ભેદી

ફિંગર્સ ક્રોસ્ડ..!

આમતો સપનાં મને યાદ નથી રહેતાં અને હાલમાં મને કંઇ કલેક્ટ કરવાનો
શોખ પણ નથી પણ પહેલાં હતો, મેં અમુક કી-ચેઇન કલેક્ટ કરેલાં અને પછી થોડા-ઘણા કોઇન
કલેક્ટ કરેલાં. કી-ચેઇન તો ધીરે-ધીરે ઓછા થઇ ગયા પણ કોઇન હજી પ્લાસ્ટીકની ડબલીઓમાં
ભરેલા રાખેલા છે.
તો હવે તને એમ થશે કે સપનાં યાદ ન રહેવા અને વસ્તુ કલેક્ટ કરવાનાં શોખ
સૂકાય જવાની વાતને ક્યાંથી સાથે રજૂ કરવાની જરૂર પડી?!
હવે એમાં એવું છે કે જે થોડા અમુક મને આવેલાં સપનાં યાદ રહે છે એમાંથી
ઘણા ખરા જમીનમાંથી જૂના જમાનાનાં પૂરાના સિક્કાઓનાં મળવા વિશેનાં હોય છે અને એ પણ એક-બે
સિક્કા નહીં, ઘણા બધા સિક્કાઓ, ધૂળ-માટી વચ્ચેથી ડોકીયું કરતો એકાદો સિક્કો કાઢું
ત્યાં એની નીચેથી, આજુબાજુમાંથી બીજો-ત્રીજો એમ ઘણા સિક્કાઓ મને મળતાં જતાં હોય એવા
સપનાઓ મને ઘણા આવતાં હોય છે..બંધ આંખોને જવા દઇએ તો ખૂલ્લી આખે મને યાદ છે ત્યાં
સુધી મને એકાદ વખત જ, એકાદો સિક્કો મળેલો છે.
જો કે મેં, આ સપનાઓનાં આપણી સાથેનાં સંબંધ વિશે પહેલાં ક્યારેય
ઉંડુ તો વિચાર્યું નથી પણ એમ લાગે છે કે,
સાલ્લુ હજું બાકી છે,
કંઇક તાળાઓનું ખૂલવું હજું બાકી છે,
કંઇક ઘૂનાઓમાં ડૂબવું હજું બાકી છે,
એ…આઘેનાં તારાનું તૂટવું હજું બાકી છે,
અરે અમુક તો દરવાજાનું મળવું જ હજું બાકી છે-
આંખો બીડી દીધી છે, ખબર નહીં આજે કદાચ ક્યાંકથી કી-ચેઇનનો જથ્થો મળી
જાય….!! ફિંગર્સ ક્રોસ્ડ..!