ભીનું ક્યાંક કોરું

જોકાની બારી

ખરાબ નશીબે એટલી બુધ્ધિ અંદર ઘર કરી ગઇ છે કે સપના અને હકિકત વચ્ચે ખબર પડી જાય છે.

સપનાં જોઇતાં નથી અને હકિકત ખમાતી નથી.

આંખો બીડાતી નથી અને સહનશક્તિમાં શ્રધ્ધા નથી.

બધું એકસાથે છે!

બંધ પોપચાની પેલે પારની અમાન્ય અને ખુલ્લા પોપચાની આ પારની અક્ષમ્ય દુનિયા વચ્ચે એક બારી છે;

જોકાની બારી-

પાંપણ પોતા પર વધતાં જતાં વજનને લીધે ધીમે-ધીમે અને ક્યારેક એકા એક જ ધડામ દઇને નીચેની પાંપણને મળવા પહોંચી જાય અને જેવી બંને પાંપણ મળે – ન મળે કે બરાબર ત્યારે જ અંદરનો એ અવાજ ‘અલ્યા, એ! સપનાં જોવા જેવા તારા કોઇ કામ નથી!’ એક જ થડકારે બંને પાંપણોને એકબીજાથી પોસીબલ હોય એટલી દૂર કરી દે..

ત્યાં જ વળી પેલી સામેની દિવાલ પાછળ છૂપાયેલી હકિકત ધીમેકથી આવીને મારી આંખની ઉપરની પાંપણને નીચે ખેંચતાં-ખેંચતાં ચેલેન્જ આપતી જાય ,‘જોઉં છું હું પણ કે તું કેટલીક ખુલ્લી રહે છે!’

એટલે આ પાંપણોનો ઉપરથી નીચે પડવાનો જે વિન્ડો છે, જે ટાઇમ સ્લોટ છે એ અચરજ ભરેલો છે!

ત્યાં કંઇક ગેબી હીલચાલ થાય છે, ત્યાં કંઇક કેફી તત્વ છે કે જેનાં પાઉચ પર મોટા મોટા અક્ષરે ‘હાનિકાર’ લખેલું છે છતાં પોતાની તરફ ખેંચી લઇ જાય છે.

મને આ ‘વિન્ડો’ પસંદ છે, એનો એ અજાણ્યો કેફ પસંદ છે. મને એ જોકાની બારીની બારસાંખ પર પગ લટકાવીને બેસવું પસંદ છે, એ પરાણે આવી જતાં જોકા મને તું પસંદ છે.