શેખચલ્લીનું એઠું

એ અને એનું ફ્રેન્ડ

પેલા તો એ એની જાતે જ આવતી હતી પણ વળી મને
થયું કે હાલ ને નથી બોલાવવી એટલે હું સૂતો-સૂતો એકાદું મુવી જોવા લાગ્યો, મુવી
ચાલે છે, ખાસ કંઇ દમ નથી કંટાળો આવે છે, પોપચા પર વજન વધે છે, એ મારા બેટા નમતાં
જાય છે. મને થયું, બહું થયું, લેપટોપને છાતી પરનાં ઓશીકા પરથી નીચે મુકી અને
ફાઇનલી એને બોલાવવાનું નક્કી કર્યું, કીધું; હાલ નીંદરડી હાલ..
આમતો મને હતું જ કે પહેલા મેં એને જરાક
હડધૂતી હતી એટલે હવે પાછી આવવામાં થોડા નાટક તો કરશે પણ એવું તો ચાલ્યા કરે…ફરી
કીધું; હાલ, નીંદરડી હાલ.. કોઇ જ જવાબ નહીં.
હું તો હજી હળવા મૂડમાં જ હતો, લાગ્યું
ક્યાંક ટ્રાફીક-બ્રાફીકમાં સલવાણી હશે, બસ આવતી જ હશે. પણ ના, ચાર-પાંચ મિનીટ થવા
આવી એનાં તો કંઇ ઠેકાણા ન’તાં.
હવે મને થોડી-થોડી મેટર સીરીયસ લાગવા
લાગી. આમ પણ ગરજે તો ગધેડાને પણ બાપ બનાવીને ફરતાં રહેતાં હોઇએ છીએ હેંને..! અને
અહીં તો આપણી બાજુથી જ કમંડળ નમ્યું હતું અને દાળ ઢોળાયેલી તો પછી એને સાફ કરવા
પોતું લેવા જવા આપણે જ દોટ મૂકવી પડે ને..! હવે જરા લાડથી કીધું; લે આ રહ્યો સાડા
ચારસો ગ્રામ થાક, હવે તો હાલ…હાલ નીંદરડી હાલ..
કંઇ પત્તો જ નથી. વળી અરજ કરી, અરજને
થોડું-થોડું કાકલૂદીનું સ્વરૂપ આપવાનું શરૂ કર્યું, પહેલાની બેરૂખા વ્યવહાર માટે
રીતસરનાં કાન પકડ્યા. પણ ના, દૂ..ર સુધી ક્યાંયથી આવતી ન દેખાય. હવે લાગ્યું કે
આજે ખરી રીસાણી..!
પછી વળી મને થયું કે આજે હવે ને મૌખીક
માફીથી ચાલે એવું લાગતું નથી એટલે મેં ફરીથી લેપટોપ ઓન કરી આ સોગંદનામું લખવાનું
શરૂ કર્યું છે કદાચ એનાથી થોડું વજન પડે.
અરે! હા, આ તૂક્કો કામ લાગતો હોય એવું
લાગે છે. જેમ-જેમ મારા એની સાથેનાં ઉધ્ધત વર્તનથી લઇને આવું બીજી વખત ન થવાની
મૌખીક માફી સુધીની વાત લખાતાં ગયા એમ-એમ એ મારી થોડી-થોડી નજીક આવવા લાગી. પહેલા
દૂર-દૂર જ્યારે એ દેખાય ત્યારે એનાં મોં પર મારા માટેની નારાજગીનાં ભાવો ચોખ્ખા
દેખાતાં હતાં પણ જેમ-જેમ હું આગળ-આગળ લખતો ગયો એમ-એમ એ એક-એક ડગલું મારા તરફ આવતી
ગઇ અત્યારે એ મરકતાં મોંઢે મારી બાજુમાં મારા ખભ્ભે પોતાનો ખભ્ભો ટેકવીને, વાળેલા
પગનાં ગોઠણ પર ટેકવેલી એની તીખી હદપચી આમથી-તેમ ફેરવ્યે રાખીને એકવાર લેપટોપની
સ્ક્રીન પર અને એકવાર મારી તરફ જોયા કરે છે.
અરે…આ કોણ?; મને પણ એની મારી સાથે આવી
આંખ ચોરવાની, આછું-આછું મલકવાની મજા આવતી હતી એટલે હું વધારે લખ્યે જતો હતો ત્યાં
જ મને દૂરથી બીજું કોઇક પણ આવતું દેખાયું, એટલે તરત મારાથી બોલાય ગયું, ‘આ વળી
કોણ?’
મારા લેપટોપની સ્ક્રીનને હળવેકથી બીડીને
પહેલી વખત મારી આંખમાં આંખ મીલાવી અને હળવેકથી પેલા નવા મહેમાન સામે જોઇને મને
કહ્યું, ‘આનું નામ સપનું છે, મારું ફ્રેન્ડ છે…’
બસ…….પછી તો આજે સવારે મોબાઇલનો રોજને
સેટ કરેલો સાડા છ નો અલાર્મ જ વાગ્યો…