બસ એમ જ

લખવું નથી મારે આજે

લખવું નથી મારે આજે,
ચિક્કાર ઠંડી ભરેલી આ સૂન્ન રાતો સાથેની વાતોમાં લેપટોપની કી પ્રેસનાં
અવાજો અડચણો ઉભી કરે છે.
લખવું નથી મારે આજે,
એકધારી રિધ્ધમમાં આગળ-પાછળ થતી હોલાની ડોક જેવા જ તાલમાં ચાલતી મારા આ
શ્વાસ-ઉચ્છવાસની રમઝટ મારે માણવી છે.
લખવું નથી મારે આજે,
દૂ…ર અગીયારમી શેરીમાં રહેતાં સરકારી કૂતરાથી રીસાઇને એનાથી પણ
દૂરની સાતમી શેરીમાં જતી રહેલી એની ‘ઘરવાળી’ની ‘તૂ-તૂ હાઉ-હાઉ(નોટ મે-મે)’ સાંભળીને
મારે એમાં ટાપસી પૂરવી છે.
લખવું નથી મારે આજે,
ઘરનાં કોઇક ખૂણાનાં બિલકુલ ન વપરાતાં એવાં ક્યાંકનાં એકાદા ભૂલા-બીસરાયેલાં
નળમાંથી દર ચોથી મીનીટે ટપકતાં પાણીનાં એ બૂંદની ત્રિજ્યા મારે માપવી છે.
લખવું નથી મારે આજે,
મારે એ ઉલજન સૂલજાવવી છે કે, જેમ ક્યારેક આપણને કોઇ ન બોલાવે ત્યારે
આપણું મોં લાંબુ થઇ જાય એમ, આ પંખાને કોઇ નથી બોલાવતું એટલે એની પાંખો લાંબી થઇ છે
કે પછી એ આવડી જ હતી અને મેં આ પહેલા ક્યારેય એને નોટીસ નથી કરી?
લખવું નથી મારે આજે,
આજ-કાલ મારા કાનમાં બોલ્યા કરતી આ ભમરીઓ ઉનાળા અને ચોમાસામાં શું હાઇબરનેશનમાં
જતી રહેતી હોય છે? આ સવાલનો જવાબ પણ મારે જોઇએ છે.
લખવું નથી મારે આજે,
આજે મારે જોવું છે કે સાત ડિગ્રી સેલ્શીયસનાં તાપમાન વાળી આ શાં…ત રાત
મને હજી આવું કેટલુંક નવું-નવું અનુભવાવે છે.
લખવું નથી મારે આજે..