બેફિકરું

‘હે ભગવાન!’, બોલ ને ભાઇ!

આમ તો
મને જૂનું કંઇ ખાસ યાદ રાખવાની આદત નથી અને એજ આદતને લીધે મને અત્યારે એ યાદ નથી
કે હું પહેલા ધોરણમાં હતો ત્યારે મારા પાડોશી દીદીએ મને પૂછેલું કે ‘મોટો થઇને તું
શું બનીશ?’ નો જવાબ મેં શું આપેલો કે પછી છઠ્ઠા ધોરણમાં રીક્ષામાં જતો ત્યારે ચોથા
ધોરણમાં ભણતા, રીક્ષામાં સાથે આવતાં છોકરાનાં મમ્મીનાં સવાલ, ‘તારે શું બનવું છે,
મોટા થઇને?’ નો મેં શું જવાબ આપેલો કે પછી અગીયારમાં ધોરણમાં એક લક્કી ડ્રોને લીધે
રેડીયો જોકી સાથે વાત કરવાનાં મોકા વખતે એણે પૂછેલાં સવાલ, ‘ફ્યુચરમાં શું પ્લાન
છે?’ નો મેં શું જવાબ બાફેલો એ મને યાદ…મને આમાનું કશું જ યાદ નથી..

પણ જો
અત્યારે તું મને પૂછતો હોય કે તારે ‘મોટા’ થઇને શું બનવું છે તો મારો જવાબ શું હશે
ખબર છે, ભગવાન..! હા, મારે ભગવાન થવું છે. જો કે, ના, ના! હું ઑલરેડી છું જ, હું
ભગવાન જ છું.

સરપ્રાઇઝ્ડ..!?!

અલાઉ
મી… તો અહીંયા હું પેલા ‘સૌ કોઇ ઇશ્વરનું રૂપ છે, એ કણ-કણમાં વ્યાપેલો છે..’વગેરે..વગેરે..જેવી
લબાડ વાતોની વાત નથી કરતો; હું વાત કરું છું એ સ્ટેજ પર પહોંચવાની, એમ કે કોઇ
ડીગ્રીનાં લેબલની જેમ નહીં પણ એ ટાઇટલને અંગીકાર કરવાની, ‘ભગવાન’ નામનાં એ થપ્પાને
ચાવી, પચાવી, ઓડકાર ખાઇ નાખવાની વાત કરું છું.

લે હું
આ ટ્રેક પર ક્યાંથી ચડ્યો એ કહું એટલે તને મારી સાથે રહેવામાં થોડી સરળતાં રહે..
પણ પહેલાં કહી દઉં, મેં આખી ભગવદગીતા નથી વાંચી પણ જેટલી વાંચી છે એમાં ભગવાને
પોતાનાં જ વખાણ કર્યા છે; હું આમ અને હું આમ. પહેલાં મને થયું આવી ખૂદની વાહ-વાહી
વાળી વાતો ને લોકો જીવનની દરેક સમસ્યા રૂપી તાળાની ચાવી કઇ રીતે માની શકતાં હશે?

પણ પછી
મને થયું કે આમ કંઇક ગડબડ છે અને અંદર એકાએક બલ્બ થયો..કે હા..બસ ‘આને’ લીધે જ
ભગવાન આવી મોટી-મોટી વાતો કરે છે, પાક્કું!’

તો આ ‘આને’
એટલે વળી શું?? કહું, પણ એ કહેતાં પહેલા કહી દઉં કે આ મારું ‘વિયુક્ત’ છે અહી આજે
આમ લખાય તો વળી કાલે એના જ વિશે કંઇક બીજું લખાય..આ ઘડીનાં વિચારો છે..અત્યારે લખાયું
એ સાચું..તો આ હિસાબે કાલે ઉઠીને હું ગીતાજી આગળ વાંચું ત્યારે ભગવાન વિશે કંઇક
નવા અભિપ્રાય સાથે પણ તારી સામે આવું..સો ફિકર નક્કો.. પણ અત્યારનું અર્થઘટન કંઇક
આવું છે કે, ‘તું માની લે.’

હા, બસ આટલું…ભગવાને માની લીધું કે એ પોતે ભગવાન
છે, એટલે એ ભગવાન થઇ ગયા; તું માની લે કે આ ઢાળ તારાથી નહીં ચઢાય, એટલે એ નહીં ચઢાય;
તું માની લે કે આ ગીત તારાથી ગવાશે, એટલે એ ગવાશે…

હટીને કહી-
દીધું, ‘રામ-રામ!’, હું-
જ હવે શ્યામ.