ધક્કો મારશે

હાં, તોયે…

આ ભગવાનનાં મંદિરમાંથી સોનાનાં સાત છત્રની ચોરી, પેલા ભગવાનનાં વાઘા
સહિત ચોર આરતીનો સામાન સુધ્ધા ચોરી ગયા, પેલા મંદિરની દાનપેટી ફાડીને સિક્કે-સિક્કાની
ચોરી; હું પણ વાંચતો હોઉં છું આવું બધું, મને પણ થતું હોય છે કે આ ભગવાન શું કરવા
બેઠો છે. એને શું કંઇ ફરક જ નથી પડતો? અને જ્યારે થોડો વધારે સમય હોય થોડું વધારે
ઉંડું વિચારાય જાય તો ત્યાં સુધી પણ પહોંચી જવાય કે, ખરેખર ભગવાન જેવું કશું છે કે
બસ એમ જ?!!
છતાં માનો કે ન માનો એની સામે આવું છું ત્યારે આવી દલિલો, આક્ષેપો
બધું, ખબર નહીં કઇ મોગલીની ચડ્ડીનાં ખિસ્સામાં જતું રહે છે પણ હું એની સામે નમી પડું
છું મને બીજું કંઇ ખાસ સૂજતું નથી. મને નથી લાગતું કે આવું એટલું થતું હોય કે
મારામાં પહેલેથી જ આવું કરવાનો પોગ્રામ ફીટ કરાયેલો છે એટલે હું આવું કરી જાવ છું
પણ મને લાગે છે કે હું આવું એટલે કરી જાઉં છું કે મારે મને એ યાદ કરાવડાવવું છે કે
હું અહીંનો શહેનશાહ નથી.
એનું કારણ છે કે હું મારી જાતને ક્યારેય કોઇ  શહેનશાહથી કમ નથી આંકતો એની પાછળ પણ એક કારણ છે
કેમ કે, હું છું, હું ચક્રવર્તી છું. મને પસંદ છે આવું માનવું, વિચારવું, બોલવું,
મને અભિમાન છે. પણ છતાં હું ઇચ્છું કે, હું એની સામે નમી પડું. મને ઘૂંટણીયે પડી, એનાં
પગનાં અંગૂઠા પર મારું કપાલ અડકાવવું ગમે છે, મને એની સામે, મારા જાતે જ ભીનાં થઇ
ગયેલાં આંખનાં ખૂણા આંખની પટપટથી ક્યારેક ખરી પડે એ પસંદ છે, એણે મને જે આપ્યું છે
એના પરથી એને મન મારી લાયકાત અને હું જે કંઇ પણ કરું છું એના પરથી મારે મન મારી લાયકાત,
ગંગા અને ખોખરદડી જેવી વાત હોય એ મને પસંદ છે.
ફરી મને વિચાર આવે છે, છત્ર ચોરાવા, દાનપેટીઓ ફાટવી, મંદિરો તુંટવા એના
પરથી ભગવાન છે કે નહીંની ચર્ચા કઇ રીતે થઇ શકે કેમ કે આ બધું ભગવાનનું રચેલું
ક્યાં હતું, ભગવાનનું ઇચ્છેલું ક્યાં હતું. ભગવાનનું રચેલું છે, પેલું નાનકડું બાળ
અને એની બોખી હસી, પતંગિયાની રંગબેરંગી પાંખો, જોતાં જ સોસરવી અંદર ઉતરી જતી વિજળીની
લાઇનો, ભગવાનનું ઇચ્છેલી છે, ચંદ્રની કળાઓ, ફૂલોની સુગંધો, મેઘધનુષની છટાઓ.
બદલે છે આમાંથી ક્યારેય કશું? ક્યારેય આમાં ઓટ આવી? કોઇનાં બાપનાં
બાપથી આમાંથી કંઇ ચોરાયું?
કુદરત શું છે ખબર છે, ઉં…ચા પહાડની નાનકડી કોતરમાંથી, મુઠીમાંથી
સરકી જાય એવડું પતલું અમસ્તું ઝરણું નીચે પહોંચતાં-પહોંચતાં નાના-નાના જળ
બિંદુઓનાં ફોરામાં રૂપાંતરીત થઇ આપણી પાંપણ પર બેસી જાય ત્યારે અંદર જે કંઇ થાય એ
કુદરત, જ્યારે મોલની બરાબર વચ્ચે, આસપાસથી પસાર થતાં લોકોની વચ્ચે કોઇની રાહ જોતાં
ઉભાં હો ત્યારે જ બરાબર તમારા પેન્ટની ઘડી પકડીને કોઇ ખેંચે અને પછી તમારી આંગળી
પકડીને, પોતાના સગા સમજીને રોંગ નંબરે પહોંચી ગયેલું એ બાળક ઉંભું રહી જાય અને તમારું
મોં ખીલી ઉઠે એ કુદરત!
આવી કુદરતને આકાર અને નામ આપ્યું તો એ ભગવાન બની ગઇ બાકી એને છત્ર,
દાનપેટી, પ્રસાદનાં ભાવ સાથે કોઇ જ સંબંધ નથી. તો હું ફરી છાપામાં મંદિર
લુંટાવાનાં સમાચાર વાંચીશ, ટીવીમાં ‘હાં યે કલીયુગ હૈ’નાં સમાચાર જોઇશ; હાં, તોયે
ફરી નમી પડીશ.