સપ્તરંગી

હું ડફોળ નથી

હું ડફોળ નથી; મને ખબર છે, અહીં
અસ્તિત્વની લડાઇ છે
પણ છતાં પેલા દૂરનાં પહાડ પાછળ ક્યાંક
વસતાં મેઘધનૂષની એકાદ ઝલક માટે મીટ મંડાઇ છે
મને ખબર છે, અહીં ગળાકાપ હરીફાઇ છે
પણ છતાં ‘પહેલે આપ’નો વિવેક ન જાણે
ક્યાંથી થઇ જાઇ છે!
મને ખબર છે, અહીં તો બસ કોની કેટલી સરસાઇ
એ જ મપાય છે
પણ છતાં એ સમજ બહાર છે કે સ્લો
સાઇક્લીંગની સ્પર્ધામાં ભીડ શાની ઉભરાય છે?
મને ખબર છે, અહીં ભાગે ઇ ભડવીર અને બોલે
એનાં બોર વેંચાય છે
પણ છતાં નિરાંતે ઉડતાં પતંગીયાની પાંખતો
મૂંગે મૂંગી જ વીંઝાય છે
હું ડફોળ નથી; મને ખબર છે, બે વધતાં બે
ચાર થાય છે
પણ છતાં ખીજકણાં માસીનાં ફળીયામાં ખરેલી
કાચી કેરી લેવા જતાં પકડાય ગયેલા એ પળમાં સરી જવાય છે…