સ્વાભાવિક

ક્યાં સુધી અને કેટલી..?

ઘણી વખત
મોટા કહેતાં હોય છે કે ધીરજ રાખ, ધીરજ…ત્યારે આપણને એમ થાય કે, એલા આજનાં
જમાનાંમાં હવે એ બધું ન હોય..ધીરજ-બીરજ રાખતા રહીએ તો પછી બીજા પચ્ચીસ ક્યારે આગળ
નીકળી જાય એની ખબરય ન પડે..
પછી વળી
ક્યારેક જરાક અમસ્તા વરસેલા વરસાદને લીધે લસરકાં રોડ પર વણાંક આગળ વ્હીલ લસરી જાય
અને પેટ્રોલની ટાંકી અને ખરબચડા રોડ અને ફૂટ રેસ્ટ વચ્ચે ડાબો પગ અચ્છોખાસો ઘસાય
જાય ત્યારે એમ થાય કે સાલી એવી બધી પણ ઉતાવળ ન’તી, આ વણાંક પાસે જરાક ધીમી પાડીને
પછી લીવર દબાવ્યું હોત તો કંઇ ખાટું-મોડું ન થઇ જાત…
તો વળી
ક્યારેક એવું પણ થાય કે શનિવારે તમે બેંકમાં પૈસા ભરવા ગયા હોવ અને ત્યારે જ
તમારું ધ્યાન બેંકની દિવાલ પરની મોટી-જબરી ચોરસ ઘડીયાળ પર પડે અને એમાં તમને બેમાં
પાંચ ઓછી દેખાય અને તમને અચાનક રાહત થાય કે અલ્યા બચી ગયા આજે, બીજી વખત ધ્યાન
રાખવું પડશે નહીં તો ક્યાંક બે વાગી ગયા તો પૈસાનું પાઉચ એમને એમ ભરેલું પાછું લઇ
જવું પડશે અને ત્યારે જ તમને ખબર પડી કે પૈસા ભરવાનું કાઉંટર ઉપર ટ્રાન્સફર થઇ
ગયું છે અને બરાબર તમે લીફ્ટ પકડવા જાવ અને એ ભરાયેલી લીફ્ટ પોતાના મોંમાં સમાય
એવડા ‘કોડીયા’ને લઇને પોતાનાં ‘હોઠ’ બીડી ચૂકી હોય અને તમે બે-બે પગથીયા ઠેંકતાં
પેલા કાચના પાર્ટીશન વાળા કાઉન્ટર પાસે પહોંચો અને તમને પેલા હાથ ઘૂસી શકે એ અર્ધ
ગોળાકાર ખાંચાને ટેકે રાખેલા સફેદ પાટીયા પર લખેલા એ પાંચ અંગ્રેજી અક્ષર ‘CLOSE’
વાંચવા મળે ત્યારે તમને એવું થાય કે અલ્યા જરાક ઉતાવળ કરી હોત તો આ પૈસા સોમવાર
સુધી સાચવવા ન પડત..
તો
સાલ્લું આમાં તો લોચો લાગ્યો… ઉતાવળ કરવી કે ન કરવી..અને જો મારે બેટી કરવી તો
કેટલી કરવી..અને નિરાંત રાખવી તો એ પણ ક્યાં સુધી અને કેટલી રાખવી…
તને શું
લાગે છે મારામાં વળી એટલી બધી બુધ્ધી છે કે હું આવા ડેન્જર ટોપીકનો નિવેડો લાવી
શકું..ના રે ના..! હું તો ખાલી એટલું કહું કે ધીરા એટલા પડવું કે થાક ખવાતો જાય
અને ભાગવું એટલું પાછળ રહી ન જવાય..
લડવું
એટલું કે હારી ન જવાય ને જીતવું એટલું કે છકી ન જવાય..
ખીલવું
એટલું કે ખરી શકાય અને મ્હોરવું એટલું કે ધ્યાને ચડી શકાય..