પરે સાવ

ધાર કે, તું કાનીયો..તો?

રોજે-રોજ જોવે, રોજે-રોજ રોવે; ઘર અને
સ્કૂલ વચ્ચેનાં રસ્તા પરની દૂકાનની બહારની ખીતીએ લટકતું એ પ્લાસ્ટીકનું બેટ એનું
સૌથી મોટું દુશ્મન, કેમ કે એની જિંદગીમાં આજ સુધી એને કોઇ વસ્તુંએ આટલો નથી
રડાવ્યો જેટલો એ બેટે એને રડાવ્યો છે. એને એ બેટ લેવું જ લેવું અને એની બાને માથે
અગણિત દેવું. રોજ લાલીયો જીદ કરે, ‘બા, મને બેટ લઇ દે, મને બેટ લઇ દે’
લાલીયાનાં બા એને વાતોમાં મશગૂલ કરી દે,
ક્યારેક ખીજાય, ક્યારેક લાંબો પડતો બીજો કોઇ રસ્તો લઇ લે,  ક્યારેક દુકાન બંધ હોવા બદલ પ્રભૂનો આભાર માને
પણ એમાં એનાં બાનો પણ શું વાંક, લાલીયાનો બાપો દારૂડીયો માંડ બે રૂપિયા કમાય તો ઉપરના
બે ઉધાર રાખીને ચારનો દારૂ પી આવે, પોતે નજીક સ્કૂલનાં મામૂલી એવા પટ્ટાવાળા અને
ઉપરથી ઘરમાં લાલીયાથી નાના બીજા બે ભાંડેળા! પેટનું પૂરું કરવામાંથી જ્યાં માંડ
ઉંચુ અવાતું ત્યાં આવા કચકડાંને ક્યાં ઘરમાં ઘાલવું.
એની બાને પણ સમજાતું કે લાલીયો નાનો છે
એને પણ વસ્તું લેવાની, રમવાની ઇચ્છા થાય, ગમે પણ એ પણ શું કરી શકે, એ વ્હાલથી,
ડાટથી, પરાણે, મનાવીને એમ લાલીયાની આવી માંગોને ટાળી દેતી.
લાલીયાની ‘લડત’ સમય સાથે મોરી પડતી ચાલી,
લાલીયો મોટો થવા લાગ્યો, લાલીયો સમજવા લાગ્યો, લાલીયો એની બાને મદદ કરવા લાગ્યો,
લાલીયો એનાં નાનાં ભાઇ-બહેન સંભાળવા લાગ્યો, ખુદને-એની બાને સંભાળવા લાગ્યો,
લાલીયો લટકતા બેટ અને ઉછળતાં બોલ નજર ચોરાવવામાં ‘ઑલમોસ્ટ’ કામયાબ થવા લાગ્યો…
લાલીયાને પણ યાદ નથી આજે કે એણે ક્યારેય
કોઇ બેટ માટે મહિનાઓ સુધી જીદ કરી’તી, લાલીયો એ પણ ભૂલી ગયો છે આજે કે પેલા નજીક
પડતાં રસ્તાને મૂકીને એ હંમેશા આ લાંબા રસ્તા પરથી જ કેમ નીકળવાનું પસંદ કરે છે.
લાલીયાએ દસમાં ધોરણની પરીક્ષા પાસ નથી કરી
અને એ નજીકનાં એક શેઢને ત્યાં ચાંદીકામ શીખી રહ્યો છે, થોડા ઘણા કમાયેલા પૈસામાંથી
થોડા ઘણા એની બાનાં હાથમાં આપી રહ્યો છે. લાંબા રસ્તા પરથી થઇને એનાં ભાઇ-બહેન
સ્કૂલે મૂકવા જઇ રહ્યો છે.
ત્યાં એક દિવસ કંઇક કારણોસર લાલીયાને એનાં
ભાઇ-બહેનને લઇને પેલા ‘ટૂંકા’ રસ્તેથી ઘરે આવવું પડ્યું. લાલીયાનું ધ્યાન બંને હાથે
કાંડેથી પકડી રાખેલાં એના ભાઇ-બહેન પર હતું, સામેથી આવતી શીંગડાવાળી ગાય તરફ હતું,
ખભ્ભેથી લસરતી જતી એ બંનેની ખાલી વોટરબેગ પર હતું, બેનકીનું ધ્યાન એક પગનાં બૂટની
છૂટી ગયેલી દોરીને બીજા પગે કચડતાં રહેવા પર હતું, બાજુમાંથી નીકળતાં વાહનોનાં
પી..પીપ… પર હતું, મોટા ભાઇનાં ખભ્ભે લાદી દીધેલાં દફતરમાં પડેલા ખાલી ડબ્બામાં
ખખડતી સ્ટીલની ચમચીની એકધારી લય પર હતું. પણ ભઇલું…ભઇલુંનું ધ્યાન..એ ક્યાં
હતું…??
રસ્તાની પેલે પારની દુકાનની બહારની ખીતીએ
લટકતાં પ્લાસ્ટીકનાં……..
ધાર કે લાલીયો એજ કાનીયો, તો શું કરશે આ ‘કાનીયો’..??