દિલફેક

જંગલીયતની અસલીયત

આપણી આ જાત, આ
માણસજાત, સરસ મજાના કપડા પહેરીને નીકળે, પલાઠીવાળીને જમે, રોજે નાહવાનો કાર્યક્રમ
હાથ ધરે, સારી ભાષા બોલે, ધંધો-નોકરી કરે, એકધારું જીવન જીવવાની કોશીષ કરે અને 80%
તો પોતાની જિંદગીમાં એમાં જબરદસ્ત સફળ પણ થઇ જાય અને કદાચ એટલે જે માણસને સામાજીક
પ્રાણી કહેવાયો હશે.
પણ યાદ આવી એટલે
અહીં વચ્ચે બીજી એક વાત કહું, તેં ઘોડા જોયા છે ને! અરે, પેલા ચાર પગવાળા, પીઠે
પલાણ અને પગની ખરીમાં નાલવાળા.! આપણા માટે ઘોડા એટલે એટલે મગજમાં આવું જ પિક્ચર
આવે પણ આ ઘોડા પાલતું ઘોડા છે, ઘોડા જંગલી પણ હોય બોલ..”હે..?!, શું વાત
કરશ, ઘોડા અને જંગલી..?!” થયું ને
આશ્ચર્ય..!! એની પીઠ પર હજી સુધી કોઇએ સવારી નથી કરી હોતી, એની કેશવાળી કોઇએ
ક્યારેય ટ્રીમ નથી કરેલી હોતી, એને લગામ ક્યારેય લાગેલી નથી હોતી, એનાં રુંવા પર
ક્યારેય બ્રશ ફર્યું નથી હોતું પણ જો ક્યારેય આવો કોઇ જીવ દેખાય જાય તો એની છટા
જોજે, એની અદા જોજે, એનો દમામ, એનો વટ જોજે..તને થશે વાહ..કેવો શાહી અંદાજ..!!
હવે બેક ટુ જૂની
વાત..
પહેલા જે વાત કરી,
સરસ મજાના કપડા, પલાઠીવાળીને જમણ, 80% વગેરે..વગેરે..એ બધા કોણ છે ખબર છે, પેલા
પીઠે પલાણ અને પગે નાલવાળા ઘોડા છે, એ ખૂબસૂરત હોય શકશે પણ શાહી ક્યારેય નહીં.
એટલે હું એમ નથી કે’તો કે આવી બધી સામાજીક ઘડ પર ઇસ્ત્રી ફેરવીને તું પણ તારી
‘કેશવાળી’ ટ્રીમ કરવાનું છોડી દે, તું પણ તારા પરની બધી લગામો કાપી નાખ, તું પણ
તારા ‘રુંવા’ પર ‘બ્રશ’ ફેરવવાનું હંમેશ માટે માંડી વાળ, તું પણ ‘જંગલી’ થઇ જા..
હું તો ખાલી એટલું
કહું છું કે, બી માં, ડર માં; તારી અને મારી ઉપર આવી કંઇક પલાણો અને નાલોનાં પડ
ઉપર પડ ચડેલાં છે, આપણી ઉપર આ ‘સામાજીકતાં’નાં એટલાં મુખોટાં ચડેલાં છે કે એમાંથી
બે-ચારને ઉખેડી પણ નાખીશ તો કંઇ તું જંગલી નહીં થઇ જા.
અને છતાં ડીપ ડાઉન
હજી તું અને હું એ જ મસ્ત-મોલા, લહેરાતી કેશવાળીએ, આમથી તેમ દોડા-દોડ કરતાં શાહી
શાનનાં માલિક જ છીએ, ‘જંગલી’ જ છીએ…તો પછી હાલ થોડા ‘જંગલી’ થઇએ..