ઉછાંછળું

કોઇ કરતાં કોઇને નહીં…

આજે તો ભઇ ખરી કરી હોં!
એક તો મારો બેડ સીંગલ એમાં વળી અચાનક એ આવી ગઇ. હવે આવી તો ગઇ જ હતી
તો એને પાછી પણ કેમ મોકલવી! પછી શું, પછી ગમે તેમ અમે મારા નનકડા બેડ પર ‘મેનેજ’
કર્યું.
એ આવી’તી? શું કર્યું તમે? ‘એ’ એટલે કોણ હેં, મનેય કેને? તમે બંને સાવ
એકલા હતા, સાચે જ? “મજા” આવી? અમને તો મળાવજે, છુપા રૂશ્તમ…
અને હજી પણ બીજું કંઇકનું કંઇક આવી જાય એ પહેલા જાહેરમાં ડીકલેર કરી જ
દઉં કે, હા, એ મને ગમે છે અને આજ રાત પછી તો વિના કોઇ શંકાએ કહી શકું એ એને પણ હું
ગમું છું. અને આજના જમાના કોઇ બેને એકબીજા પસંદ હોય તો એમાં કંઇ ઉહાપોહ કરવા જેવી
વાત નથી રહી, આ બધું થોડું પાચ્ય થવા લાગ્યું છે. પણ એટલે એવો મતલબ નથી કે આવું
મારી અને એની વચ્ચે ત્યારે બન્યું હોત કે જ્યારે આ બધું અપાચ્ય હતું તો હું મને
એનાથી અલગ રાખત, કેમ કે આ તો પેલા ગીત જેવું છે, ‘મેં શાયર તો નહીં, મગર એ હંસી
જબસે દેખા મેને તુજકો મુજકો શાયરી આ ગઇ!’ પણ જ્યારે એની વાત આવે છે ત્યારે હું
સીંગુ ખાતો-ખાતો જરૂર પડે તો રણશીંગુ પણ ફૂંકી શકું છું.
એનું કારણ પણ છે યાર, એક તો એ હોય મારી સાથે વર્ષમાં માંડ ત્રણેક
મહિના એમાંયે એની આવ-જા તો ચાલું એન ચાલું જ હોય એટલે એનાં માટે મારું ઓવર
પ્રોટેક્ટીવ અને પઝેસીવનેસની ફિલીંગ મને તો વાજબી લાગે છે. અને તને તો કોઇ ક્યાં
કંઇ પૂછે જ છે.
આજે આવી ગઇ એમ અચાનક તો એ ક્યારેક જ આવતી એટલે પહેલા કહ્યું એમ એને
પાછી મોકલવાની તો કોઇ વાત જ ન હતી, ઉલ્ટાનું મને તો એની આ સરપ્રાઇઝ વિસીટ એટલી ગમે
કે ન પૂછ વાત! પેલું કે’છે ને કે કોઇ સ્પેશીયલનાં સાથથી મોં પર લાલી આવી જાય છે,
માં મોં પર પણ એનાં સાથથી લાલી આવી જાય છે, મારા આંગળીનાં ટેરવા એનાં સ્પર્શથી
સૂન્ન પડી જાય છે, એની હાજરી મારા પ્રિય આઇસ્ક્રીમને પણ ભૂલાવડાવી દે છે.
એ જ વિચારશને કે મારા જેવા પોણા ડફોળને આવી ધાંસુ આઇટમ મળી ક્યાંથી ગઇ
અને તારા જેવો સુપર બ્રિલીયન્ટ(!) રહી ક્યાંથી ગયો! તો હું અત્યારે મોટી-મોટી વાતો
કરવાની મળેલી તકને જરા પણ ગુમાવીશ નહી અને કહીશ કે, ‘હશે ભૈ, નશીબ-નશીબની વાત છે આ
તો..’
ચાલ હવે તારા જેવું કોણ થાય, પણ વધારે કહીં નહીં કહું હોં, ખાલી નામ જ
કહીશ…..ઠંડી.
આજેતો સીધી મારા બ્લેન્કેટમાં પણ ઘૂસી ગઇ, કોઇને કે’તો નહીં હોં…