આવું હોતા હશે, હંહ!

હેંડ-રાઇટીંગ પણ કંઇ ખાસ ન’તાં

ખબર નહીં ક્યાંથી, મારું બેટું-

બસ આવી ચડ્યું એક માકડું

અહીં કૂદે, ત્યાં જૂલે, ગોળ ઘૂમે

થયું આનું કરવું શું હવે?

નાનું અમથું, લાગે ભોળું, ગોળ-રાતું મોખડું, લાંબુ-લીસું પૂંછળું

પે’લા થયું હવે હશે, જશે એની મેતે

માકડુંતો પણ સાલ્લું ચડ્યું ગમ્મતે

આવી ગયું જાતે; હું કરું તે કરે, હું કરું તે કરે, હું કરે તે

વારાફરતી બંને હાથે આંખો, કાનો, મોંઓ બંધ કર્યા, માંકડાએ કર્યા

સીટી-લાત-આંખ મારી, શીર્ષાશન કર્યું બે મિનીટ એકધારી

માકડું બધું કરી જાણે બોલ્યું, ‘અલ્યા, આવું સહેલું! તે પણ ખરી કરી!’

માકડું તો હજી તૈયાર હતું, મેં હાર માની

હવે એણે પોતાનાં પેટની પરિસ્થિતિ મોંના હાલથી જણાવી

મને થયું એને ભાવશે, લઇ આવ્યું હું તો ગોળ,કાળ તલની સાની

હાથમાં લીધું, નાકે લઇ જઇ સૂંઘ્યું

જીભનાં ટેરવી અંદર લીધું, ચગળ્યું, ચાવ્યું

મને લાગ્યું કે એને ભાવ્યું, મને ગમ્યું

થૂં…થૂં…

પણ ત્યાં તો બધું એઠું સીધું મારા ખોળામાં

ખંખેર્યું બધું; વિચાર્યું, નથી કૂવામાં તો ક્યાંથી આવશે અવાળામાં?

ફરી એકવાર- તીર મારવા જેવું ખરા અંધારામાં?

વધારે અવઢવ, વધારે પગરવ

વધી પડી અલ્યા આ તો મૂંઝવણ

‘ઉપરવાસ’માં મચી રમઝટ

કીધું નહી ચાલે

જે થાશે તે જોયું જાશે, પડશે એવા દેવાશે

મને ક્યાં ખબર જ હતી કે એ માકડું કો’ક દિ’ મને પડકાશે!

(આજે ખાનું સાફ કરતો હતો ત્યારે હાથમાં આવ્યો; છઠ્ઠા ધોરણનાં ઉનાળાનાં વેકેશનમાં
ગૂલમહોરનાં ફૂલ તોડવાં ઝાડ ઉપર ચડ્યો ત્યારે ઉપર એક ડાળીમાં ઝૂલતાં અધખૂલ્લા ફૂલની
અંદર કાગળનો એક ડૂચ્ચો દેખાયો, મેં એ ફૂલને ઉઘાડી એમાંથી એને કાઢીને વાંચ્યો તો
એમાં આવું કંઇક લખ્યું હતું. મને ત્યારે થયું કે મમ્મી મને ખોટે-ખોટી ખીજાય છે,
ભગવાન પણ પોતાનાં કચરા જ્યાં ને ત્યાં જ ફેંકી દે છે!)