બસ એમ જ

કદાચ ક્યારેક

હું જુનો થતો જાઉં છું
ધીમો પડતો જાઉં છું
પ્લે લીસ્ટમાં સ્લો સોંગનો વધારો કરતો જાઉં છું
ટ્રાવેલીંગમાં વિન્ડો સીટ ટાળતો હોઉં છું
બહાર નીકળતાં પહેલાં વોલેટ લીધું કે નહીં એ બે વખત ચેક કરી લઉં છું
ફિલ્ટર પાણીને પ્રેફરન્શ આપું છું
દરરોજ શેવીંગ કરું છું
કપડા ઘડી કરીને રાખું છું
ઘરમાં આવીને તરત કી-ચેઇન હોલ્ડરમાં લટકાવી દઉં છું
એકદમ ઉતાવળે, છીંક આવે એ પહેલાં ખિસ્સામાંથી રૂમાલ કાઢીને મોંએ રાખી
લઉં છું
ફોન ચાર્જ રાખું છું
બાઇકનાં સાઇડ સ્ટેન્ડને બદલે મેઇન સ્ટેન્ડ યુઝ કરું છું
કોઇનાં બહારની પાણીપૂરીનાં આગ્રહને બને ત્યાં સુધી ખાળું છું
દરરોજ બે વખત ન્હાય લઉં છું
ન્યુઝ ચેનલનાં નંબર યાદ રાખતો હોઉં છું
‘પુસ્તક મેળો ક્યાં સુધી લંબાયો છે?’ આવા સવાલનો જવાબ હવે હું પણ આપતો
હોઉં છું
થોડો જુનો થતો જાઉં છું
થોડો ધીમો પડતો જાઉં છું
આવું બધું કદાચ ક્યારેક મને પણ સ્યુટ કરશે એ વિચારે અત્યારેતો મારી કાચી
કેરીની આઇસ લોલીને ચૂસતો જાઉં છું અને મારી સાથે પોતાની કાલાખટ્ટાની લોલી ચૂંસતી
મારી ફિયાન્સીની જીભ વધારે મરૂન થઇ છે કે મારી વધારે પોપટી થઇ છે એની રેસમાં હારતો
જાઉં છું…!!