સ્વાભાવિક

ફરી એકવાર.

‘ફરી એકવાર’, શું તને પારંગત બનાવશે તો કે’ આ- ‘ફરી એકવાર.’
કંઇક કર્યું, હા કર્યું. પણ બસ કર્યું? એને પૂરું કર્યું? પૂરું એટલે
ખલ્લાસ, સંકેલો, શટર પાડવાવાળું પૂરું નહીં ડોબા, પૂરું એટલે પતાવવાવાળું, સંપૂર્ણવાળું
પૂરું, અંદરથી આવે કે વાહ! એ વાળું પૂરું. કોઇ સ્પેસીફીક કામની વાત નથી થતી કે
ખાતું ખોલવાનું કામ, રસોઇ કરવાનું કામ, દાઢી કરવાનું કામ; અને ભૈ મારા જેવા
‘દુર્વિચારી’ઓ માટે કહી દઉં, આ પેલા ‘કામ’ની પણ વાત નથી(અહીંથી કેટલાએ વાંચવાનું
બંધ કરી દીધું, ક્યો તો મને?!) વાત છે શ્વાસ લેવાના કામની, વાત છે ઘાસ કાપવાનાં
કામની, વાત છે દાત ખોતરવાના કામની….ઢગલાબંધ આવા કામો કરતા હોઇશું આખા દિવસમાં
હું અને તું, બસ આવા કામોની વાત છે.
હું આ શબ્દમાં નથી માનતો, ‘માસ્ટર.’ માસ્ટરી એટલે શું? આ પેલા રાત્રે
બાર વાગ્યા પછી ચેનલ પર આવતા બાબાની સ્પીચ જેવી વાત છે, ‘સબ મિથ્યા હૈ|’ ચલ એક વાત
યાદ આવી એ તારી સાથે શેર કરું, મને એ કે’ કે, એક દસ બાય દસનાં રૂમમાં એક લાઇટ
ચાલું છે, પ્રકાશ આવે છે, બીજી લાઇટ ચાલું કરી વધું પ્રકાશ આવે છે, દસમી લાઇટ કરી,
ઘણો-ઘણો વધારે પ્રકાશ આવે છે, મને કહી શકીશ આ પ્રકાશ કેટલી લાઇટ મુક્યે રાખીશું
ત્યાં સુધે વધ્યે રાખશે?
બસ, કંઇક કર્યે જવાનું પણ આવું જ છે, તમે કંઇક કરો છો, એ થાય છે, તમે
એને ફરી એકવાર કરો છો, એ થોડું સારી રીતે થાય છે, તમે ફરી-ફરી-ફરી કર્યે જાઓ છો, એ
વધું-વધું-વધું સારી રીતે થતું જાય છે. આમા ક્યાંય આવ્યું માસ્ટર થવાનું! ના, ચીજ
કરવી, કરતી રહેવી, એમાં પારંગત થવું એ અસીમ છે. એમાં ટારગેટ પોંઇન્ટ ન હોય કે
ત્યાં સુધી પહોંચવાનું આ અનુભવ અફાટ છે.
એમ માનવું બિલકુલ ડખાગ્રસ્ત વસ્તું છે કે, ‘બાપુને ‘આ’ તો એટલું ફાવે,
એટલું ફાવે કે છોકરું સૂસૂ કરે એ પહેલા બાપુ ‘એ’ કરી દે, બોલો!’ આવું કશું નથી
હોતું. પેદા થયાં તે દિ’ના ખોટું
બોલતાં આવ્યા છીએ છતાં કોઇક તો એવું મળી જ જાય કે જે ફટાક કરતું કહી દે, ‘જાવા દે
એય, ખોટાડા..’
‘પહેલા કરતાં સારા બન્યા છે નહીં’ આથી મોટી આલુપરોઠા માટે કોઇ કોમેન્ટ
ન હોય શકે, ‘કાલ કરતાં થોડું વધારે તરાયું’, ‘ગયા મહીના કરતાં ઓછું બિલ આવ્યું’, ‘કાલ
કરતાં એક ફાકી(માવો!) ઓછો ખાધો.’
ફરી કર્યે રાખવું, ફરી-ફરી કર્યે રાખવું એ ફૂગ્ગામાં મોંથી હવા ભરવા
જેવી વાત છે, જેમ જેમ વધારે હવા ભરતા જઇએ એમ એમ અંદર વધતી જતી હવા બહાર આવવા વધારે
જોર કરવા લાગે અને આમને આમ વધારેને વધારે હવા ભરવા વધારે ને વધારે જોર કરતાં જવું પડે.
સો વાતની એક વાત કરીએ તો બસ, ‘ફરી એકવાર.’