આવું હોતા હશે, હંહ!

કાંગડી

મોબાઇલ લાઇબ્રેરી જોઇ હમણાં, રસ્તા પરથી મારી બાજુમાંથી નીકળી. મોટી
વેન જેવું હતું, ડાર્ક ગ્લાસની મોટી વિન્ડો હતી, અંદર પડદા જેવું કંઇક દેખાતું
હતું. ઉંચકેલી છતને લીધે લાગતું હતું અંદર એસી હશે. આમ તો જોકે મેં કોઇ દિવસ આવી
મોબાઇલ લાઇબ્રેરીને અંદરથી જોઇ નથી પણ હું ત્યારે મારા સ્કુટી પર જતો-જતો જ એના
અંદરનાં ઇન્ટીરીયર અને એટમોસફીયર વિશે હવામાં ઘોડા દોડાવવાં લાગ્યો.
દિમાગની એક મજાની વાત કહું તને; તું અને તારું વિજ્ઞાન ભલે ગમે તે
કહેતું ફરે કે દિમાગ આ કરી શકે, દિમાગ તે કરી શકે પણ હું તને આજે ખરી વાત કહું,
દિમાગ એટલું કરી શકે કે જેણે એણે ક્યારેક કોઇને કોઇ રીતે થતાં જોયું છે. હા, એની
ના નહીં કે એણે જે થતાં જોયું છે એમાં ચપટીક નવી વસ્તુંનો ઉમેરો કરી શકે પણ એનાથી
વધું કશું જ નહી. જો તારે એનાથી થોડું વધારે ઉંચે ચડવું હોઇ તો થોડું વધારે નીચે
ઉતરવું પડે. એટલે કે જો તારે ખરેખર ચીલાચાલુંથી ઉપર કંઇક બેજોડ, આઉટ-ઓફ-બોક્સ,
સંભાવનાઓની પરે જોઇતું હોય તો તારે દિમાગથી થોડું નીચે એટલે દિલ સુધી આવી એને એ
કામ સોંપવું પડશે.
તો મેં તો એ વ્હિલ્સ પર ઘૂમતી લાઇબ્રેરીમાં થોડું પેલી મોબાઇલ
બ્લડબેંકમાં જોયેલું હતું એમાંથી ઉમેર્યું, થોડું ટીવીમાં જોયેલી આર.વી.ની
ડીઝાઇનમાંથી ચોર્યું, સાથે થોડી ઓરીજીનલ લાઇબ્રેરીની આત્મા મેળવી બધું ભેગું
કર્યું; અને સ્કુટી પર જતાં-જતાં જ બનાવી દીધી એક મોબાઇલ લાઇબ્રેરી.
આવી જ એક બીજી વસ્તુની વાત કરું, જો કે આતો ઘણી જૂની વાત છે. પણ
અત્યારે ઠંડીમાં મને એ પ્રાયમરી સ્કૂલમાં ચોપડીમાં વાંચેલી વાત યાદ આવી ગઇ. ‘કાંગડી’,
ક્યારેય સાંભળ્યો છે આ શબ્દ. ખબર છે કાંગડી એટલે શું? જે હોય તે, ખબર હોય તો એ
મારા વર્ઝનની કાંગડીની તને નહીં ખબર હોય.
ઉત્તર ભારતમાં એટલે કે હિમાચલ, જમ્મૂ-કશ્મીરમાં ઠંડી સાલ્લી બહુ પડે,
પણ લોકો કીધા એટલે ગમે ત્યાં પહોંચી જ જાય. લોકો ત્યાં હાડ જમાવી દેતી ઠંડીમાં પણ
રહે અને કામ કરે. તો આવી ઠંડીમાં કામ કરવા, પોતાને ગરમ રાખવા કરવું શું? તો કે’ કાંગડી,
‘મોબાઇલ તાપણું!’
ત્યાં ઉગતાં નેતરટાઇપ ઝાડની ફ્લેક્સીબલ છાલને એકબીજા સાથે ગૂંથીને
તૈયાર કરેલું એક કૂંજા જેવું પાત્ર જેમાં ગૂંથણીને લીધે વચ્ચે-વચ્ચે જરા-જરા
અમસ્તી જગ્યા પણ હોય અને એ પાત્રમાં કંઇક ગરમ રાખી શકાય એવી સગવડતા અને ટકાઉપણું
પણ હોય. પણ આ પાત્રમાં ગરમ રાખવું શું અને એનાથી એ ‘મોબાઇલ’ કઇ રીતે બની જાય.
અહીંયા ફરી પેલું ‘એઠું ખાતું’ દિમાગ કામે લાગી જવાનું. લોકોએ એમાં
ભર્યા ગરમ, અંદરથી જગતાં લાકડીયા કોલસાનાં ટૂંકડા અને એને જગતાં રાખવા માટે થોડા
સૂંકા ડાળી-ડાખળાં. હવે વાત એનાં મોબાઇલપણાની તો કે’ એ પાત્રને એવું નેતરનું હેંડલ
બનાવી એને ગળામાં પહેરી લેવાનું એટલે છાતી પર થઇને મોંને હૂંફ આપતો એ કાંગડીનો
ધગારો તને એ હિમયુગમાં હાલતો-ચાલતો રાખે.
પણ અહીંયા તને એક વાત કહીશ, આ જે મેં તને કાંગડી વિશે વાતો કરી એ
વિકીપેડીયામાંથી નથી કીધી કે પછી મારી છઠ્ઠા ધોરણની સમાજવિદ્યા ખોલીને નથી વાંચતો
પણ બસ થોડું યાદ છે એના પરથી પેલી મોબાઇલ લાઇબ્રેરીનાં ‘બાંધકામ’ની જેમ કાંગડીપૂરાણ
ગાતો જાઉં છું.
પણ અત્યારે આ પૂરાણ પરથી મને બીજું કંઇક સૂજે છે, પણ એટલું પાક્કું કે
મારા દિમાગે એને રીલેટેડ ક્યાંક કંઇક જોયું જ હશે. બટ નેવરમાઇન્ડ, એ વાત એ છે કે જો
આ કાંગડી હૂંફની જેમ આપણી કાટતી જતી, જામતી જતી ક્રીએટીવીટીને, આપણી ‘એ ન બને’ની સીમાઓને,
આપણી કુંભારનાં ગધેડાની જેવી એકને એક ઘરેડને થોડો ગરમાવો મળી જાય તો?
જોયું છે, નથી જોયું, જીવ્યા છીએ, નથી જીવ્યા, પામ્યા છીએ, નથી
પામ્યું, શીખ્યું છે, નથી શીખ્યું કંઇ જ માયને નથી રાખતું દોસ્ત…