થોડું કડછું

‘એકસ્ટ્રા સ્પાઇસી હોં, છોટું!’

ચલ હટ્ટ, તારા જેવા લુલાઓ માટે નથી આ,
જરા અમસ્તા છરકે રડી પડતાં,
જરા અમસ્તા ઝઘડે લડી મરતાં,
પેલાને બાળીને બાજુમાં ઊભા-ઊભા ચૂનો ચોડતાં ડાઘૂ, તારા માટે નથી આ,
કો’કની હસીએ બડી મરતાં,
કો’કની ઘડી-ઘડી સડી કરતાં,
‘મોટું’ બનવા જાતે જ ઊભા કરેલા રાવણને નાથનારા કળીનાં રઘુ, તારા માટે
નથી આ,
હસતાં, કોઇકને જોઇ ‘ખરી’ પડતાં,
હસતાં ખૂલીને ચાર વાર વિચાર કરતાં,
માપી-તોપીને સંબંધોને પણ ઇલેક્ટ્રીક કાંટે તોલનારા કાકુ, તારા માટે
નથી આ,
ધમાલ કરતાં,
આમથી તેમ વહેતાં,
વહેંચતાં રહેતાં,
ધીમા પડતાં,
હાથ ઝાલતાં,
મલકી-મલકાવી જાણતાં,
ખભે જૂકી શકતાં,
ગાળ દઇ પપ્પી લઇ જતાં,
પૂછતો’તો ને, ‘મારા માટે નથી તો પછી કે’તો કેમ નથી કે કોના માટે છે?’
તો લે, જિંદગી આવા માટે છે લાલુ, તારા માટે નથી,
તું જા અને તારા એ તીખા બ્રેડ કટકાં ખા.