ભેદી

∞∞∞ઇનફાયનાઇટ∞∞∞

મને નથી ખબર કે આપણા મોટેરાઓ-વડીલો અનુભવને લીધે આવું કરતાં કે પછી
એમણે પણ એમનાં મોટેરાઓ-વડીલોને એવું કરતાં જ જોયેલા એટલે એ લોકો એવું કરતાં.
પણ તું માર્ક કરજે, એ લોકો આપણને શેમાકને શેમાક પરોવાયેલા જ રાખશે,
કાંતો વાર્તા કહીને આપણાંને કલ્પનાનાં વિશ્વમાં પહોંચાડી દેશે, કાંતો આપણને
ઘોડીયામાં નાખીને હિંચકાવી-હિંચકાવી ત્યાં સુધી બોર કરી દેશે કે આપણે સૂઇ જઇએ,
આપણને બાલમંદીર અરે હવે તો ખબર નહીં કે.જી. કે પછી કંઇક બીજું કહે છે પણ ત્યાં
મૂકશે, પછી સ્કૂલ, કોલેજ અને પછી એની માંને, બધાની માં આપણી માથે ચડી જશે…જિંદગી…!
તો આપણા મોટેરાઓને કે પછી એમનાંયે વડીલોને એવો તો શું અનુભવ થયો હશે
કે એમણે આપણને આવા નવાને નવા રવાડે ચડાવતાં રહેવાનો ચીલ્લો ચાતરી દીધો..!??
એ જે હોય તે પણ એટલું તો પાક્કું કે એવું કંઇક તો છે જે એટલું ચંચળ છે
કે કાંતો એ પાંજરાની બહાર ગયું તો પછી એ ક્યારેય હાથમાં નહી આવે.
અચ્છા તો માની લઇએ કે એ જે છે એને ભાગવા દીધું, અથવા કોઇ રીઝનથી એ
ભાગી ગયું તો શું??
આપણા સૌનાં ઉછેર અને આપણા સામાજીક ઢાંચાને જોતાં તો મને એવું લાગે છે
કે એ જે કંઇ પણ છે એને ‘ચલો પાંજરામાંથી ભાગી ગયું, હશે!’ એવું કહીને ટાળી શકાય એવું
બીલકુલ નથી.
એ ખાલી ચંચળ જ નથી લાગતું, એ ડરામણું છે, કદાચ જો એ ભાગી જાય તો બીજાને
નુકસાન પહોંચાડી શકવાની ક્ષમતા રાખતું હોય એવું લાગે છે.
જીમ કેરીનું એક મુવી છે, ‘ધ ટ્રુમેન શો’; એમાં એવું છે કે જીમ કેરી
એવું કેરેક્ટર છે કે જેને નાનપણથી ખબર જ નથી કે એની દુનિયા, એની લાઇફ એ ખરેખર
બિલકુલ ફેક છે, એ પહેલેથી એક રીયાલીટી શોનું એક કીરદાર છે. એક રીયલ પર્સનની રીયલ
લાઇફનો રીયાલીટી શો, જો જે ક્યારે આ મુવી. 1998માં કોઇનાં દિમાગમાં આવો જબરો
આઇડીયા આવેલો!
થોડું ધ્યાનથી જોઇએ તો, આપણી આસપાસની દુનિયાને અને એમાંનાં બધા
રીત-રીવાજો અને પરિસ્થિતિઓએને પણ કોઇ રીયાલીટી શોની જેમ આપણાં મોટેરાઓ એવી રીતે જ ‘ડીઝાઇન’
કરી છે કે આપણે જરાય નવરા ન પડી શકીએ.
જો વળી ક્યારેક ભૂલથી નવરા પડી પણ ગયા તો રીડીંગ, ટ્રાવેલીંગ, મ્યુઝીક
જેવી ‘ક્રીએટીવ એક્ટીવીટી’નાં નામે પણ બીઝીનેસ ઘૂસાડી જ દીધી છે આપણી લાઇફ
સ્ટાઇલમાં. તો આનાં પરથી તો મને એવું લાગે છે કે એ લોકો આવું બધું કરીને
આપણામાંનું એ જે લક્ષણ બહાર આવવા દેવાં નથી ઇચ્છતાં એ કદાચ ચંચળ, ડરામણાથી આગળ
ભયાવહ પણ હોય શકે..!!
પણ આવું બધું તો લાગે છે…માની કેમ લેવું..!?!