સપ્તરંગી

Dilution.

આમ તો રૂમમાં કોઇ ન’તું એટલે કંઇ ગભરાવા જેવું નહતું પણ એ એકાએક જ
મારી રજાઇની અંદર ઘૂસી ગઇ કે હું પોતે કંઇ વિચારું એ પહેલા જ એ મારી બાજુમાં હતી;
અરે બાજુમાં શું એમ કહું કે મારી અંદર હતી તો પણ કંઇ ખોટું ન હતું. એની અને મારી
વચ્ચે ક્યાંક છૂપાય ગયેલો હાથ શોધી એને એની ફરતે વીંટાળ્યો અને એને મારા તરફથી
પૂરી પરવાનગી આપી. પણ એમ લાગતું જ ન હતું કે એને મારી કોઇ રજાની જરૂર હતી, એણે
પોતાના બંને હાથથી મારા પેલા પાછળથી આવતા અને એને વીંટળેલા હાથને પકડી લીધો અને એ
તો વધારે ને વધારે મારામાં સમાતી ગઇ.
હવે દસેક મિનીટ પછી મને લાગે છે કે એ બહારથી તો નહીં પણ એની અંદરથી
થોડી-થોડી વારે એક ધ્રૂજારી આવતી હતી. મારી છાતી પરનાં એ હળવા બીડાયેલા આંખોનાં
પોપચા અને હલકી-હલકી મરક-મરક મૂસ્કાનવાળા ચહેરા પરથી એ બે લસરકી લટોને થોડી આઘી
કરી અને પછીનું કામ એની જાતે જ મારા આંગળીના ટેરવા કરવા લાગ્યા..એ ટેરવાઓ એના માથામાં,
ભરચક ઘાસનાં મેદાનમાં આમથી તેમ આરામથી ઘૂમીને, બે પગ ઉંચકીને ઘાસનાં તણખલાને ખાતી
કોઇ ખિસકોલીની જેમ બિલકુલ આરામથી ઘૂમવા લાગ્યા. થોડી-થોડી વારે આવતી એની અંદરની
ધ્રૂજારી હવે ક્યારેક-ક્યારેક આવતી થઇ ગઇ, મારી છાતીનાં નીચેનાં અને મારા પેટની
ઉપરનાં ભાગે એનાં શ્વાસોની ચળ-પળ જાણેકે મને ગલીપચી કરી રહી છે, વારે ઘડીએ લસરીને
એનાં મોં પર આવી જતી એ બે રમતીયાળ લસરકી લટોને મસ્તી સૂજી રહી છે, હવે તો લાગે છે
મને પણ પેલી અંદરની ધ્રૂજારી અનુભવાય રહી છે..
હું અને મારી વ્હાલી જિંદગી, રજાઇની અંદર ક્યાંક એકમેકમાં ઓગળી રહ્યા છીએ..