બસ એમ જ

મા.. (નોટ ‘માં’)

મને નથી ખબર પડતી કે શેના વિશે લખું, મને બસ એટલી ખબર છે કે મારા
આંગળીનાં ટેરવાને અત્યારે મારા દિમાગ કરતાં વધારે ઝડપથી ભાગવું છે, એને દિમાગનું
કહ્યું કશું જ નથી માનવું, એ સાલ્લા પેલા સોળ વર્ષની, આજ-કાલ ચૌદ વર્ષની છોરી જેવા
થઇ ગયા છે એને બસ ‘બધું’જ કરી લેવું છે, એને કોઇને ગનકારવાં નથી, એને કંઇ જ બાકી
નથી રાખવું, એને કશું જ નથી વિચારવું, નહીં કોઇ શબ્દની જોડણી કે નહીં એનો અર્થ,
નથી રાખવી કોઇની આમાન્યા નથી કોઇને ખોળે બેસાડવા, નથી એને સાચાને પરવાહ નહીં ખોટાનો
ડર, એને લખાણનાં ટાઇટલની કે એનાં કન્ટેન્ટ કોઇ ગતાગમ કે નથી એ વાચકને ક્યાં દોરી
જાય છે એની કોઇ ખબર….બેખબર, બેધ્યાન, બેદરકાર, બેપરવાહ મારા આ આંગળીઓનાં
ટેરવા…
મારા કાનમાં ઇયર પ્લગ છે, બહું વધારે નહીં છતાં ન ઓછા એવા વોલ્યુમમાં
જોહન મેયરનું એકાદું કન્ટ્રી સોંગ વાગી રહ્યું છે, મોડી રાત છે, સરસ મજાના પલંગ
પર, સરસ મજાની પંખાની ઠંડી હવા નીચે હું સૂતો-સૂતો પેટ પર ઓશીકું રાખી લેપટોપ પર
મારા ટેરવાઓને લાગેલી તરસ છીપાવી રહ્યો છું, મારા દિમાગને વધારેને વધારે કોશીષ
કરીને મારા ટેરવાની સ્પીડની તોલે દોડાવી રહ્યો છું…
મારે આવું આ પહેલા પણ થયું છે કે હું લખવા બેસું અને કંઇ સૂજે નહીં
અને હું મારી-મચડીને ‘અંદર’થી કંઇક ઉલેચવાની મથામણ કરતો હોઉં પણ હંમેશા એવું જ બને
કે બે-ચાર લીટી લખ્યા પછી મને થાય કે, ના મજા ન આવી…મૂકી દઉં..પણ આજે મારે કંઇક
લખવું જ હતું કંઇ પણ..થોડી વાર વિચાર્યું, ન આવ્યું..હંમેશની માફક..પણ પેલા શાહરૂખની
જેમ…‘યે ટેરવે નહીં સમજતે!!’(એની બાબતમાં ‘દિલ’ હતું કદાચ!)
જિંદગી પણ ક્યાં દોસ્ત હરવખતે કંઇ લેવા કે દેવા જ આપણી સાથે કંઇક કરતી
હોય છે, એ પણ બસ એમ જ કંઇકના કંઇક ચેડા કરતી રહેતી હોય છે આપણી સાથે..
‘લેવા-દેવા વગરનું શું કામ કોઇ જમેલામાં પડવું’,
‘મૂકને આ બધું તારે કેટલા ટકા’,
‘ડોઢાસ વધી ગઇ લાગે છે’,
‘તું સાઇડમાંથી જતી રે ને પણ’…
જવા દે મિત્ર આ બધું..કંઇ જ ન હોય તો પણ કંઇ પણ કર..માયલાને છૂટો
મૂક..લાભા-લાભનું ગણિત જરાક ઓછું ગણ, ખરેખર કંઇક કરવાનું મન થવા દે, મન થયા પછી એ
કર, જ્યાં ને ત્યાં ‘મારે શું?’નું કાટ લાગી ગયેલું, કલર ઉડી જવાથી માંડ વાંચી
શકાય એવું, કોર્નરો વળી ગયેલું પતરું લઇને ઉભો રહેવાનું બને એટલું ઓછું કરી નાખ, ‘ત્યાં’
પણ જા, ‘તે’ પણ ખા, ‘તેને’ પણ મળ, ‘તે’ પણ વગાડી જો, બાંધ મા, બંધા મા…