જરા ટેઢું

ડૂમ્સ ડેની લાલઘૂમ ધામધૂમ..

કામ કર બસ… અંદર એવો કીડો લઇને ફર કે એ કીડો થાપુ ટેકવાય એટલે ત્યાં
ગુમડા કરી દે. પસંદ છે, પસંદ નથી એ બધું પછી વિચાર પહેલા કંઇક કર, કરતો જ રહે. હા,
બધી વાત સાચી, ખુદ માટે ટાઇમ કાઢવો પડે, પોતાની સાથે રહેવું જોઇએ વગેરે વગેરે. પણ
મજા સેમા છે, સફરમાં. ગમશે મૂકામે ગમશે, પણ કેટલી વાર?- થોડી વાર. પછી શું તો’કે નવી
સફર, નવું ખેડાણ, નવા મેદાન.
ન ભુલ, તારી પીઠ સમયાંતરે તારી તરફ કર, એને થાબડ. તું તને થાબડી શકે
ત્યાં સુધી પહોંચાડનારા કુદરત, મા-બાપ, મિત્રો, પરિસ્થિતિઓ, દિશાઓ, દશાઓને સાથે
રાખ, એમનો ઋણી રહે. નવું જો, નવું પી, નવું લે. થોડી વધુ નિરાંત માટે આવતી કાલ છે
જ. બાકી નાની-નાની નિરાંત તો જોઇએ ત્યાંથી મળી જ રહી છે, સ્કુટર પર જ્યાં-ત્યાં પહોંચતી
વખતે, બસની રાહ જોતા સ્ટેન્ડ પર, બાથરૂમમાં.
ઘાંઘો થા એમ નથી કે’તો પણ બસ ચાલુ રહે. પછી એ વૉક હોઇ શકે, સ્ટૉલ હોઇ
શકે, જોગ હોઇ શકે, રન હોઇ શકે, ટોટલી અપ ટુ યુ. જ્યાં પહોંચવા નીકળ્યો છે ત્યાં
પહોંચીશ એટલે આહા મજા આવશે બટ ટ્રસ્ટ મી, આ મજા એવા પ્રકારની છે કે જે આવશે એવી જ
જતી રહેશે. એક્ચ્યુઅલી કોઇ પણ મજા જાજી ક્યારેય નહીં ટકે. આનાથી ઉંધુ, આવીને જાય
તો જ એને મજા કહેવાય. એની રાહ ન જોવાની હોય, એને નોતરવાની ન હોય, એને રોકવાની ન
હોય.
હવે જો એ નથી રોકાતી તો પછી આપણે પણ શેનાં રોકાઇએ. આ કોઇની પાછળ કે
કોઇનાથી ભાગવાની વાત નથી પણ વાત છે બસ ભાગવાની કેમ કે ધીમા પડવાની મજા પણ આમ જોઇએ
તો ત્યારે જ છે જ્યારે એ પહેલાં ફાસમફાસ ભાગ્યા હોઇશું.
હું નાનો હતો ત્યારે જ્યારે મને લઇને મમ્મી-પપ્પા ગાર્ડન જતાં ત્યારે
હું અને મારી બેન શું કરતાં, બે ચપ્પ્લ લઇએ, એક બીજાથી એકાદ ફૂટ દૂર રાખીએ અને
વારાફરતી એને કુદવાનું ચાલું કરીએ, કૂદીએ, ‘લે, હુંય કૂદી ગયો’, ‘લે, હું કૂદી ગઇ
હવે તું કૂદતો તો માનું’ ની બૂમો પાડી મજા કરીએ, પછી એ ચપ્પલો વચ્ચેનું અંતર થોડું
વધારતાં જઇએ, કૂદતાં જઇએ, વળી બૂમો પાડતાં જઇએ, મજા કરતાં જઇએ. બસ આમ જ કંઇક
કરવાનું, ક્યાંક પહોંચવાનું નક્કી કર એ કરવામાં, ત્યાં પહોંચવામાં મજા કર, ત્યાં
પહોંચીને મજા કર, ફરીથી ક્યાંક નવે નીકળ, નવું નક્કી કર અને બસ નીકળી પડ.
સારી-સારી વાતો કરવી એ સારી જ વાત છે પણ એ વાતોનો ભાગ હોવું એ વધારે
મજાની વાત હશે. આ કોઇ ચીલ્લો ચાતરવાની વાત છે જ નહીં હોં, કંઇ ‘ઓહોહો’ જેવું કશું
નહી રે! વાત છે તું કરી શકે, હું કરી શકું, બાજુંવાળા બહેરા બાબુકાકા અને પોતાને
માંડ સોળનાં સમજવાવાળા બેતાલીસનાં મુક્તા માસી પણ કરી શકે એની વાત કરું છું.
ન સંતોષા, ભૂખ્યો જ રહે. જો આપણને સંતોષી જ બનાવવા હોત તો એણે આટલું
લખલુંટ, ખૂટાડ્યું ન ખૂટે એટલું આપણને કોઇ દિ’ પીરસ્યું જ ન હોત ને….હવે કે’ કરી
દીધીને લાલઘૂમ ધામધૂમ..!!