દિલફેક

હા.

મારી પાસે સૂવા માટે પોચું ગાદલું છે,
મારી પાસે ગીફ્ટમાં મળેલું કાળું ચમકતું વોલેટ છે,
મારી પાસે ડબલ સ્ટ્રેપવાળી લેપટોપ બેગ છે,
મારી પાસે મોબાઇલ અને લેપટોપને જોડતો ડેટા કેબલ છે,
મારી પાસે મિત્રોના નંબર સેવ કરેલો ચાર્જ્ડ મોબાઇલ ફોન છે,
મારી પાસે અત્યારની હળવી-હળવી ઠંડીમાં એને ઓઢીને ઢબોરી જઇ શકાય એવી
રજાય છે,
મારી પાસે મસ્ત-મજાનું કાનમાંથી અંદર ક્યાંક ઉતરી જતું મ્યુઝીક છે,
મારી પાસે કીબોર્ડ પર સટાસટ ઘૂમતી, દાંતેથી કાપેલા આડા-અવડા નખો વાળી
દસ-દસ આંગળીઓ છે,
મારી પાસે મારી ફેમિલીનાં દિવાલ પર લટકતા-ચોંટાડેલા અલગ-અલગ જગ્યા અને
અલગ-અલગ સમયના પીક્ચર્સ છે,
મારી દિવાલ પર 60 હર્ઝ્ટ્સનાં એ.સી. કરંટ પર ઝળઝળી ઉઠતી 60 વોલ્ટની
લાકડી કે જે ટ્યૂબ-લાઇટ તરીકે પણ ઓળખાય છે એ પણ જડેલી છે,
મારા એક નસકોરામાંથી અંદર જતી અને કંઇ-કેટલીય જટીલ પ્રક્રિયા પછી બીજા
નસકોરામાંથી ઓક્સીજન ગળાયને બહાર આવતી હવા મારી આસપાસ છે,
મારાથી એક રૂમ દૂર મારા સૌથી વ્હાલા બે લોકો, મારા મમ્મી-પપ્પા,
આરામથી સૂતા છે,
મારું પેટ પૂરતું ભરેલું છે,
મારી આંખો આરામથી ખૂલી-બંધ થઇ શકે એટલી મને નીંદર આવે છે,
ઇન્ટરનેટ પર પોર્નથી લઇને પીક્ચર્સ ઓફ ન્યુ બોર્ન મારાથી એક કી-પ્રેસ
દૂર છે, (જો કે થોડા દૂર પણ ખરા કેમ કે મારી પાસે ડાયલ-અપ કનેક્શન છે!)
મારી છાતીની અંદર, ડાબી બાજુએ કોઇ ડરપોક સતત ધ્રૂજી રહ્યું છે,
મને કૂદરત પસંદ છે,
અને એટલે શંકા નથી કે એ જો મને પોતાને પસંદ કરવા દેતી હોય તો એ પણ મને
પસંદ કરે છે,
હું બધાની સામે આવડે એવું બિન્દાસ્ત નાચી શકું છું,
હું વ્યક્ત થઇ શકું છું,
હા, હું નશીબદાર છું.