ધક્કો મારશે

ધરમનો ધક્કો ખાધો તેં

એવું કશું છે જે તને મળે તો તું ઉંઘ-ભૂખ-થાક ને રામ-રામ કહી દે અને તું કેટલી ક્લાકોથી એ ‘કશા’ પાછળ મચી પડેલો છે એની પણ તને ખબર ન હોય!

ના હું, ‘સપનાઓ તો એ છે જે તમને સૂવા ન દે!’ આવી કોઇ ઘેલી, સૂફીયાણી વાતો નથી કરતો, બટ એમ જ, કે છે કોઇ એવી ચીજ જે કરવામાં ન રૂપિયા આડા આવે, ના સંબંધો. જેમ કે, કદાચ કોઇ ટીવી જોવા બેસે એટલે એને એટલી મજા આવતી હોય અને એમાં એટલા તલ્લીન થઇ જતાં હોય કે એમની આજુબાજુમાં શું થઇ રહ્યું છે એનું ભાન જ ન રહે!

એટલે હું કોઇ મમ્મી-પપ્પાને ગમતાં લખણોની જ વાત નથી કરતો હોં!

કોઇને સીગરેટ ફૂંકવામાં ખૂદા મળી જતો હોય! કૃષ્ણને મન માખણ એવો કોઇને મન માવો હોય! તો વળી કોઇ લાઉડ, મેટાલીક, હાર્ડકોર મ્યુઝીકમાં ઓગળી જતું હોય! કોઇને સ્વામીજીની સેવામાં અપાર સુખની અનુભૂતિ થતી હોય! કોઇને બસ એકલું ઘૂમવામાં નશો મળતો હોય! કોઇને હાઇસ્પીડનો બેહદ્ લગાવ હોય!, કોઇને ફેશનનો-બ્રાન્ડનો ચરમ ચસકો હોય!, કોઇ આંખો બંધ કરીને ધ્યાનની મુદ્રામાં બીજા વિશ્વમાં પહોંચી જતું હોય! કોઇને પોતાની હદો પાર કરવાનું જૂનુન હોય! કોઇને બેફામ રૂપિયા કમાવામાં ચેન મળતો હોય! કોઇને નવા-નવા વ્યંજનોમાં ભગવાન મળી જતો હોય! તો વળી કોઇ કોઇકનાં સંગાથમાં જ બધું પામી જતો હોય!

એવું કંઇ પણ જે કદાચ તને ત્યાર પૂરતો તારા જીવતાં કે મરેલા હોવાનો તફાવત ભૂલાવી દે એવું!

હું એમ પણ નથી કે’તો કે જો આવું કંઇ તારી લાઇફમાં નથી તો હવે શું થશે તારું, તારી જિંદગી વ્યર્થ, ધરમનો ધક્કો ખાધો તેં તો આ ધરતી પર જમન લઇને, જગ્યા રોક છે તું અહીંયા!!

ના, ના!

હું શું કહું છું ખબર છે તને! આવી એક નહીં ઘણી ચીજ હોય છે અને કદાચ ઉપર લખી એ લીસ્ટમાંની જ તારામાં અને મારામાં બે-ચાર ચીજો તો હશે! તકલીફ ક્યાં છે ખબર છે, ખૂલવાની!

આપણે બીજા પાસે તો ઠીક ખૂદ પાસે પન ખૂલેલાં નથી હોતા! કેમ? તો કે, નો રીઝન! કદાચ ટેવ પડી ગઇ છે ભાગતું રે’વાની, કોઇકથી, કશાકથી ડરતું રે’વાની, પોતાની જેમાં-ને-તેમાં નકામાં કામોમાં પરોવી રાખવાની, ‘ટાઇમ જ ક્યાં છે’ની લાઇન ઘસ્યે જવાની, બીજાનાં કામોમાં ડાફોળીયા દેવાની, ટેવ પડી ગઇ છે દસ-દસ કલાક ઉંઘવાની!

જાણ-ખૂદને, ભરોસો કર-ખૂદ પર, હરાવ-ખૂદને.

ખૂલ, મજા લે, રસ લે, ભાગ લે, ભાગ બન.