આવું હોતા હશે, હંહ!

હજું હવામાં છે-

એ ટેબલ પર હજું થોડી ઉંચી ગઇ, છત પાસે પડતા વેન્ટીલેટરમાંથી અંદર જોવાની એની તૈયારી હતી. એણે બહું જ ઓછા સાફ થતાં અને ઘરની પાછળની બાજુએ પડતાં વેન્ટીલેટરની ફ્રેમ પર એની પહેલી ત્રણ આંગળીઓનાં પહેલાં-પહેલાં ટેરવા મૂક્યાં ત્યાં જ એ ફ્રેમ પર જમા થયેલી ઝીણી-ઝીણી ધૂળ-રજની કૂણી ચાદરમાં એ એકદમ આરામથી અંદર ધસી ગયા.

એ ટેરવા તો જાણે કોઇ પોતાની જાતને ઇરાની મલમલની કાર્પેટ પર ધીમે-ધીમે રહીને અંદર હળવેકથી મૂકતો જતો હોય એમ એ ઉતારતાં ગયા પણ એમને ક્યાં ખબર હતી કે અત્યારે એમની માલકીન એટલે કે એ છોકરી, એ ટેરવાઓની માલકીન શું વિચારીને એ ફ્રેમનાં ધૂળનાં અસ્તરો પર એમને ઇરાની મલમલી કાર્પેટનો અનુભવ લેવડાવી રહી હતી, એમને તો જોકે એવી કોઇ પરવાહ પણ નો’તી અત્યારે તો એ બસ ત્યાં ફ્રેમ પરની ધૂળમાં આરામથી મ્હાલી રહ્યા હતાં!

એકદમ જ ધીમે, વિના કોઇ જ અવાજ કર્યે એ છોકરી એ ટેરવાઓનાં ટેકે ટેબલ પર ધીમે-ધીમે જરા-જરા ઉભી થતી ગઇ. કદાચ આમ કરતી વખતે એણે પોતાનાં શ્વાસ પણ રોકી લીધા હતાં કેમકે એ બિલકુલ સાવ જરા પણ અવાજ થવા દેવા માંગતી ન હતી.

એ અત્યારે એવું વિચારતી હતી કે કોઇ પેરીસ્કોપની જેમ કદાચ એ પોતાની બંને આંખને કાઢીને 45 ડીગ્રીનાં એંગલ પર એવી રીતે ત્યાં વેન્ટીલેટરનાં બે ત્રાસી કાચની સ્લાઇડ વચ્ચે ગોઠવી દે કે જેથી એને રૂમની અંદરનું દ્રશ્ય જોવા પોતાનું આખું માથું ત્યાં લઇ જવું ન પડે! પણ જ્યારે એને ભાન થઇ કે સાલ્લું એમ કરવું પોસીબલ નથી ત્યારની એની નાલેષી એનાં ચહેરા પરનાં ડર, તકેદારી, જીજ્ઞાસાનાં બદલાતાં જતાં હાવભાવ વચ્ચે પણ એક વખત દેખાઇ ગયેલી.

પણ હવે જે પોસીબલ જ નથી એની પાછળ રોવા કરતાં સેકન્ડ બેસ્ટ ઓપ્શન પર કામ શરૂ કરી દેવું જોઇએ, એવું એનાં માસાની એકવખત આપેલી સ્પીચ પરથી શીખેલી છોકરીએ ધીમે-ધીમે રહીને પોતાનું માથું વધારેને વધારે એ વેન્ટીલેટરની ફ્રેમ તરફ ઉપરની બાજું લસરાવવાનું ચાલું રાખ્યું.

એંને પહેલેથી ખબર હતી કે એ જે ટેબલ પર ચડી ‘તી એનો એક પાયો વર્ષોથી ત્યાં ખૂણામાં પાણીમાં પડ્યો-પડ્યો ખવાઇ ગયો હતો અને એ ચોપગા પ્રાણીની ચાલ હવે લંગડી થઇ ગઇ હતી. પણ કદાચ એનાં રોકેલાં શ્વાસને લીધે એનાં દિમાગ સુધી પૂરતો ઓક્સીજન નહીં મળવાને લીધે એ આ વાત ભૂલી ગઇ હશે પણ હજી સુધી આ વાતનું એ ટેબલને વધારે ખોટું લાગ્યું હોય એવું લાગતું ન હતું.

પણ એ વેન્ટીલેટરની એકબીજા પર ત્રાસી ગોઠવેલી છ કાચની સ્લાઇડમાંથી સૌથી નીચેની સ્લાઇડને તો તરત જ ખોટું લાગી ગયું!! કદાચ એને પોતા પરથી એ છોકરીએ ઇરાની મલમલની ચાદર દૂર કરી એ જરા પણ ન ગમ્યું.

અંદર શું ચાલે છે કે જોવાની તાલાવેલીની તપીશ પર એ વેન્ટીલેટરની છેલ્લી કાચની સ્લાઇડ પર જામેલી ધૂળ નાખીને થોડી ઠંડક મેળવવાનું જેવું પેલી છોકરીએ નક્કી કર્યું કે તરત જ એ કાચની છઠ્ઠી સ્લાઇડ એ ફ્રેમમાંથી અંદરની બાજુએ લસરી અને વેન્ટીલેટરની આ બાજુ-બહારની બાજુ પેલા ટેબલ નામનાં ચોપગા પ્રાણીએ પણ એ છઠ્ઠી સ્લાઇડનાં આ મટીરીયાલીસ્ટીક વર્લ્ડને અલવિદા કહેવાનાં એક્ટ પરથી ઇન્સપાયર્ડ થઇને એણે પણ ધડાકા સાથે, હસતાં-હસતાં એ ફાની દુનિયાને પેલી છોકરીને હવામાં કંઇક અલગ જ મુદ્રામાં અધવચ્ચે મુકીને છોડી દીધી.

અત્યારે એ છોકરી હવામાં છે અને એ વેન્ટીલેટરની છઠ્ઠી કાચની સ્લાઇડ અને ઘણું-ઘણું જોઇ ચૂકેલાં એ બૂઝુર્ગ ચોપગાં પ્રાણીની આત્મારૂપી જ્યોત એકબીજા સામે મરકતી મરકતી ઉપરની દીશામાં ત્રાસી-ત્રાસી સરકતી જાય છે.

વેન્ટીલેટરમાંની ફ્રેમમાં હવે પાંચ જ કાચની સ્લાઇડ બચી છે અને ફ્રેમ પર એ છોકરીનાં હાથની પહેલી ત્રણ આંગળીઓનાં પહેલાં-પહેલાં ત્રણ ટેરવાઓની છાપ અકબંધ છે. અંદર શું ચાલતું હશે, હવે શું થશે એ વિચારે એ છોકરી હજું હવામાં છે-