ભેદી

ધબકતું પોટલું.

ભણવું-બણવું મને પહેલેથી નાપસંદ, પસંદગી ક્યાંય ઉતરતી તો એ માર-પીટ,
ગાળા-ગાળી, ઝઘડા, રઝડપટ્ટી પર! ‘બદી કેટલા પ્રકારની હોય?’ આ સવાલ જો ક્યારેય થાય
તો મારી પાસે આવી જજે હું તને મારા ભૂતકાળમાં પેલા ગોલમાલના પરેશ રાવલની જેમ લઇ
જઇશ અને બદીઓ વિશે તને ગૂગલ અને વિકીપેડીયા કરતાં વધારે સમજ ઉદાહરણ સાથે પૂરી
પાડીશ.
હા ખરેખર, જૂનો હું એટલે ખરાબાનો સેલ, એઠવાડ-ભંગારનો ઢેર. પણ અહીં
આગળનાં લખાણ જો તારે ક્યાંય તારી નજર ઝીણી કરવાની હતી તો એ શબ્દો ‘ગૂગલ’, ‘એઠવાડ’
કે ‘પરેશ રાવલ’ ન હતાં પણ એ શબ્દો હતાં, ‘ભૂતકાળ’ અને ‘જૂનો.’
તને ખબર છે નદિનો પ્રવાહ ફંટાય ક્યારે?, તને ખબર છે ટનલ વળે ક્યારે?
જ્યારે કોઇ કાળમીંઢ શીલા એના રસ્તામાં આવે ત્યારે. પણ અહીં આ શીલાની આભા થોડી
નકારાત્મક સાઉન્ડ કરે છે, હેને? કેમ કે નદિનો પ્રવાહ અને નવો બનતો રસ્તો એટલે કે
ટનલ એ હકારાત્મક આપણી નજરમાં હકારાત્માક ઉદાહરણ છે. તો આપણા ગણિત પ્રમાણે આ
ઑબ્વીયસ વાત થઇ કે કોઇ હકારાત્મક ફ્લોને અટકાવે તો એ નકારાત્મક ઑબજેક્ટ જ હોવાનું.
હવે આ જ રૂલને મારી લાઇફ પર અપ્લાય કરીએ; મારી બદીઓથી છલકતી લાઇફનાં એકધારા ધોધમાં
પણ કોઇ ‘ઑબજેક્ટ’ આવ્યો! તો આપણા આગળ અપ્લાય કરેલા ગણિતથી ઉંધું વિચારીએ તો મારા
જીવનની બદીઓની આભા નકારાત્મક સાઉન્ડ કરે છે તો એની આડે કંઇ આવ્યું હશે તો એ
ઑબ્વીયસલી હકારાત્મક જ હશે.
હા, એ હકારાત્મક હતી; એક કદિ ન અનુભવેલી એવી હકારાત્મક આભાવાળો ‘ઑબજેક્ટ’
કે એણે મારી બધી બદીઓનાં ધોધને ફંટાવીને ક્યાં પહોંચાડી દીધો એની મને પણ ખબર ન
પડી…
ખબર નહીં પણ કેમ કોઇ છોકરી મારા જેવા જનાવર સાથે પરણી પણ એ પરણી. પરણી
તો એનાં વાંકે, આપણે શું, મેં એને પણ સતાવી જેને મારે સાચવવાની હતી. પણ ‘સમજ’, એ મારી
બેટી એમ થોડી આવે છે! પણ એ પણ આવી..સમજ પણ આવી એક દિવસ..હા, મારામાં આવી અને એને મારી
‘બેટી’ જ લાવી..
મેં પહેલી વાર એ બંધ આખોવાળા, મારી ત્રણ આંગળી બરાબરનાં, આછા-આછા
વાળવાળા, ગોળ મુખને પૂરેપૂરા વીંટાયેલાં કોઇ તકીયામાંથી જાણે બહાર ડોકાતું હોય એમ
એની માંને અડકીને હોસ્પીટલનાં એ ખાટલા પર સૂતેલું જોયું..મા કસમ, મારી પર કોઇ
એકસાથે, સતત ચાબૂકની વર્ષા કરી રહ્યું હોય એવું લાગ્યું, મારી એક-એક નસ સખત કડક થઇ
ગઇ, હું મારા પગનાં પૂરા પંજા જમીન પરથી છોડી આંગળીનાં ટેરવા પર વધું ને વધું ઉંચે
ખેંચાવા લાગ્યો, મને નાકમાંથી અંદર જતો ઓક્સીજન પૂરો ન હતો પડતો એટલે મેં મોં ખોલી
નાખ્યું…આશ્ચર્ય થયું ને? મને પણ થયું’તું, પણ આજ સુધી ખબર નથી પડી કે આવું શું
કામ બન્યું હતું, બસ આવું બન્યું!
મારી આવી હાલત જોઇને પણ એની માંએ જરા પણ ખચકાયા વિના એ ‘પોટલું’ મારા
તરફ લંબાવ્યું. અરે! આ પોટલાને તો હોઠ છે! મારા હાથની પહેલી આંગળીનાં પહેલા ટેરવા
કરતાં પણ નાનાં એ હોઠ હલચલને લીધે જરા મચકોડાયા અને હું ‘પાછો’ આવ્યો, ચાબૂકનાં ‘ચટકા’
બંધ થયાં, મારી અકડ ધીમે-ધીમે ઢીલી થઇ, મારી નશોમાં ફરી લોહીનાં વહેવા જેટલી
સીથીલતાં આવી, મારા પૂરા તળીયા લાદીને સ્પર્શ્યા પણ મારા શ્વાશોની રીધ્ધમ હજી
પકડાય ન હતી, હા જોકે મારું મોં હવે બંધ થયું હતું.
મેં મારો હાથ લંબાવ્યો અને એ ‘ધબકતું પોટલું’ હવે મારા હાથમાં હતું. ના,
હું એમ તો જરાય નહીં કહું કે એ ભગવાન પામ્યાનાં અનુભવ જેવું કંઇ હતું કેમ કે એ
ચહેરો ઘણો ખરો મને મળતો આવતો હતો. તો હું અને ભગવાન???
આમ પણ મને નથી લાગતું કે ભગવાનને પામી લીધા પછી પણ મેં મારી બાયડીને
સારી રીતે સાચવી હોત, મારો પેલો ‘ધોધ’ ફંટાયો હોત, હું આવું કદિ લખી શક્યો હોત…પણ
આ બધું આજે થયું કેમ કે એ ‘ધબકતું પોટલું’ મારી દિકરી હતી.
આજે જ્યારે એને પહેલી વખત હોસ્પિટલમાં જોયા સમયની મારી પરિસ્થિતિ
વિચારું તો લાગે કે, કદાચ એ ચાબૂકનાં સટાકા, એ નસોનું ખેંચાણ, એ ખૂલી ગયેલું મોં આ
બધું મારી બદી મારાથી દૂર ફંટાવાનાં લક્ષણો હતાં…એ જે હોય તે, ભગવાને દિકરી
બનાવીને પોતાનું વેલ્યુએશન ઘટાળી લીધું એટલું પાક્કું!