થોડું કડછું

કામ કર્યે જા, ફળ ની આશા…(??)

જેમ દરેક ક્યારેકને ક્યારેક તો સીડી પ્લેયરમાં ઉંધી સીડી મૂકશે જ એમ સારપ
હેરાન કરશે જ, એમાં કંઇ નવું નથી. આ વાત કેટલી જૂની છે એનાં પૂરાવા દેવાની કશી
જરૂર મને લાગતી નથી કેમ કે ગણિતમાં એક વસ્તુ આવતી અને એ કંઇક આમ હતી, અમુક સત્યને
પૂરાવાની જરૂર નથી હોતી એ સનાતન હોય છે અને એને પૂર્વધારણા કહે છે, બસ તો આનું પણ
કંઇક એવું જ છે.
પણ આ તો થઇ સૌની જાણની વાત પણ એક થોડી અજાણી વાત કહું અત્યારે તને,
સારપને એક જુડવા ભાઇ છે અને એ બંને ભાઇ-બહેનને પહેલેથી એકબીજા સાથે એટલું ભળે છે
કે એ બંને હંમેશા સાથેને સાથે જ હોય છે. સારપનાં ભાઇનું નામ છે, સંતોષ.
આ બંને ભાઇ-બહેન કેવા ખબર છે, દુનિયાનાં બધાં જ ભાઇ-બહેન જેવાં, ઉંધા;
એકબીજાથી તદ્દન ઉંધા. સારપ લોકોને હેરાન કરે તો સંતોષ લોકોને આનંદ આપે, સારપ
લોકોની પરિક્ષા કરે તો સંતોષ લોકોને મીઠું પરીણામ આપે. પણ ગમે તે થાય એટલું પાક્કું
કે બંને ભાઇ-બહેન હોય એકસાથે જ. હા, એવું બને કે ઉતાવળી સારપ ભાગતી-દોડતી થોડી
પહેલાં આવી ગઇ હોય અને એનાં લખણ દેખાડવાનાં શરૂ કરી દીધા હોય પણ ટ્રસ્ટ મી, એનો
ભાઇ એ લખણનું ચૂકવણું કરવા વહેલો-મોડો આવતો જ હોય છે.
પેલું કે’ છે ને, કંઇક સારું કરવા જઇએ એટલે સો વિધ્ન નડે. હા નડે, કેમ
કે સારપને ખબર છે કે એની પાછળ એનો ભઇલો પાછળ સારા-વાના કરવા આવી જ રહ્યો છે. તું
પણ સાવ એવો તો નથી જ કે હજું સુધી કંઇ સારા કામ કર્યા જ નહી હોય; ભલે મારા જેટલા
નહી પણ ક્યાંક એકાદ તો સારું કામ થઇ જ ગયું હશે તારાથી! તો તને પણ ખબર જ છે કે એક
વખત એ સો વિઘ્નોને ટપી ગયા અને કંઇક સારું કરી લીધું પછી એ સંતોષમાં મહાલવાની જે
મજા છે એ પેલા વિધ્નોની લમણાજીક કરતાં ઘણી વધારે છે.
આપણી ભાષામાં વાત કરીએ તો એક એવી લોલીપોપ છે કે જેને અનરેપ કરવી થોડી
ટ્રીકી છે પણ એક વખત એમાં ફાવી ગયો એટલે પછી તો એ પૂરેપૂરો ગોળો તારો. એવાં ફેન્સી
અને ટ્રેન્ડી શૂઝ છે કે જે શરૂઆતમાં પગની ચામડી રગડશે પણ ફાવી ગયા પછી તો બધેથી
વાહ વાહ! ‘અરે પેલીનાં શૂઝ તો જો’, ‘ક્યાં મંદીરે ઉપાડી આવ્યો આવા મજાના!’
ભાઇ એની બહેનને અને બહેન એનાં ભાઇને સરખી રીતે જાણે છે. સારપની ખબર છે
કે પોતે કેટલું ફાડશે કે જેથી એનો ભાઇ એને સાંધી શકશે અને સંતોષને ખબર છે કે એની બેનકીએ
ક્યાં કેટલું ફાડ્યું હશે અને કેટલો દોરો જોઇશે. આ બેલડી લાજવાબ છે, ભરોસાપાત્ર
છે.
તો મારું માન અને સારા કામો એ કર્યા પછી મળતાં સંતોષની લાલચે પણ કર!