ભેદી

એની એક શરત છે,

પહેલા તો મેં પણ બધાની જેમ પ્રાર્થના જ શરૂ કરી દીધી; શું કરું, એ જ
‘પ્રોગ્રામીંગ’ સેટ છે, જ્યારે તમારી ચેનલ ‘વી’ થાય એટલે ભગવાનને નામે બીલ ફાડી
એનાં સામે લાંબા થઇ જવાનું અને ‘સૌ સારાવાના થશે!’ લાઇનને ગોખી મારવાની..ઘરનું
મંદીર, સોસાયટીનું મહાદેવનું મંદીર, નદીની પેલી બાજુનું માતાજીનું
મંદીર..જ્યાં-જ્યાં પણ જ્યારે-જ્યારે જવાનું થયું ત્યારે-ત્યારે ત્યાં-ત્યાં ‘હવે
તો વરસાદ વરસાવો’ ના ચિત્કાર-ફિટકારનું બ્રોડકાસ્ટ કરતો આવ્યો.. છાપામાં વાંચ્યું
કે ક્યાંક ફલાણો હવન કર્યો છે વરસાદને ‘રીઝવવા’ માટે, નો ડાઉટ..જઇ આવ્યો, બધાની
સાથે હાથે પેલી લાલ નાડાછડી બાંધી આવ્યો..કંઇ ન વળ્યું..વરસાદ ન આવ્યો..
હવે વારી હતી, એઝ ઓલ્વેઝ, ગુસ્સે થવાની, પહેલા પોતાના પર, ‘આપણે
સાલ્લાઓને ક્યાં બુધ્ધી જ છે, આજે વરસાદ નથી પડતો ત્યારે ખબર પડે છે પણ જ્યારે
ક્યાંય પણ જરાકે એકાદું પણ ઝાડ નળ્યું કે ફટાક કરતું, સવારથી સાંજ સુધીમાં ગમે
એટલું જૂનું કે મોટું ઝાડ 72 કટકામાં વિભાજીત કરીને ટ્રેકટરમાં રવાના કરી દઇએ; આજે
જ્યારે ચોમાસાને ત્રીજો મહિનો બેસી ગયો ત્યારે ભગવાન પાસે ભીખ માંગતાં, પેટ્રોલમાં
40 પૈસા વધવાનાં હોય એની આગલી સાંજે પંપે લાગતી વાહનોની લાઇન જેવી લાઇનો લગાવીને
ઉભા રહી ગયા છીએ..’..કંઇ ન વળ્યું..વરસાદ ન આવ્યો..
હવે વારી હતી, એઝ ઓલ્વેઝ, ગુસ્સે થવાની, હવે વરસાદ પર, ‘એમ નહીં, મને
તો એ નથી સમજાતું કે આવું બને કે આપણા સીટીનાં એર્યા પરથી એની રેડીયસ શોધી એનાં
જેટલા સર્કલમાં વરસાદે નહીં પડવાનું નક્કી કર્યું હશે હેં??! નહીં તો સાલ્લો આ સાવ
નજીકનાં ગામડાઓમાં પડે અને આપણા સીટીમાં ન પડે એવું કેમ બને??! મને લાગે છે કે
કૃત્રિમ રીતે વાદળા બનાવી વરસાદ પાડવાનું કંઇક સંભળાતું હતું એવું ચાઇનાવાળાઓએ
કંઇક વિકસાવી જ લીધું હશે, એમની સાથે સેટીંગ કરીને આપણે પણ આ વરસાદને મોનોપોલીની
જે હવા ઘૂસી ગઇ છે એ કાઢી નાખવી જોઇએ..શું કે’શ તું?’..કંઇ ન વળ્યું..વરસાદ ન
આવ્યો..
એક દિ’ સવાર-સવારમાં ધડબડાટી અવાજે મને જગાડી દીધો, પહેલા તો કંઇ ન
સમજાયું પછી વિજળીનાં એક મોટા કડાકે બધું ક્લીયર કરી દીધું..વરસાદ આવ્યો..વરસાદ
આવ્યો..!!
રાતે વળતી જતી ઠંડીથી ક્યારે ઓઢાય ગયેલી એ ખબર ન’તી એ ચાદરને ફટાફટ
ખૂદ પરથી ફગાવીને ગેલેરી તરફ દોડ્યો. બહાર ઉગેલા છતાં ગેલેરી સુધી લંબાઇ ગયેલી
ડાળીઓ પરનાં આસોપાલવનાં પાંદડા પર મોટી-મોટી બૂંદોનો એ એકધારો પછડાટ મારા કાનમાંથી
થઇને, લાંબા સમયથી રાહ જોતી સૂકી માટીની એ ભીની મહેક સાથે પીઝા પર મોઝરેલાં ચીઝની
જેમ ભળીને, મારા દિમાગ સુધી પહોંચે એ દરમીયાન મારી હમણા જ ખૂલેલી આંખોની કીકીઓ પણ
સામેની વસ્તું પરથી પરાવર્તીત થઇને આવતા પ્રકાશ કિરણોને નેત્રપટલ પર યોગ્ય રીતે
પહોંચાડવા પોતાની કેન્દ્રલંબાઇ બરાબર સેટ કરી ચૂકી હતી…
માય ગોડ.. “છેલ્લા આઠ કલાકથી આરામ જ કરતી હોવા છતાં હજી કેમ બરાબર કામ નહીં આપતી
હોય?” આ સવાલ મને મારી આંખની ફંક્શનાલીટી પરથી મારા મનમાં ઉદભવ્યો. પણ
અગેઇન માય ગોડ.. મારી આંખો બરાબર હતી, સાચી હતી..
સામેની અગાસીમાં તું, પાણીથી લથબથ, તારી ચામડીને ચસચસાવી બાથ ભરી
ચૂકેલાં અને ખબર નહીં, તને પીને કે પછી વરસતાં વરસાદનાં પાણીને પીને તારી ચામડી
જેવાં જ અર્ધપારદર્શક થઇ ગયેલાં સફેદ કૂર્તા-પેજામામાં આકાશ સામે ખૂલ્લા હાથો અને
બંધ આંખોએ ગોળ-ગોળ ચકરાવા લેતી દેખાય..
હું ત્યારે કંઇ વધારે સમજવાની પરિસ્થિતિમાં ન હતો પણ એટલું સમજી ગયો
કે અત્યાર સુધી એ વરસતો શું કામ ન હતો..!