેલો છું આ લસરતાં ચશ્માનાં આઇસ-સ્કેટ્સની પેલી ધારદાર બ્લેડની ધાર
બૂઠી કરવાની રીતો શોધવામાં પણ આ દરમિયાન તારી ટાપસી પણ આવકાર્ય છે હોં…