બસ એમ જ

ખરેખર યાર…

ફરીથી એકવખત વખત થઇ ગયો છે..
આભારી છું;
આભારી છું, કુદરત તારો; આવી જાહોજલાલી, આવી બાદશાહીયત, આવી બેફિકરી
ભોગવવાને લાયક સમજવા બદલ
આવી સેહત, આવી નિરાંત, આવું ભરેલું પેટ, અને આવા બેડને વિના પાછું
વળીને વાપરવા દેવા બદલ
આવા મમ્મી-પપ્પા, આવા બે’ન-જીજુ અને આવા દોસ્તો સાથે હસી મજાક કરવા
દેવા બદલ
કોઇ જ ખોડ-ખાપણ વિનાનાં વન-પીસ શરીર અને બેફામ, બધી દિશામાં ભાગતી
રહેતી બુધ્ધિનો માલિક બનવા દેવા બદલ
એક નસકોરથી બીજા નસકોરા વચ્ચે ચાલતી રહેતી હવાની રમઝટ અને છાતીની ડાબી
બાજુ અનુભવાતી હ્રદયની ધકધક બદલ
કંટ્રોલ+સી/કંટ્રોલ+વી, છાસ અને છોકરીઓની રચના થવા દેવા બદલ
શરદી વખતે બામ સુધી, તળીયાઝાટક ટાંકી વખતે પેટ્રોલ પંપ સુધી, મારા મોં
ને ડોયેલા ચણાનાં લોટમાં ટમેટા-ડુંગળી નાખીને લોઢી પર બનાવેલા, બહારની બાજુએથી ક્રંચી
અને અંદરથી ચાવતી વખતે મોઢું ખુલ્લું રાખીને એમાંથી ગરમ હવા નીકળવા દેવી પડે એવા
થોડા ગુઇ પુડલા સાથે એવીજ ગરમા-ગરમ ચા સુધી પહોંચવા દેવા બદલ
સતત હલબલીને આમથી-તેમ બધું ‘ભીનું’ કરતાં રહેતાં અધખાલી ઘડાને ચુસ્ત
ઢાંકી દેવાને બદલે મારી બધી હુશીયારીઓ-હોંશીયારીઓ-મોટીમોટીઓને ‘છલકી-છલકી’ને બહાર
આવવાં દેવા બદલ
ગાળો સાંભળી-સાંભળીને પણ અંધારામાં હળવેકથી સાચો રસ્તો ચીંધવા બદલ
ઉંધે કાન પાડવા બદલ, ખેંચીને બે ડફણાં દેવા બદલ
લિમીટેશન પણ એક્સપાન્ડેબલ હોય છે એવો ઢંગ અને ગધેડો પણ ક્યારેક બાપ
હોય છે એવો વ્યંગ શિખવવા બદલ
કુદરત હું તારો આભારી છું મને ફરીને-ફરીને એ યાદ અપાવવા બદલ કે હું
તારો આભારી છું
ખરેખર યાર…! ફરીથી એ વખત થઇ જ ગયો હતો..!