શેખચલ્લીનું એઠું

ગરમીની પાતળી હવા..!

હમણા ભારે તડકા પડે છે એટલે શું થાય કે ગરમીની હવા
પાતળી થઇ જાય અને બપોરનાં વખતમાં આ તોફાની પાતળી હવા ક્યારેક વંટોળે ચડી જતી હોય
છે, આજે બપોરે પણ કંઇક આવું જ બન્યું.

થયું
એવું કે બરાબર હું ઉંબરા પર એક ઉભો હતો. મારો એક પગ બારણાની આ બાજુંના રૂમમાં અને
બીજો પગ બીજા રૂમમાં હતો, ખબર નહીં અચાનક જોરદાર હવાની થપાટ આવી કે હજી તો હું
મારો પગ ઉંચકીને એક બાજુ લેવાનું વિચારું એ પહેલા તો બારણું મને એકદમ ઝડપથી મારા
પગનાં વધી ગયેલા નખ તરફ ધસી આવતું દેખાય ગયું. ભલે મને એટલો સમય ન મળ્યો હું કે
મારો પગ ઉંચકી લઉં પણ દિમાગ એવી ચીજ છે ને દોસ્ત કે જેની ઝડપ અકલ્પનીય છે એટલે હજી
એ બારણું હકીકતમાં મને અડકે એ પહેલા જ મેં બારણાને મારી તરફ આવતાં અને મારા પગનાં
ઉખડી ગયેલા નખની સાથે નખની કોરમાંથી બહાર ડોકીયું કરતાં લોહીનાં તસીયા સુધીનો
વિડીયો સ્લો મોશનમાં જોઇ લીધો અને તરત જ મેં કસ-કસાવીને આંખો બંધ કરીને એ વિડીયોને
લાઇવ જોવો ન પડે એની તૈયારી કરી લીધી.

પણ….આ
શું? હજી સુધી બારણું મારા સુધી નહોતું પહોચ્યું!? ખાસ્સો સમય જતો રહ્યો હોય એવું
મને લાગ્યું; મેં ધીમે-ધીમે જરા-જરા આંખો ઉઘાડી. પહેલ-વહેલાં મારા એ વધી ગયેલા
નખને સહી-સલામત અંગૂઠા પર બરાબર જગ્યાએ જોઇ લીધો, નિરાંત થઇ અને નક્કી કર્યું કે
અત્યારે જ  નેઇલ-કટર શોધીને પહેલાં આ નખ
કાપી લઉં. પણ પછી તરત જ થયું કે જો બારણું મારી સાથે ન ટીચાયું તો ગયું ક્યાં!?

અરે…આ
શું? ત્યાં તો મને બીજો જટકો લાગ્યો..! એ બારણું તો બરાબર મારા નાકની ડાંડીએ આવીને
બંધ જ થઇ ગયું હતું, પણ તો હું ક્યાં હતો? એ બારણું ક્યાં હતું? એ મારી સાથે
અથડાયું કેમ નહીં?

મને
કંઇ જ ખબર ન પડી પણ મગજ થોડું ધ્રૂજવાનું ઓછું થયું એટલે મને મારી બંને આંખમાથી
દેખાતાં ચિત્ર પર થોડી શંકા ગઇ. મને લાગ્યું કે મારી એક આંખ કંઇક બીજું દ્રશ્ય
મારા નેત્રપટલ પર રીફલેક્ટ કરતી હતી અને મારી બીજી આંખ કંઇક બીજું ચિત્ર દેખાડતી
હતી..?!? આ શું થતું હતું…?!?


બારણું મારા સોંસરવું થઇને, મારા બરાબર અડધા ભાગ કરીને બંધ થઇ ગયું હતું અને મારી
એક આંખ એ બારણાની એક તરફ હતી અને બીજી આંખ બારણાની બીજી તરફ હતી. આવું કેમ થયું એ
વિચારવા કરતાં મને એ સમયે મારી આંખ જે જોઇ રહી હતી એની એનેલાઇઝ કરવામાં વધારે રસ
પડ્યો.

મારી
ડાબી આંખે મેં જોયું કેં હું એક ત્રણ તરફથી નાની-નાની, ઘાંસના લહેરાતાં તણખલાંઓથી
ઢંકાયેલી, ટેકરીઓથી ઘેરાયેલા હલકા-હલકા સૈલ્લારા લેતાં, ચોખ્ખા-ચણાક, આછાલીલા
રંગનાં કાચ જેવાં પાણીનાં સરોવરમાં એક નાવડીમાં, ઉંચક-નીંચક થતા પાણી સાથે
ઉંચક-નીચક થતી નાવડીમાં ઉંચક-નીંચક હિંચકોલાં ખાતો એ સરોવરની ચોથી બાજુનાં ખૂલ્લા
મેદાનમાં દૂર ઉભેલા કોઇ આકારને જોઇ રહ્યો હતો…

અને
એની સાથે-સાથે જ મારી જમણી આંખે મેં જોયું કે હું બધી બાજુએથી ઉંચા-ઉંચા
બિલ્ડીંગ વચારે કોઇ સિંહણનાં ટોળા વચ્ચે ફસાય ગયેલાં હરણીનાં બચુંકલાં બચ્ચાની જેમ
એ સિંહણો જેવાં ઉંચા-ઉંચા બિલ્ડીંગ વચ્ચેથી એકાદો રસ્તો ગોતીને ભાગી જવા ડાફોળીયાં
મારતાં એ બચુંકલા જેવી એક ફિક્કી પડી ગયેલી ત્રણ માળીયા ઇમારતની ત્રીજા માળની બાલકનીમાં
ઉભો હતો અને મારી નજર સામેની આખે-આખી કાચની બનેલી સત્તરમાળની બિલ્ડીંગનાં કદાચ
બારેકમાં માળે અધખૂલ્લા કાચમાંથી દેખાતાં એક આકાર પર સ્થિર હતી…

મને
કંઇ જ ન સમજાયું, મેં મારી બંને આંખો ફરીથી કસ-કસાવીને બંધ કરી લીધી…આઉચ…બારણું
એકદમ જોરથી મારા અંગૂઠા સાથે અથડાયું, મારો નખ ઉખડી ગયો અને નખની કોરની બહાર પેલું
લોહિનું તસીયું ડોકીયું કરી રહ્યું હતું…….!!!