જુદું કંઇક

‘ઇઝ ઇટ?!’

કોઇ મને પૂછે કે તને સૌથી ન ગમતી રમત કઇ? તો હું એક સેકંડનો પણ વિચાર કર્યા વગર કહી દઉં કે ચેસ!

મને ચેસ એટલી ન ગમે, એટલી ન ગમે કે હું નાનો હતો ત્યારે તો મને ચેસ રમતાં લોકો પણ ન ગમે! ધીમી છે, કોઇ જ પીઝીકલ એક્ટીવીટી નથી, કોઇ જ કલર નથી, ટોટલી બોરીંગ છે આ બધાને પણ ચાલો એક મોકો આપીએ તો છેલ્લે અંતનું શું કરવાનું!! અડધાથી વધારે ગેમમાં તો અંતમાં પણ કંઇ જ નથી!! ડ્રો!! આથી વધારી દારૂણ પરિસ્થિતિ શું હોઇ શકે!! મને તો એમ થાય કે મને તો ઠીક કોઇને પણ આ ગેમ કેમ ગમી શકે!!

પણ પેલું કે’ છે ને કે જેને કોઇ ન પહોંચે એને એનું પેટ પહોંચે. મારી બાબતમાં પણ કંઇક એવું જ થયું. વર્ષો સુધી ચેસને કોસી, એ રમતની અને એને રમતાં લોકોની મનોવૃત્તિ પર અભ્યાસ કરીને નિર્ણય પર પણ આવ્યો કે આ રમત અને એને રમતાં લોકોમાં ‘કંઇક’ ખામી તો જરૂર છે!! અને ‘જો હું વડાપ્રધાન બનું તો’ નિબંધમાં ચેસ પરનાં પ્રતિબંધ વિષે ચર્ચા કર્યા પછી આજે ચાલીસ વર્ષે મારો અગિયાર વર્ષનો કુશ સ્ટેટ જુનિયર ઓપન ચેસ ચેમ્પિયનશીપ જીતી આવ્યો!!!

એટલે આજે હવે ચેસ માટેની એક ખસલતતો નથી રહી, ચેસ રમતાં લોકો ન ગમવાની!! છૂટકો નથી!! પેલા રુબીક્સ ક્યુબના પાસા ફેરવવાવાળા ધુનીઓની જેમ કુશ પણ સતત એકલો-એકલો પણ ચેસ જ રમતો હોય છે કે પછી ચેસના મુવ્સ જ એના મગજમાં ઘૂમતાં રહેતાં હોય અને એ મુવ્ઝ આપણને કંઇજ ન સમજાય એવી કંઇક રીતે એની ડાયરીના પેઇજ પર ઉતારતો રહેતો હોય.

એવું નથી કે હું અધીરો છું, મને પણ ધીમી ચીજ ગમે. મને પણ ધીરજથી, આગળનું વિચારીને, સામેવાળાના મગજને કળીને કંઇક કરવાની મજા આવે. પણ આ બધું કર્યા પછી પણ અંત શું!?!

કુશનાં એક સો વખતનાં આમંત્રણે હું એકાદ વખત એની સાથે ચેસ રમતો હોઇશ અને આરામથી હારતો હોઇશ પણ આજે એના બારમાં બર્થ ડે પર એની મમ્માએ વિના મને પૂછ્યે ફ્રાંસથી ટીકવુડના હેંડ કાર્વ્ડ પ્યાદાવાળી અને એવાજ અતિ બારીક કારીગરીવાળા બોર્ડવાળો એક ચેસ સેટ મંગાવી લીધો છે અને મારે આજે વિના કુશનાં આમંત્રણે સામેથી એની સાથે એ નવા ચેસ સેટ પર એક ગેમ રમવાની છે!!

હેપી બર્થ ડે, કુશ!!!!

વિસેક મિનીટ ચાલી હશે અમારી ગેમ. ઑફ કોર્સ હું હારી ગયો. અને દર વખતની જેમ આ વખતે પણ વિના કોઇ ખાસ ઉત્સાહે એણે એ પ્યાદા બોર્ડ પરથી નીચે લઇને ભરવા લાગ્યા અને નવા બોર્ડની બારીક કારીગરી ધારીને જોવા લાગ્યો. હવે આજે તો મેં એને પૂછી જ લીધું. ‘કુશ, આટલી ધીમી, કાઇંડ ઑફ બોરીંગ, મોસ્ટ ઑફ ધ ટાઇમ વિના કોઇ એન્ડ રિઝલ્ટની ગેમ તને આટલે ગમે છે કેમ?!’
એ બોર્ડની નકાશી જોતાં-જોતાં કદાચ એનાં મગજમાં કોઇ નવી મુવ આવી હોય એમ એની આંખમાં ચમક આવી અને એ બોર્ડ નીચે મુકી, બાજુમાં પડેલી એની ડાયરીમાં કંઇક લખતો-દોરતો મને કે, ‘એન્ડ નેવર મેટર્સ!’

હું ત્યાર પછી મારી જાતને આ સવાલ કદાચ દસ વખત પૂછી ચૂક્યો છું, ‘ઇઝ ઇટ?!’