સાદું-સીધું

દૂધ પીવું જોઇએ

મને ઘણી વખત એમ થાય કે જો મને નથી ગમતું કોઇનું ‘સમજણ’ આપતું ભાષણ કે
લખાણ તો પછી મારે પણ એ કોઇને ન આપવું જોઇએ કે પછે એવું કશું ખોટું ચીકણી-ચીકણી
ભાષામાં બધાને ખબર જ હોઇ કે આવું-આવું કરવું જોઇએ એવું લખવું જોઇએ.
તો પછી શું લખવું!? કેમ કે શું છે કે માણસને બીજા પાસે સમજણનું પોટલું
ખોલવું બહું જ ગમતું હોય છે પછી ભલે ને એ પોટલું ત્યારે બંધ થયું એ પછી બીજા કોઇ
પાસે જ ખૂલવાનું હોય, એ વચ્ચે પોતાની ખાલી એ માળીયા પર પડ્યું રહ્યું હોય એનો
વાંધો નહીં!!
આજે દૂધ લઇને આવીને લખવા બેસાતો હતો ત્યારે હું આવું બધું વિચારતો
હતો. આમતો મારી લીંક તૂટી જાય એવું ખાસ કંઇ હોતું નથી પણ છતાંય ત્યારે હું સરસ
મજાની વિચારોની લીંકમાં હતો અને રૂમનો દરવાનો ખૂલ્લો હોવા છતાં કોઇએ એનાં પર
વાળેલી આંગળીનું હાડકું જરા-જરા અથડાવ્યું, મારી નજર લેપટોપની સ્ક્રીન પરથી એ ખૂલ્લા
દરવાજામાંથી દેખાતાં અડધા, જરા અંદરની બાજુએ ડોકીયું કરતાં, નમેલા એક આકાર પર પડી.
એ આકારને મરકતું મોં હતું, 17-19 વર્ષની રૂપાળી કાયા હતી, કપાળ પર
થોડો પસીનો અને શ્વાસોમાં થોડો હાંફ હતો, ખબર નહીં કેમ પણ એની એ ઉતાવળ એનાં પર જચતી
હોય એવું લાગતું હતું અને ખાસ તો એ લાગ્યું કે મેં એ આકારને પેલા પણ ક્યાંક જોયો
છે!
‘યસ, પ્લીઝ કમ ઇન’, આંખોમાં બે-ચાર પ્રશ્નાર્થનાં સ્માઇલી ટાઇપ કરીને
મેં એને આવકારી.
‘મારું નામ વાર્તા છે…..’, એણે બોલેલી આ પહેલી લાઇન પછી જ હું ખોવાય
ગયો હતો, એનાં બોલેલાં ત્યાર પછીનાં 6-7 વાક્યો મારા કાન પર પેલી વોટ્સએપમાં ડાઉનલોડ
થવાની બાકી હોય એવી ઇમેજની જેમ ધૂંધળા-ધૂંધળા અથડાતાં જતાં હતાં.
‘કોઇનું નામ વાર્તા હોઇ શકે!?’
ખેર, એ મને મારું દૂધની દૂકાનનાં રસ્તે પાછા આવતાં પડી ગયેલું પાકીટ
પાછું દેવા આવી હતી, થોડું ઘણું વધારાનું બોલીને પાંચ મિનીટમાં પોતાની થોડી ચંચળાઇ
અને થોડી ઇમાનદારી મૂકીને એ જતી રહી હતી.
અને પછી જ્યારે વળી મારી નજર લેપટોપની સ્ક્રીન પર પડી અને પેલી છૂટેલી
વિચારોની લીંક વળી જોડાઇ ત્યારે મગજની માલીપા 71 લાઇટ યર્સ દૂરનો એક તારો ટમ-ટમીયો,
ઝબૂક્યો..!!
કેમ કે જો પાંચ મિનીટમાં એક ‘વાર્તા’ મારા ઘરે આવીને મારું પાકીટ
પાછું આપીને મારામાં કોઇ ફ્રેશ આઇડીયા સ્ફૂરી જતી હોય તો પછી સમજણનાં કોઇ બોરીંગ,
મોનોટોનસ, ટીડીયસ, નકામા, બગાસા લાવે એવાં, બધાને ખબર જ હોય એવાં લેક્ચર લખવાં
કરતાં તો એક ‘વાર્તા’ કાફી છે!!