જરા ટેઢું

કંઇક નવું

કંઇક નવું…કંઇક નવું…કંઇક નવું… આ ચાહ જરાક ટ્રીકી છે.
કઇ રીતે?
ટ્રીકી એ રીતે કે આ ‘નવા’ને પોતાનું કોઇ સેક્સ નથી, એ સ્ત્રીલીંગ નથી
કે પુલીંગ નથી, કે બીજું કોઇ લીંગ પણ નથી, એના પર સારા-ખરાબનાં સ્ટીકર ચોંટાડી
શકાય એવી એની પાસે કોઇ સરફેસ નથી, એને ગંધ નથી કે જેને ‘સુ’ કે પછી ‘દુર’નાં
પ્રીફીક્સ લગાવી શકાય નથી.
હવે જો થોડીક સા.બુ. લગાવીએ તો, આમાંથી કશું આ ‘નવા’ પર લાગુ પાડી
શકાતું હોત એટલે કે આપણે એનાં વીશે કશું જાણતાં હોત તો પછી એ નવું કઇ રીતે રહેત?
નવું એટલે કંઇક એવું જે આપણા માટે જૂનું નથી; બસ.
મારા જાત અનુભવ પરથી કહું તો, જેને-જેને આવી કંઇક ‘નવા-નવા-નવા’ની ધાધર
થઇ હશે એ પહેલા જે કંઇ ‘સારા(બિનહાનીકારક!)’ટાઇપ નવા છે એની પાછળ પડશે. એટલે કે
તું, તે નહીં ખાધેલી વાનગી ખાશે, નહીં વાંચ્યા હોય એવા લેખકોનાં પુસ્તકો વાંચશે, ન
ગયો હોય એવી જગ્યા એ જશે, અલગ-અલગ ટેસ્ટૅનાં મ્યુઝીક સાંભળશે; આમ કરતાં-કરતાં આવું
‘સારું(!)’ નવું ધીમે-ધીમે જૂનું થતું જશે પછી સ્પીડોમીટરનો કાંટો પહેલાં ક્યારેય
જ્યાં સુધી ન પહોંચ્યો હોય ત્યાં પહોંચાડવાનાં અભરખાથી લઇને ન ફૂંકેલી ક્યુબન
સીગારનાં કશ ખેંચવા સુધીની ‘નરસા(હાનીકારક!)’ટાઇપ નવાનું લીસ્ટ બનતું જશે અને
ક્યારે એ ‘સારા(!)’ટાઇપનાં આઇટમલીસ્ટની નીચે એ ‘નરસા(!)’ટાઇપ લીસ્ટની એક-એક આઇટમ
એડ થતી જશે એ ખબર પણ નહીં પડે.
અને ટ્રસ્ટ મી, પછી એ ‘કંઇક નવા’ની ચાહે તને ત્યાં પહોંચાડી દીધો હશે
જ્યાંથી તને આવા બધા ‘ટાઇપ’ની કોઇ પરવાહ જ નહીં હોય. અને એ તો જગતનો નિયમ છે કે
એકવખત જેની પરવાહ ન રહે એનું અસ્તિત્વ જ નથી રહેતું. તો પછી તારા માટે ન કંઇ ‘સારું’
રહે ન કંઇ ‘નરસુ’ રહે; તું પણ પહેલા વાત કરી એમ એ ‘નવા’ જેવો બની જશે; તું પણ ન
સ્ત્રીલીંગ રહીશ, ન પુલીંગ કે બીજું કોઇ લીંગ, તું પણ સારા-ખરાબ, સફેદ-સુગંધ-કાળા-દુર્ગંધ
થી પરે જતો રહીશ.
હા, આવું બનવું એ, અહીં લખ્યું છે એટલું જ સહેલું છે, બસ તારે તારી
જાતને સાથે રાખી કંઇક નવું-કંઇક નવું-કંઇક નવું કરતું જવાનું, બસ.